Translate

Search This Blog

Thursday, December 3, 2009

સુવિચાર

દિવ્ય ભાસ્કર દૈનિકમાં દરરોજ સુવિચાર પ્રકાશિત થાય છે. આ દૈનિકના સૌજન્ય સહ આ સુવિચારના કેટલાક અંશ અત્રે પ્રસ્તુત છે.
  • લક્ષ્મી અતિ ગુણવાન પાસે રહેતી નથી તેમજ અતિશય ગુણહીન પાસે પણ રહેતી નથી. ........... વિદુરનીતિ
  • જ્ઞાની પુરુષ કોઈ પણ લૌકિક વિષયમાં રમમાણ થતા નથી. ........... જ્ઞાનેશ્વરી ગીતા
  • અમને વરદાન આપ કે સેવક અને મિત્ર તરીકે અમારે જેની સેવા કરવાની છે તેનાથી અમે ક્યારેય અળગા ન પડીએ. .......... ગાંધીજી
  • વાસ્તવિક શિક્ષા તો ત્યારે શરૂ થાય છે જ્યારે મનુષ્ય તમામ બાહ્ય સહાયતાને છોડી અંતરના સ્ત્રોત પ્રત્યે અગ્રેસર થાય છે. ......... સ્વામી રામતીર્થ
  • પ્રેમ, શ્રદ્ધા અને ઇચ્છાપૂર્તિનું ઉત્તમ સાધન પ્રાર્થના છે. ......... ફાધર વાલેસ
  • સભ્યતા જ સહનશીલતા માટેની એક માત્ર કસોટી છે. ......... આર્થર હેલ્પ્સ
  • મનુષ્યનો વ્યવહાર અરીસા જેવો છે, જેમાં તેનું ચિત્ર દેખાય છે. ........ ગેટે
  • જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દ્રઢ ઇચ્છાશક્તિ હોવી જોઈએ. .......... સ્વામી વિવેકાનંદ
  • મનુષ્યનું જીવન શ્રદ્ધા અને વિવેકથી ચાલે છે. વિવેક ન હોય પરંતુ શ્રદ્ધા હોય તો બીજાના વિવેકથી લાભ ઉઠાવી શકાય. .......... સ્વામી અખંડાનંદ સરસ્વતી
  • માણસની ઘણી ખરી કેળવણી બચપણમાં પૂરી થાય છે, તેનું ચારિત્ર્ય ઘડાય છે મા-બાપના ખોળામાં, ઘરાઅંગણાની રમતમાં. ......... ઉમાશંકર જોષી
  • પોતાની વિવેક-બુદ્ધિથી મારો ઉપદેશ ખરો લાગે તો જ તેનો સ્વીકાર કરજો. .... ભગવાન બુદ્ધ
  • મારી અંદરના ક્રોધના જ્વાળામુખીને અને બીજી અનેક વાસનાઓના વડવાગ્નિને સમાવી દેનારા તો ગાંધીજી જ હતા. ............... વિનોબા ભાવે
  • તમે ક્યાંથી આરંભ કરો છો એના કરતાં કેવી રીતે અને શું શીખો છો તે મહત્ત્વનું છે. ............ એન. આર. નારાયણમૂર્તિ
  • ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થ નવ સરે, મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી ચંચુ ના ભરે. ......... કવિ કલાપી
  • સખત પરિશ્રમ કરો, પવિત્ર અને શુદ્ધ બનો એટલે ઉત્સાહ આવશે જ. ................. સ્વામી વિવેકાનંદ
  • એવું ન માનતા કે જીત જ સર્વસ્વ છે, વધુ મહત્ત્વ એ વાતનું છે કે તમે કોઈ આદર્શ માટે સંઘર્ષ કરો છો. જો તમે આદર્શ પર જ મક્કમ નહીં રહી શકો તો જીતશો શું ? ..... લેન કર્કલેન્ડ
  • પ્રયત્ન દેવની જેમ છે જ્યારે ભાગ્ય દાનવની જેમ, એવામાં પ્રયત્નદેવની ઉપાસના જ શ્રેષ્ઠ કામ છે. ............ સમર્થ ગુરુ રામદાસ
  • તમને બધું જ મળી શકે છે, છેવટે તેને તમે મૂકશો ક્યાં ? ............. સ્ટીવન રાઈટ
  • જો કોઈ વ્યક્તિ પોતાના ધનને જ્ઞાન મેળવવા ખર્ચતી હોય તો તેનાથી એ જ્ઞાનને કોઈ છીનવી નહીં શકે, જ્ઞાન માટે કરાયેલા રોકાણમાં હંમેશાં સારું ફળ મળે છે. ........... બેન્જામિન ફ્રેંકલિન
  • જ્યારે તમે કાંઈક ગુમાવી બેસો, તો તેનાથી પ્રાપ્ત શિક્ષાને ન ગુમાવશો. ........... દલાઇ લામા
  • થઇ શકે છે કે તમારું કામ મહત્ત્વહીન થઇ જાય, પણ તેનાથી મહત્ત્વપૂર્ણ એ છે કે તમે કંઇક કરો. ........... મહાત્મા ગાંધી
  • જેવી રીતે મહેનત કરવાથી શરીર મજબૂત થાય છે, તેવી રીતે જ મુશ્કેલીઓ સામે ઝઝૂમવાથી મસ્તિક સુદ્રઢ બને છે. .............. સેનેકા
  • જેઓ પોતે જ સંયમિત અને નિયંત્રિત છે તેમણે વ્યર્થમાં વધુ નિયંત્રિય થવું જોઇએ નહીં, જે હાલમાં જ અનિયંત્રિત છે તેને જ નિયંત્રિત કરવું જોઇએ. ............ અથર્વવેદ
  • જિંદગી એવી નથી જેવું તમે એના માટે વિચારો છો, એ તો એવી બની જાય છે જેવી તમે એને બનાવો છો. .................. એન્થની રયાન
  • જે મનુષ્ય પારકા ધનની, રૂપની, કુળની, વંશની, સુખની અને સન્માનની ઇર્ષા કરે છે તેને પાર વિનાની પીડા રહે છે. ........... વિદુર નીતિ
  • બાળકને નિર્દોષ અને પ્રેમાળ કૌટુંબિક વાતાવરણ મળે એ જ અગત્યનું છે. શુદ્ધ વાત્સલ્યનો આસ્વાદ મળતો હોય ત્યાં જીવન સુરક્ષિત રહે છે. ......... કાકાસાહેબ કાલેલકર
  • જો હું મારા તમામ વ્યવહારમાં પ્રમાણિક હોઉં તો મને કદી ડર લાગવાનો નથી. ........... સ્વામી વિવેકાનંદ
  • સ્ટેનોગ્રાફર વાંસળીવાદક થઇ શકે. બસ શ્રદ્ધા અને સ્વરની સાધના કરશો તો જ્યાં જશો ત્યાં ઈશ્વર તમને પહોંચાડશે. .............. પંડિત હરિપ્રસાદ ચોરસિયા
  • તમારી ભૂલોનો સ્વીકાર કરજો. એથી ક્યારેક તો એવાં સારાં પરિણામો આવશે કે જેની તમે કલ્પના પણ કરી નહીં હોય. ........... સેગી ટેરિક્સ
  • કાર્ય કરવું એટલે શરીરથી પ્રભુને પ્રાર્થના કરવી. .................... શ્રી માતાજી
  • પાપ અને દુરાચાર એક માનસિક કે આત્મિક રોગ છે, તેને મટાડવા ઉપદેશ રૂપી દવા જરૂરી છે. ............ ઉસુ ખ્રિસ્ત
  • સુખ સમયમાં છકી ન જવું, દુઃખમાં હિંમત ન હારવી, સુખ દુઃખ સદા ટકતાં નથી, એ નીતિ ઉર ઉતારવી. .............. અજ્ઞાત
  • ખુદાને આદમી વચ્ચે તફાવત છે બહું જ થોડો, બનાવ્યું છે જગત એકે અને બીજો બગાડે છે. ............ બરકત વિરાણી
  • આળસ એ મૄત્યુ સમાન છે અને સતત કાર્યરત રહેવું એ જ જીવન છે. ................ સ્વામી રામતીર્થ

  • ઊઠો, બહાદુર અને મજબૂત બનો, પોતાના ખભા પર જવાબદારરી લો અને તમે જોશો કે તમે જ તમારા ભાવિના નિર્માતા છો. .......... સ્વામી વિવેકાનંદ
  • હું વિશ્વમાં માત્ર એક જ સરમુખત્યારનો સ્વીકાર કરું છું અને તે છે મારા અંતરાત્માનો અવાજ. ............ મહાત્મા ગાંધી
  • કોઈ બુરાઈ, કોઈ દુઃખદ ક્ષણ એવી નથી જેને વિશ્વાસ અને સચ્ચાઈથી જીતી શકાય નહીં. ......... ઉપનિષદ
  • ઝુલ્ફ કેરા વાળ સમ છે ભાગ્યની ગૂચો બધી, માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે. .............. શૂન્ય પાલનપુરી
  • કોઈ કામ હલકું અને કોઈ કામ સારું એવો ભેદભાવ મનમાં રાખવો એ જ શરમજનક છે. ............. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
  • પ્રસંગોપાત જીવનમાં હસી લઉં છું, રડી લઉં છું અને આ જીવવા જેવું જીવન જાતે ઘડી લઉં છું. ............... અજ્ઞાત
  • મોજાં મારી પ્રેરણા છે, કારણ કે તેઓ પાછાં પડે છે અને ઊઠે છે અને પાછાં પડવા છતાં તેઓ ફરી ઊઠવામાં નિષ્ફળ જતાં નથી. ..................... ડૉ. અબ્દુલ કલામ
  • ઉત્તમ સૌથી આબરૂ, સજ્જન કેરો સાથ, લજ્જા ગઇ જો લાખની, ફરી ન આવે હાથ. ................ અજ્ઞાત
  • જે તુજથી ના થઇ શકે, પ્રભુને એ જ ભરાવ, પાણિયારું નહીં પ્રભુ ભરે, ભરશે નદી તળાવ. ............. દલપતરામ
  • કયું કાર્ય કરવું અને કયું ન કરવું તે અંગે જે મનુષ્ય જ્ઞાનમાં, ધર્મમાં, વિદ્યામાં અને વયમાં વૄદ્ધ હોય તેને માન આપીને પૂછે તે કદી મૂંઝાતો નથી. ............ વિદુર નીતિ
  • સફળતા અને અસફળતાની સંભાવનઓનું મૂલ્યાંકન કરવામાં સમય ન બગાડો. માત્ર લક્ષ્ય નક્કી કરી કામ શરૂ કરી દો. ..... ગુઆન ચીન ત્ઝુ
  • મોટા માણસોની હાજરીમાં ઉતાવળિયાપણું, શરમાળપણું અને બેદરકારી એ ત્રણ દોષને દૂર રાખવા. ......... કન્ફુશિયસ
  • વિશ્વમાં બે પ્રકારના લોકો હોય છે; આપનારા અને લેનારા. લેનારા સારું ખાઈ શકે છે જ્યારે આપનારા સારું ઊંઘી શકે છે. ............. મધર ટેરેસા
  • કાજળ તજે ન શ્યામતા, મુક્તા તજે ન શ્વેત, દુર્જન તજે ન કુટિલતા, સજ્જન તજે ન હેત. .............. અજ્ઞાત
  • એક વાત હ્નદય પર કોતરી રાખજો કે આપણા જીવનના સુખ અને દુઃખ મનના કારણ હોય છે. .......... જે પી વાસવાણી
  • આપણે એવી રીતે ચાલવું જોઈએ કે સંસાર કોઇ વાર એવુ ન કહેવા પામે કે તારી પાસેથી છીનવી લઇશ, પણ આપણે જ કહી શકીએ કે હું ત્યાગ કરીશ. ............ રવીન્દ્રનાથા ઠાકુર
  • પ્રભુ આગળ કરેલ અરજ એનું નામ પ્રાર્થના. કશી ગરજના કારણે કરેલી માગણી નહીં પણ સહજભાવે ભગવાન સમક્ષ રજુ થાય તે પ્રાર્થના. .................. પુરુષોત્તમ ગણેશ માવલંકર
  • આપણા દરેકમાં દોષ હોય છે પણ દોષમુક્ત થવાનો પ્રયત્ન કરવો એ આપણું કર્તવ્ય છે. .............. મહાત્મા ગાંધી
  • પહેલો મૂર્ખ તે ઠેકે કૂવો, બીજો મૂર્ખ તે રમે જુઓ, ત્રીજો મૂર્ખ તે બહેન ઘર ભાઇ, ચોથો મૂર્ખ તે ઘર જમાઇ. ............... અજ્ઞાત
  • શ્રમનિષ્ઠાનું જીવનમાં અનિવાર્ય સ્થાન છે. શ્રમ નિષ્ઠા પૂર્વક જીવન જીવવાથી વ્યક્તિગત જીવન અને સમાજ જીવન સાર્થક બનશે, સર્વોદય સધાશે. ......... વિનોબા ભાવે
  • સ્વાર્થ વિનાની પ્રાર્થનામાં પણ બળ હોય છે જ - જો એ ખરા હ્નદયથી થતી હોય તો. ............. ગુલાબદાસ બ્રોકર
  • બુદ્ધિ તો આપણી સ્વાધીન છે, મનથી ઉપર ઊઠીને બુદ્ધિ જો આપણા હાથમાં આવી જાય તો મન આપણું કહ્યું કરશે. .......... સ્વામી રામદાસ
  • પ્રેમ જાગે ને એ શ્રદ્ધા બેસે ને એ ઇચ્છા થાય એ માટે ઉત્તમ સાધન તો પ્રાર્થના જ છે. .......... ફાધર વાલેસ
  • વિજ્ઞાન આપણને બાહ્ય વિશ્વના નિર્માણમાં મદદ કરે છે તો આધ્યાત્મિકતા નૈતિક જીવનના નિર્માણમાં મદદ કરે છે. ....... ડૉ. રાધાક્રિષ્નન
  • કામનો ભૌતિક હિસાબ કરવાને બદલે દરેક કામનું નૌતિક મૂલ્ય માનીને દરેક માણસને જીવન નિર્વાહ મેળવવાનો સમાન અધિકાર છ્હે. ......... વિનોબા ભાવે
  • પવિત્રતા વિનાની એકાગ્રતાનું કોઇ મૂલ્ય નથી હોતું. ......... સ્વામી શિવાનંદ
  • જો તમે ભૂલ રોકવા દરવાજા બંધ કરો તો સત્ય પણ બહાર જ રહી જશે. ........... રવીન્દ્રનાથ ઠાકુર
  • ઘૄણા કરવી એ શેતાનનું કામ છે. ક્ષમા મનુષ્યનો ધર્મ છે અને પ્રેમ કરવો એ દેવતાઓનો ગુણ છે. ....... ભર્તુહરિ
  • કૄત્રિમ પ્રેમ બહું દિવસો સુધી ટકી શકતો નથી, તો કુદરતી પ્રેમની નકલ કરી શકાતી નથી. ............. સ્વામી રામતીર્થ
  • જેઓ બીજામાં ડરનો સંચાર કરે છે તેઓ પોતે હંમેશાં ડરથી ગભરાતા હોય છે. ............. કલાડિયન
  • મારે શરણે આવેલા ભક્તનો ક્યારેય નાશ થતો નથી. ............. ભગવાન શ્રી કૄષ્ણ

Wednesday, November 18, 2009

શ્રીમદ્‌ભાગવત

દિવ્ય ભાસ્કર દૈનિકમાં પં. વિજયશંકર મહેતા દ્વારા ભાગવત વિશે પ્રકાશિત થયેલ ભાગ અહીં લેખક તેમજ દિવ્ય ભાસ્કર દૈનિકના સૌજન્ય સહ રજું કરવાનો મારો નમ્ર પ્રયાસ છે.





શ્રીમદ્‌ભાગવત

પંડિત વિજયશંકર મહેતા

  • ભાગ્ય હોય તો વાંચવા મળે ભાગવત


શ્રીમદ્‌ભાગવતનો ગ્રંથ વૈષ્ણવોનું પરમ ધન, પુરાણોનું તિલક, જ્ઞાનીઓનું ચિંતન, સંતોનું મનન, ભક્તોનું વંદન અને ભારતનો ધબકાર છે. આ મહાપુરાણમાં જ્યારે કોઇ પ્રવેશ કરે છે ત્યારે તેનું ભાગ્ય ચરમ ઉપર હોય છે.કોઈનું સૌભાગ્ય સર્વોચ્ચ શિખર પર હોય છે ત્યારે તેને શ્રીમદ્‍ભાગવત પુરાણને કહેવા, સાંભળવા અને વાંચવા મળે છે. આ ગ્રંથમાં એવી તાકાત છે, જેને સાંભળવા માત્રથી મતભેદ અને મનભેદ, બંને દૂર થાય છે. આ એવું સાહિત્ય છે, જેમાં ભગવાને જણાવ્યું છે કે હું કોણ છું અને તું કોણ છે. આ સાહિત્ય માટે કહેવાય છે કે સ્વાદુ-સ્વાદુ પદે-પદે. એટલે તેને આ રૂપમાં યાદ કરવામાં આવ્યા છે. ભાગવત મહાપુરાણ એ શાસ્ત્ર છે, જેમાં ગઈ કાલની સ્મૄતિ, આજનું વિશ્લેષણ અને ભવિષ્યની યોજના છે. તો એવા મહાપુરાણમાં, એવા મહાગ્રંથમાં આપણે આજથી પ્રવેશ કરી રહ્યા છીએ. આપણી ભીતર અંતર્મનમાં જે રહસ્યના કોયડાઓ છે, તેને ધીમે ધીમે ઉકેલી આપનાર આ મહાન ગ્રંથ જે રુપમાં લખાયો છે, તેમાં ભગવાને સ્વયં પ્રવેશ કર્યો છે. વર્ષોથી ભાગવત ગ્રંથ વંચાતો આવ્યો છે.

ભાગવતમાં પ્રવેશ કરતા પહેલાં એક નાનકડી કથા જોવા જેવી છે.

એક મહાત્મા પોતાની કુટિરમાં બેસી ધ્યાનમાં બેસતા ત્યારે એક બિલાડી તેમને હેરાન કરતી. મહાત્મા હિંસા નહોતા કરતા એટલે તેમણે બિલાડીને એક થાંભલા સાથે બાંધી દેવાનું શરૂ કર્યું. શિષ્યો અને લોકોએ જોયું કે મહાત્માજી ધ્યાન લગાવે છે ત્યારે બિલાડી થાંભલે બાંધેલી હોય છે. થોડા દિવસ પછી મહાત્માજીનું અવસાન થયું. લોકોએ ધારી લીધું કે સિધ્ધિ મહાત્મામાં નહીં પણ બિલાડીમાં હશે. અને લોકો હવે થાંભલે બાંધેલી બિલાડી અને થાંભલાને પૂજવા લાગ્યા. સમયાંતરે બિલાડી મરી ગઈ એટલે લોકોએ થાંભલાની પૂજા કરવાનું ચાલું રાખ્યું.

આ કથા મારી અને તમારી દાર્શનિક કથા છે. આ કથા કહે છે કે થાંભલાને પૂજવાનો અર્થ છે કે સુક્ષ્મને છોડી બાહ્ય સ્થૂળ વસ્તુ પર આવી અટકી જવું. ભીતરની સમૄધ્ધિ છોડી બહાર નીકળી આવવું. મૂળને છોડીને બાહ્ય પાંદડાં અને ડાળીઓ પર અટકી પડવું. ભાગવત સાથે પણ આવું જ થયું છે. આપણે તેને વાંચતાં વાંચતાં એ ભૂલી ગયા છીએ કે આ ગ્રંથ શા માટે લખાયો હતો. તેને માત્ર ઔપચારિકતા, પરંપરા અને મોક્ષનું સાધન માત્ર બનાવી દેવાયો છે. ભાગવત સ્વર્ગનું લાઇસન્સ આપતો ગ્રંથ નથી, એથી પણ વિશેષ છે. આ ખુદનો મૂળથી પરિચય કરાવતો ગ્રંથ છે.

  • ભાગવત ભગવાનનું જ સ્વરૂપ



ભગવાને ભાગવતની પંક્તિએ પંક્તિએ એવો રસ ભર્યો છે કે તેઓ પોતે લખે છે, પિબત ભગવતં રસામાલયં મુહુરવો રસિકા ભુવિ ભાવુકાઃ. આપણી અંદર જે રહસ્ય ભરેલું છે, તેને ઉજાગર કરવા માટે ભાગવત એક અધ્યાત્મ દીપ છે. જેમ આપણે ભોજન કરીએ છીએ અને આપણને સંતુષ્ટિ મળે છે, પુષ્ટિ મળે છે અને ભૂખ ભાગે છે, એ જ રીતે મનને સદ્‌વિચારો અને પ્રભું નામનું ભોજન ન મળતાં તે વિચલિત થઈ જાય છે. ભગવાન મનનું ભોજન છે. એ રૂપે આપણે તેને ગ્રહણ કરીશું. આવો, ભગવતમાં પ્રવેશ કરતી વખતે કેટલીક બાબતોની સ્પષ્ટતા કરી લઈએ. આપણે જે રૂપમાં આ સદ્‌સાહિત્યને વાંચતા જઈશું, તેના આપણા ત્રણ આધાર છે. સંતો અને મહાત્માઓનું કહેવું છે અને સંશોધન પરથી પણ ખ્યાલા આવ્યો છે, પહેલી વાત, ભગવાને પોતાનું સ્વરૂપ ભાગવતમાં રાખ્યું છે તો ભાગવત ભગવાનનું રૂપ છે. બીજી વાત, એમાં ગ્રંથોનો સાર છે અને ત્રીજી વાત, એ આપણા જીવનનો વ્ય્વહાર છે. પહેલી વાત ભાગવત ભગવાનનું સ્વરૂપ છે. ભાગવતના બાર સ્કંધમાં પહેલો અને બીજો અધ્યાય ભગવાનનાં ચરણ છે, ત્રીજો અને ચોથો સ્કંધ ભગવાનની જાંઘ છે. પાંચમો સ્કંધ ભગવાનની નાભિ છે. છઠ્ઠો સ્કંધ છાતી, સાત અને આઠ હાથ, નવમો કંઠ, દસમો મુખ, અગિયારમો લલાટ અને બારમો સ્કંધ માથું છે. કેટલાક વિદ્વાનો દસમાને બ્રહ્મરંધ, અગિયારમાને મન અને બારમા સ્કંધને આત્મા ગણતા હોય છે.

  • ભાગવત વાંચતાં ભગવાન મળે


ભગવાનનું વાડ‌ઃમય સ્વરૂપ ભાગવતના સ્કંધોમાં વહેંચાયેલું છે.ટૂંકમાં ભગવાન ભાગવતમાં વસેલા છે. એટલે ભાગવત વાંચતાં વાંચતાં ભગવાન મળી જાય છે. ભાગવતનો બીજો એક અર્થ છે કે - ભાગ મત, ભાગીશ નહીં. આ જીંદગીથી ભાગીશ નહીં. આપણી આ જીંદગીમાં એવા કેટલાય સંજોગો અવે છે જ્યારે માણસ બહાર અથવા તો અંદર ભાગવા માંડે છે. ભાગવત કહે છે કે, ભાગીશ નહીં, ઊભો રહે, જો અને પછી ચાલ. ભાગવતનો બીજો એક અર્થ તેના અક્ષરોમાં સમાયેલો છે. ભાગવતના ચાર અક્ષર છે, ભ, ગ, વ, ત. તમે ભાગવતમાંથી પસાર થશો ત્યારે તમને અનુભવાશે, તેમાં લખ્યું છે, "ભ" થી ભક્તિ, "ગ" થી જ્ઞાન, "વ" થી વૈરાગ્ય અને "ત" થી ત્યાગ. બીજી વાત, ભાગવતનો એક અર્થ ગ્રંથોનોસાર છે. આપણે ત્યાં મુખ્ય ચાર ગ્રંથ છે અને ચારેય ગ્રંથો ભાગવતમાં આવી જાય છે. વેદવ્યાસજીની આ સુંદર રચના છે. આપણે છીએ કે મહાભારત આપણો એવો ગ્રંથ છે, જે રહેતાં શિખવે છે. ગીતા નામનો ગ્રંથ કર્મ કરતાં શીખવે છે. રામાયણ એવો ગ્રંથ છે જે જીવતાં શીખવે છે અને ભાગવત એવો ગ્રંથ છે જે મરતાં શીખવે છે અને આ ચારેય ગ્રંથ પોતાના દર્શન અને સંદેશ સાથે શ્રીમદ્‌ભાગવતમાં સમાયેલા છે. મહાભારત આપણને રહેતાં શીખવે છે, એનો અર્થ એવો છે કે તે "આર્ટ ઑફ લિવિંગ" શીખવે છે. કઈ રીતે રહેવું , જીવનની પરંપરા કઈ છે, કંઈ આચારસંહિતા છે, કયા સિદ્ધાંતો છે, સંબંધો કઈ રીતે ચાલે છે, આ બધું આપણને મહાભારત શીખવે છે.

  • ભાગવત વાંચતાં ભગવાન મળે


ભારતીય સંસ્કૄતિના ચાર મુખ્યો ગ્રંથો ભાગવતમાં આવી જાય છે. ચાર ગ્રંથોમાંનું એક મહાભારત આપણને કઈ રીતે રહેવું તે શીખવે છે. મહાભારત આપણને એ પણ શીખવે છે કે જિંદગીમાં કેવી ભૂલ થાય છે અને તેનાથી કઈ રીતે કુરુક્ષેત્ર બની જાય છે. જિંદગીનું બીજું સાહિત્ય છે, ગીતા. ગીતા મહાભારતનો એક નાનકડો ભાગ છે. જે દિવસે ૧૮ દિવસનું યુધ્ધ થવાનું હતું, એ જ દિવસે અર્જુન પાણીમાં બેસી ગયો અને ત્યારે શ્રીકૄષ્ણે અર્જુનનને તેના કર્તવ્ય તરફ પ્રેરિત કરવા માટે ગીતાનો સંદેશ આપ્યો હતો. એ સંદેશ શ્રીમદ્‌ભાગવત ગીતાના નામે છે. ગીતા આપણને કર્મ કરવાનું એટલે કે આર્ટ ઑફ ડુંઈગ શીખવે છે. ભાગવત મહાપુરાણના બીજાથી આઠમા સ્કંધ સુધી આપણે ગીતા અનુસાર કઈ રીતે કર્મ કરવાનું છે, તે શીખીશું. રામાયણ આપણને જીવતાં શીખવે છે. ભગવતના નવમા સ્કંધમાં શ્રીરામ કથા આવે છે. રહેવા અને જીવવા વચ્ચે ઘણો મોટો ફરક છે. રહે તો પશુ પણ છે, પરંતુ તે જીવી નથી શકતાં. આ સંભાવના ભગવાને માત્ર મનુષ્યને આપી છે કે તું રહી પણ શકે છે અને ધારે તો જીવી પણ શકે છે. તેનું અંતિમ ચરણ છે ભાગવત, જે કહે છે કે કઈ રીતે મરવું? આ ગ્રંથનો મૂળ વિચાર છે, આર્ટ ઑફ ડાઈંગ. મરવું પણ એક કળા છે. જીવતા તો આખી દુનિયા શીખવે છે. મરતાં મરતાં માણસ એટલો થાકી જાય છે કે તે ભૂલી જાય છે કે મરવું પણ એક કળા છે. ભાગવતના દસમા અને અગિયારમા સ્કંધમાં ભગવાનની લીલા આવે છે. આ ચાર ગ્રંથ આ ભાગવતમાં સમાયેલા છે.

  • ભાગવતમાં દામ્પત્યનાં સાત સૂત્રો


આપણે બધા ગૄહસ્થ લોકો છીએ, દામ્પત્યમાં રહીએ છીએ. ભાગવત કહે છે કે હું દામ્પત્યમાં આસાનીથી પ્રવેશ કરી લઉં છું.

આપણા દામ્પત્યનાં સાત સૂત્રો છે.

૧ સંયમ

૨ સંતુષ્ટિ

૩ સંતાન

૪ સંવેદનશીલતા

૫ સંકલ્પ

૬ સક્ષમ થવું

૭ સમર્પણ

આ સાત સૂત્રો વિના દામ્પત્ય પુરું થઈ શકે નહીં.

આ સાત સૂત્રોની મદદથી જ આપણે ભાગવતને યાદ કરીશું. આપણે જ્યારે મહાત્મ્ય, પ્રથમ સ્કંધ, બીજો સ્કંધ, ત્રીજા સ્કંધમા ૨૨ મા અધ્યાય સુધીની ચર્ચામાં દામ્પત્યના પહેલા સૂત્ર "સંયમ"ની વાત કરીશું.

ફરી એક વાર સ્મરણ કરી લઈએ કે મહાભારત રહેતાં, ગીતા કર્મ કરતાં, રામાયણ જીવતાં અને ભાગવત મરતાં શીખવે છે.
આપણે ત્યાં પરંપરા છે કે કોઈ ગ્રંથની ચર્ચા થાય, તેનું અનુષ્ઠાન થાય ત્યારે શરૂઆત ગ્રંથના મહાત્મ્યથી થાય છે. મહાત્મ્યનો અર્થ થાય, ગ્રંથમાં શું મહાન છે?, ગ્રંથનો શું સંદેશ છે? વ્યાસજીએ બ્રહ્માજીએ લખેલા ચાર વેદોનું સંપાદન કર્યું. પછી અઢાર મહાપુરાણ લખ્યા, જેમાં અઢારમું મહાપુરાણ ભાગવત છે. ત્યાર બાદ મહાભારત લખાયું, જેને પંચમ વેદ કહેવાંમાં આવે છે. કહેવાય છે કે મહાભારતમાં નથી તે સંસારમાં ક્યાંય નથી. મહાભારત લખ્યા પછી વ્યાસજી બેચેન બની ગયા, તેમનામાં નિરાશા વ્યાપી ગઈ.

  • ભગવાનને જ કેન્દ્રમાં રાખો


મહાન ગ્રંથ મહાભારતનું સર્જન કર્યા પછી એક દિવસ વ્યાસજીની અંદર એક ઉદાસી છવાઈ ગઈ. વ્યાસજી બેચેન બેઠા હતા

ત્યારે નારદજી આવી પહોંચ્યા. તેમણે પૂછ્યું, વ્યાસજી, આટલું મોટું સર્જન કર્યા પછી, આટલી મહાન કૃતિ રચ્યા

પછી તમારા ચહેરા પર ઉદાસી કેમ છવાયેલી છે? તમે નિરાશ કેમ છૉ? સર્જન પછી તો વ્યક્તિ આનંદિત હોવો જોઈએ.

શું તમે થાકી ગયા છો?
વ્યાસજી એ જવાબ આપ્યો, મારો પણ આ જ પ્રશ્ન તમને છે. મેં મહાભારત જેવો મહાન ગ્રંથ લખ્યો, છતાંય હું થાકેલો કેમ છું? ઉદાસ અને બેચેન કેમ છું? નિરાશામાં કેમ ડૂબી ગયો છું? નારદજીએ ખૂબ સુંદર જવાબ આપ્યો. અને એ આપણને પણ કામ લાગે તેવો છે. નારદજીએ કહ્યું, વ્યાસજી આ તો થવાનું હતું જ. કારણ કે તમે જે કૃતિ લખી છે, તેના નાયક પાંડવ છે અને ખલ નાયક કૌરવ છે. તમે જે સર્જન કર્યું તેના કેન્દ્રમાં મનુષ્ય છે, વિવાદ છે, તેનાં ષડ્‌યંત્રો છે, રાજકારણ, યુધ્ધ, કલહ છે. તમે કોઈ એવું સાહિત્ય રચો જેના કેન્દ્રમાં ભગવાન હોય. અને આવી રચના પછી જ તમને શાંતિ મળશે. આપણા માટે અહીં સમજવાની વાત એ છે કે, જીંદગીની જે પ્રવૄતિમાં ભગવાન નહીં હોય તેવી પ્રવૄતિ આપણને અશાંતિ જ આપશે. અને આ નિશ્ચિત જ છે. હંમેશાં યાદ રાખો કે પરિઘ ઉપર ગમે તેટલો ઉપદ્રવ હોય, કેન્દ્રમાં તો ભગવાનને જ રાખો. કેન્દ્રમાં જો સંસાર રાખશો તો કષ્ટ ભોગવવું જ પડશે. ભાગવત કહે છે કે ભગવાનને કેન્દ્રમાં રાખીને જ ચાલો.

  • ભાગવત સાંભળવાથી મળે શાંતિ


નારદજીએ વ્યાસજીને સમજાવ્યુંકે તમે એવા ગ્રંથનું સર્જન કરો, જેના કેન્દ્રમાં ભગવાન હોય. પછી વ્યાસજીએ ભાગવતની રચના કરી., જેના નાયક ખુદ ભગવાન શ્રી કૄષ્ણ છે. આ ગ્રંથ લખ્યા પછી વ્યાસજીને શાંતિ મળી. આમ, ભાગવતનો પાઠ અને અનુષ્ઠાન કરવામાં આવે છે ત્યારે તેને સાંભળવાથી મનુષ્યને શાંતિ મળે છે, જે વેદવ્યાસજીને મળી હતી. વ્યાસજીએ તો મહાભારત પણ લખ્યું હતું અને એ જ મહાભારતની ચર્ચા શરૂ થઈ ગઈ. લોકો કહેવા લાગ્યા મહાભારત ન વાંચવું જોઈએ, ઝઘડા શરુ થઈ જાય છે. આપણા ત્યાં વર્ષોથી એવી પરંપરા છે કે લોકો મહાભારતને ઘરમાં નથી રાખતા. આજે પણ ઘરમાં ઘણા બધા પુસ્તકો રાખવામાં આવે છે પણ મહાભારત રાખવામાં આવતું નથી. આપણે મહાભારત કરીએ છીએ પણ ઘરમાં રાખતા નથી. લોકો ઘરમાં રામાયણ રાખે છે પણ રામાયણ જેવું આચરણ કરતા નથી. ભાગવત વ્યાસજીની સુંદર કૄતિ છે. ભાગવત મહાત્મ્યનો શ્લોક છે. "સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્ત્યાદિહેતવે, તાપત્રવિનાશાય શ્રીકૄષ્ણાય વયં નમઃ". જે જગતની ઉત્પત્તિ અને વિનાશ માટે છે તથા જે ત્રણેય પ્રકારના તાપના નાશકર્તા છે, એવ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન કૄષ્ણને અમે બધા વંદન કરીએ છીએ. સત એટલે સત્ય, પરમાત્મા પ્રાપ્તિનો માર્ગ છે. ચિત એ છે જે સ્વયં પ્રકાશ છે. આનંદ એટલે આત્મબોધ. શ્રીમદ્‌ભાગવતની શરૂઆતમાં જ શ્રીકૄષ્ણને વંદન છે.

  • આનંદ આપણી ભીતર રહેલો છે


શાસ્ત્રોમાં પરમાત્માનાં ત્રણ સ્વરૂપ ગણાવાયાં છે, સત, ચિત્ત અને આનંદ. સત પ્રગટપણે સર્વત્ર વ્યાપેલ છે. જડ વસ્તુઓમાં પણ સત અને ચિત્ત છે, પરંતુ આનંદ નથી. જીવમાં સત અને ચિત્ત પ્રગટે છે પણ આનંદ અપ્રગટ રહી જાય છે. અર્થાત્‌ અપ્રગટરૂપે વિરાજમાન તો છે જ. આમ આનંદ આપણામાં છે, છતાં પણ મનુષ્ય આનંદને બહાર શોધે છે. આનંદને જીંદગીમાં કઈ રીતે પ્રગટ કરીએ, એ જ ભાગવત આપણને શીખવે છે. તૈતરીય ઉપનિષદમાં આનંદના અનેક પ્રકાર વર્ણવાયા છે, પરંતુ તેમાંથી બે મુખ્ય છે, સાધનજન્ય આનંદ અને સ્વયંસિદ્ધ આનંદ. સાધનજન્ય આનંદ એટલે કે વિષયજન્ય આનંદ એવો છે કે સાધન કે વિષયનો નાશ થતાં આનંદ પણ નાશ પામે છે. યોગીઓ પાસે કોઈ સાધન કે વિષય નથી હોતો, છતાં તેઓ આનંદમાં રહે છે. તેના ઉપરથી સિદ્ધ થાય છે કે આનંદ આપણી ભીતર છે. જીવે જો આનંદીત રહેવું હોય તો સચ્ચિદાનંદનો આશ્રય લેવો પડશે. શાસ્ત્રો કહે છે કે, બધું છોડી દો, ભાગવત કહે છે કે મારા માટે કશું ન છોડો. શાસ્ત્રો કહે છે, કામ છોડો, ક્રોધ છોડો, પરંતુ મનુષ્ય આ બધું છોડી શકતો નથી. સંસારમાં ફસાયેલો જીવ ઉપનિષદોનું જ્ઞાન પચાવી નથી શકતો. ભોગી જો યોગી બની જાય તો રોગી બની જશે. તો પછી કામ, ક્રોધ, મોહ કઈ રીતે છોડવા? આમા માટે જ વ્યાસજીએ ભાગવતની રચના કરી છે.

  • સત ભગવાનનું પહેલું સ્વરૂપ છે


ભાગવતનો પહેલો શ્લોક તેના મહાત્મ્યના આરંભ લખાયેલો "સચ્ચિદાનંદાયરુપાય વિશ્વોત્પત્યાય હેતવે આપત્રે વિનાશાય શ્રી કૄષ્ણાય વયં નમોઃ" છે.પ્રથમ શ્લોકનો પ્રથમ શબ્દ છે, સચ્ચિદાનંદાયરુપાય. ભાગવત શરુ જ થાય છે અને જાહેર કરે છે સત, ચિત્ત અને આનંદ. આ ત્રણેય ભગવાનનાં સ્વરુપ છે. ભગવાન સુધી પહોંચવાના ત્રણ માર્ગ છે, સત, ચિત્ત અને આનંદ. આ ત્રણેય રસ્તેથી તમે ભગવાન સુધી પહોંચી શકો છો. આપણને ભગવાનનું ખરું સ્વરુપ જોવાની ઈચ્છા થાય તો ભગવાન કોઈ ચતુર્ભુજ રૂપમાં પ્રગટ નહીં થાય. ભગવાનનું પહેલું રૂપ છે સત્ય. જે દિવસે આપણી જિંદગીમાં સત્ય આવવા લાગશે, સત્યમાં વધારો થવા લાગશે , ત્યારે સમજજો કે ભગવાન આપણી નજદીક છે.સત ભગવાનનું પહેલું સ્વરુપ છે. ચિત્તની વાત કરીએ તો ચિત્ત એટલે આપણી અંદરનો પ્રકાશ. આત્મપ્રબોધને પ્રાપ્ત કરો પછી આનંદ જુઓ. સત અને ચિત્ત તો બધામાં હોય છે, પરંતુ આપણામાં જે છે અને આપણે એને પ્રગટ કરવાનો છે, તે આનંદ છે. આનંદ આપણો મૂળભૂત સ્વભાવ છે. છતાંય તેને માટે પ્રયાસ કરવો પડે છે. સત, ચિત્ત અને આનંદના માધ્યમથી ભાગવતમાં પ્રવેશ કરાય. ભાગવત કહે છે કે મને પ્રાપ્ત કરવા માટે આપણે કશું ત્યાગવાની જરુર નથી. આ ભાગવતની મૌલિક જાહેરાત છે, અને એટલે જ આ ગ્રંથ મહાન છે. ભાગવત કહે છે કે, મારા માટે તું કશું છોડીશ નહીં, સંસાર છોડવાની જરુર નથી.


  • ભાગશો નહીં, ભક્તિ કરો


ભાગવત કહે છે કે, તમારે કશું છોડવાની જરૂર નથી, સંસાર ત્યાગવાની જરૂર નથી. ભાગવત કહે છે કે ઘરબાર છોડવાથી, પહાડ ઉપર જવાથી, તીર્થ સ્થાનો ઉપર જવાથી, એકાન્તમાં ચાલ્યા જવાથી કશું થવાનું નથી. પ્રવૃત્તિ જો ભીતર હશે તો ભીતર રહો કે જંગલમાં રહો એક સરખું જ પરિણામ મળશે. ભાગવત કહે છે કે યોગીઓને જે આનંદ સમાધિમાં મળે છે તે જ આનંદ ગૄહસ્થોને ઘરમાં બેસીને ભાગવતમાંથી મળે છે. ભાગવત કહે છે કે, તમારાથી છૂટતું ન હોય તો કોઈ મોટું ભારે કામ કરવાની જરુર નથી. ઘરમાં રહો, સંસારમાં રહો એ કોઈ ખોટું નથી. આપણે સંસારમાં રહીએ તેનો વાંધો નથી પણ જ્યારે સંસાર આપણામાં ઘૂસી જાય છે તેનો વાંધો છે.સંસારમાં રહેવાનું અને આપણાં સંસાર રહે તેનો ફેર ભાગવત સમજાવે છે. સ્વર્ગમાં રહેવું કે નર્કમાં રહેવું તે આપણા જ હાથની વાત છે. ભાગવત શાસ્ત્રનું સર્જન કલીયુગના જીવોના ઉદ્ધાર માટે જ કરવામાં આવ્યું છે. ભાગવત આપણને ઘરમાં રહીને ભગવાનને પ્રસન્ન કરવાના તેમજ ભગવાનને પ્રાપ્ત કરવાના રસ્તા બતાવે છે. આ માટે આપણો દરેક વ્યવહાર ગોપીઓની જેમ ભક્તિમય બની જવો જોઈએ, ભાગશો નહીં પણ ભક્તિ કરો.

  • ભાગવત ચીંધે નિષ્કામ ભક્તિ


ભાગવતમાં કહેવયું છે કે, ઘરમાં રહો, તમારા સ્વભાવમાં રહો અને સંસારમાં રહો, અને પછી પરમાત્માને પ્રાપ્ત કરો. ભાગવતનો મુખ્ય વિષય નિષ્કામ ભક્તિ છે. નિશ્કામ ભક્તિ એટલે તમે કાર્ય કરી રહ્યા છો છતાં પણ તમે નથી કરતા. કર્મ થઈ રહ્યું છે પણ તમે તેના કર્તા નથી એ જ નિષ્કામ ભક્તિ છે. નિષ્કામતા ત્યારે જ ઘટે છે જ્યારે તમારામાંથી "હું" ચાલ્યું જાય છે, કાર્યમાંથી કર્તા બોધ હટી જાય છે.

  • શ્રી કૄષ્ણ પાપ - તાપનો નશ કરે છે.


માણસ જ્યારે સંન્યાસ લે છે ત્યારે બધું જ છૂટી જાય છે. જેમ આપણી દીકરીને કન્યાદાનના સમયે તેના ઉપરનો આપણો સર્વ અધિકાર છોડી દઈએ છીએ તેમ કર્મ કરતી વખતે પણ આવો જ ભાવ જાગશે ત્યારે જ નિષ્કામતામો જન્મ થશે. ભાગવતના પ્રથમ શ્લોકમાં શ્રી કૃષ્ણ ત્રણ પ્રકારના તાપનો વિનાશ કરનાર છે એવું કહેવાયું છે. તાપત્રય એટલે આધ્યાત્મિક, આદિદૈવિક અને આદિભૌતિક એવાં ત્રણ પ્રકારનાં દુઃખ. ભાગવતમાં પાપત્રેય વિનાશાય નથી લખ્યું પણ તાપત્રેય વિનાશાય લખ્યું છે. જો માણસ પશ્વાતાપ કરે તો આવેલું પાપ પણ નાશ પામે છે. પાપનું પરિણામ તાપ છે. પાપ પાછળ તાપ છોડીને જાય છે. ભાગવતના પ્રથમ શ્લોકમાં લખ્યું છે કે આધ્યાત્મિક, આદિદૈવિક અને આદિભૌતિક એવા ત્રણ પ્રકારનાં પાપોને નાશ કરનાર ભગવાન શ્રી કૄષ્ણની અમે વંદના કરીએ છીએ. શરીરથી, મનથી, પ્રેમથી વંદના કરવાથી પાપ સળગી જાય છે, નાશ પામે છે.


  • કૄષ્ણ ગીત છે તો રાધા સંગીત છે
ઈશ્વર વંદનીય છે. વંદનાનો અર્થ છે, આપણી ક્રિયાશક્તિ અને બુદ્ધિશક્તિને શ્રી ભગવાનને અર્પણ કરવી. વંદના કરવાથી અભિમાનનો બોજ ઓછો થાય છે. શ્રીમદ્‌ભાગવતનો અર્થ જ વંદના સાથે થયો છે અને વંદના સાથે જ એ સમાપ્ત થાય છે. સંત મહાત્મા કહે છે કે જ્યાં "શ્રીકૄષ્ણ" લખાય છે, તેમાં "શ્રી" રાધાજીનું પ્રતીક છે. રાધાજીનું બીજું નામ શ્રી છે. આખા ભાગવતમાં રાધાજીની ચર્ચા કે નામ નથી. નાયક કૄષ્ણ છે, પણ રાધાજી ગાયબ છે. વિદ્વાન અને પંડિતો કહે છે કે જે સમાધિ ભાષામાં ભાગવત લખવામાં આવી અને રાધાજીનો પ્રવેશ થયો ત્યારે વ્યાસજી એટલા ડૂબી ગયા કે રાધા ચરિત્ર લખી ન શક્યા. પહેલા શ્લોકમાં જે વંદના કરવામાં આવી છે, તેમાં "શ્રીકૄષ્ણાય" માં "શ્રી" નો અર્થ છે કે રાધાને પણ વંદન કરવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે શ્રીકૄષ્ણે રાધાજીને પૂછ્યું કે આ સાહિત્યમાં તમારી શું ભૂમિકા રહેશે ત્યારે રાધાજીએ કહેલું કે, " મારે કોઈ ભૂમિકા નથી જોઈતી, હું તો તમારી પાછળ છું." એટલે જ કહેવાયું છે કે કૄષ્ણ દેહ છે તો રાધા આત્મા છે, કૄષ્ણ શબ્દ છે તો રાધા અર્થ છે, કૄષ્ણ ગીત છે તો રાધા સંગીત છે, કૄષ્ણ વાંસળી છે તો રાધા સ્વર છે, કૄષ્ણ સમુદ્ર છે તો રાધા તરંગ છે, કૄષ્ણ ફૂલ છે તો રાધા સુગંધ છે. આમ ભાગવતમાં રાધાજી અદ્ર્શ્ય છે છતાં વ્યાપ્ત છે.
  • ભગવાનનો કરંટ જ રાધાજી છે
શ્રીમદ્‌ભાગવતમાં રાધાજી અદ્રશ્ય રહ્યાં છે. રાધાજી ક્યાંય દેખાતાં નથી, એટલે રાધાજીને આ રીતે નમન કરવામાં આવ્યું છે. "રાધા" ને ઉલટું બોલવાથી "ધારા" થાય છે, જેને અંગ્રેજીમાં કરંટ કહે છે. ભાગવતનો કરંટ જ રાધા છે.જે દિવસે તમે આંખ બંધ કરીને તમારા ચિત્તને શાંત કરી દો એ સ્થિતિનું નામ રાધા છે. રાધાના નામમાં એવી શક્તિ છે કે તેના નામનું રટણ આપણને શાંતિ આપે છે. ભગવાને તેમની તમામ સંચારી શક્તિ રાધા ના નામમાં નાખી દીધી છે. એટલે ભાગવતમાં રાધા શબ્દ હોય કે ન હોય રાધાજી અવશ્ય બિરાજેલાં છે. નારદજીના કહેવાથી વ્યાસજીએ ભાગવતની રચના કરી, પણ પછી પ્રશ્ન એ આવ્યો કે લોકો સુધી ભાગવતને પહોંચાડવા માટે તેને લખશે કોણ ! નારદજીએ સલાહ આપીકે લખવાનું કામ ગણેશજીને સોંપો. ગણેશજીએ લખવાની તૈયારી બતાવી પણ તેના માટે તેમણે એક શરત મુકી.
  • નિરંતર ઉદ્યોગ રિદ્ધિ-સિદ્ધિ અપાવે

ગણેશજીને જ્યારે વેદવ્યાસજીએ શ્રીમદ્‌ભાગવતના લહિયા બનવાની વિનંતી કરી ત્યારે ગણેશજીએ એક શરત મુકી કે તમે જ્યારથી બોલવાનું શરૂ કરો ત્યારથી વચ્ચે ક્યાંય અટકવાનું નહિ. અઢાર હજાર શ્લોક વગર અટક્યે કઈ રીતે બોલી શકાય? તોય વ્યાસજીએ કહ્યું કે, "મને તમારી શરત મંજુર છે". બીજી તરફ વ્યાસજીએ પણ શરત મુકી કે "હું તો વગર અટક્યે બોલીશ, પરંતુ તમારે વગર સમજ્યે એક પણ પંક્તિ લખવાની નહીં. ગણેશજીએ આ શરત સ્વીકારી અને લેખન કાર્ય શરૂ થયું. દરેક સો શ્લોકે વ્યાસજી એવો એકાદ કૂટ ગંભીર શ્લોક બોલે કે ગણેશજી તેનો અર્થ વિચારતા થઈ જાય. અને આ સમય દરમ્યાન વ્યાસજી બીજાં કાર્યો કરી બીજો આગળનો શ્લોક બોલતા. આમ લખનાર ગણેશજી અને લખાવનાર વ્યાસજી મહાન હતા ! આમ કરતાં કરતાં અઢાર હજાર શ્લોકનું સાહિત્ય- ભાગવત લખી નાખ્યું.

ગણપતિજીનું વાહન ઉંદર છે અને તેનો અર્થ ઉદ્યોગ થાય છે. તેથી જે ઉદ્યોગ પર બેસશે તેના માટે સિદ્ધિ તેની દાસી બની જાય છે. સતત નિરંતર ઉદ્યોગ કરતા રહેશો તો રિદ્ધિ-સિદ્ધિ દાસી બનીને રહેશે. એક ક્ષણ પણ પરમાત્માનું ચિંતન કર્યા વિનાની ન જવી જોઈએ. દરેક કાર્યનો શુભારંભ ગણેશજીની પૂજાથી કરવામાં આવે છે. ગણપતિજી વિઘ્નહર્તા છે અને તેમની પૂજાનો અર્થ છે જિતેન્દ્રીય બનવું.
  • શુકદેવજી શિવનો જ અવતાર હતા
આપણે ત્યાં ભાગવત કથા સાત દિવસ ચાલે છે, પરંતુ સુતજી અને શૌનકજીની ભાગવત કથા એક હજાર દિવસ ચાલી હતી. વિઘ્ન ન આવે એટલે વ્યાસજી સૌ પ્રથમ "શ્રીગણેશાય નમઃ" કહીને ગણપતિ મહારાજની વંદના કરે છે. ત્યાર પછી સરસ્વતીજીની વંદના કરે છે. સરસ્વતીની કૄપાથી મનુષ્યમાં સમજ અને વિચારવાની શક્તિ આવે છે, પછી સદગુરૂની વંદના કરવામાં આવી છે. પછી ભાગવતના મુખ્ય દેવ શ્રી કૄષ્ણની વંદના થઈ છે. પછી વ્યાસજીના મનમાં પ્રશ્ન ઊઠ્યો કે, "મેં આ ગ્રંથની રચના તો કરી પણ હવે આ ગ્રંથનો પ્રચાર કોણ કરશે?" વ્યાસજીએ વૄદ્ધાવસ્થામાં આ ગ્રંથનું સર્જન કર્યું, એટલે તેમની સામે સમસ્યા આવી કે પ્રચાર કોણ કરશે, કારણ કે તેઓ પોતે તો પ્રચાર કરી શકે તેવી સ્થિતિમાં ન હતા. તેમણે વિચાર્યું કે, "મેં ભાગવતનું સર્જન માનવ સમાજના કલ્યાણ માટે કર્યું છે. શ્રીભાગવતનું સર્જન કરીને મેં લેખની મુકી દીધી છે. બહું લખી લીધું, બહું બોલી લીધું. હવે આ કોને સોંપું જેથી જગતનું કલ્યાણ થાય. કોઈ યોગ્ય માનવીને આનું જ્ઞાન આપવું જોઈશે. આ વિચાર કરતાં કરતાં વ્યાસજીને વૄદ્ધાવસ્થામાં પણ પુત્રેષ્ણા જાગી. તેમણે આહ્‌વાન કર્યું કે ભગવાન શંકર વૈરાગના રૂપમાં મારે ત્યાં પુત્ર બનીને આવે. ભાગવતનો પ્રચાર તો શિવજી જ કરી શકે, કારણ કે તેમનામાં પૂર્ણ વૈરાગ્ય છે. શિવજી ભગવાન પ્રસન્ન થયા. વ્યાસજીએ કહ્યું, "સમાધિમાં જે આનંદ પ્રાપ્ત થાય છે, એ જ આનંદ જગતને આપવા માટે તમે મારા ઘેર પુત્રના રૂપમાં પધારો." શુકદેવજી ભગવાન શિવજીનો જ અવતાર હતા.
  • વ્યાસજી જ્યારે દીકરા પાછળ દોડ્યા

વાલ્મીકિ રામાયણ પછી શ્રીરામચરિત માનસ લખાયું. રામ કથાના વક્તા પણ શંકરજી હતા. મહાભારત પછી ભાગવત રચાઈ. વ્યાસજીના દીકરા શુકદેવજી ૧૬ વર્ષ સુધી માતાના ગર્ભમાં રહ્યા અને ત્યાં જ તેમણે પરમાત્માનું ધ્યાન ધર્યું. વ્યાસજીએ પૂછ્યું, "તું બહાર કેમ નથી આવતો?". શુકદેવજીએ જવાબ આપ્યો, "હું સંસારના ભયના કારણે બહાર નથી આવતો. મને માયાનો ડર લાગેછે." આથી શ્રી કૄષ્ણે તેમને આશ્વાસન આપ્યું કે મારી માયા તને નહીં લાગી શકે. ત્યારે શુકદેવજી ગર્ભમાંથી બહાર આવ્યા. જન્મ થતાં જ શુકદેવજી જંગલ તરફ જવા લાગ્યા. માતાએ પ્રાર્થના કરી કે મારો દીકરો નિર્વિકાર બ્રહ્મ રૂપ છે, પરંતુ તે મારાથી દૂર ન જાય, એટલે તેને રોકો. વ્યાસજીએ દીકરાને સમજાવ્યો. પછી પત્નીને કહ્યું કે જે આપણને અતિ પ્રિય લાગતું હોય, એ ઈશ્વરને અર્પણ કરવું જોઈએ. એ તો જગતનું કલ્યાણ કરવા જઈ રહ્યો છે. પરંતુ વ્યાસજી પણ વ્યથીત થઈ ગયા હતા. તેઓ જ્ઞાની હતા, છતાં જઈ રહેલા દીકરા પાછળ દોડ્યા અને કહેવા લાગ્યા કે, "દીકરા પાછો આવી જા, તને લગ્ન વગેરેનું દબાણ નહીં કરવામાં આવે, પરંતુ અમને છોડીને ન જા." શુકદેવજી વૄક્ષો દ્વારા ઉત્તર આપે છે, મુનીરાજ તમને દીકરાના વિયોગથી પીડા થઈ રહી છે, પરંતુ અમને તો જે પથ્થરો મારે છે તેને પણ અમે ફળ આપીએ છીએ. વૃક્ષોનાં પુત્રો તેનાં ફળ છે. તમે તમારા જગતના કલ્યાણ માટ મને જવા દો.


  • વાસના જ પુનર્જન્મનું કારણ બને છે

બીજી બાજું વ્યાસજી એટલા દુઃખી હતા કે તેઓ કંઈ પણ સાંભળવા માગતા જ ન હતા. તેથી શુકદેવજીએ કહ્યું કે, આ જીવ તો અનેક વાર પુત્ર બન્યો છે અને અનેક વાર પિતા બન્યો છે. વાસના જ પુનર્જન્મનું કારણ બને છે. પિતાજી મા ના અને આપના અનેક જન્મ થયા છે. આ તો સારું કે પૂર્વ જન્મ યાદ નથી રહેતા. તમે નથી મારા પિતા કે નથી હું તમારો પુત્ર, આપના અને મારા સાચા પિતા તો શ્રી નારાયણ છે. જીવનો સાચો સંબંધ તો પરમાત્મા સાથે જ છે. મારી પાછળ ન પડો પણ ભગવાન પાછળ પડો. તમે તમારું જીવન પરમાત્મા માટે સમર્પિત કરો. મને જે આનંદ મળ્યો છે તે હું સંસારને આપવા જઈ રહ્યો છું. આટલું કહી શુકદેવજી નર્મદા તટે આવી પહોંચ્યા. તેમણે કહ્યું, "હું નર્મદાના તટે બેસું છું અને સામેના તટે તમે બિરાજો. પિતાજી, હવે તમે મારું ધ્યાન ન કરો, ધ્યાન તો પરમાત્માનું જ કરો."

શુકદેવજીને પ્રણામ કરી આ કથાનો શુભારંભ કરવામાં આવ્યો.

એક વાર નૈમિશારણ્યમાં શૌનકજીએ સૂતજીને કહ્યુંકે, "આજ સુધીમાં કથાઓ તો અનેક સાંભળી છે, હવે કથાનો સાર તત્વ સાંભળવાની ઈચ્છ છે. એવી કથા સંભળાવો કે મારી ભગવાન કૄષ્ણમાં ભક્તિ દ્રઢ થઈ જાય." અનેક ઋષિમુનિઓ ત્યાં ગંગા તટે બેઠા હતા. પરંતુ કથા કહેવા તૈયાર ન થયા. ત્યારે ભગવાને શુકદેવજીને પ્રેરણા આપી કે તમે ત્યાં જાવ. પૂર્વ જન્મોનાં પૂણ્ય કર્મોનો ઉદય થાય છે અને આ પવિત્ર કથાને વાંચવા - સાંભળવાનો યોગ બને છે. કલિયુગમાં પ્રાણીઓને કાલ રૂપી સર્પથી છુટકારો અપાવવા માટે શુકદેવજીએ આ ભાગવત કથા કહી હતી.


  • ભાગવત વાંચનાર નિર્ભય થઇ જાય છે

જ્યારે પરીક્ષિતને શુકદેવજી કથા સંભળાવી રહ્યા હતા ત્યારે ભાગવતના શ્લોકને સાંભળી સ્વર્ગથી દેવતાઓ નીચે ઊતરી આવ્યા. દેવતાઓએ શુકદેવજીને કહ્યું કે, "આ શ્લોક ભૂતલની સંપત્તિ ન બની શકે. આટલા દિવ્ય શ્લોક અને તે પણ ભૂલોકમાં બોલવામાં આવે, આ તો દેવતાઓની સંપત્તિ છે. તેને સ્વર્ગમાં જવું જોઈએ. તેથી તમે આ શ્લોક અમને આપી દો." શુકદેવજી બોલ્યા, "હું તો વક્તા છું, યજમાન તો પરીક્ષિત છે. આપ પરીક્ષિતને પૂછી લો કે, જો તેઓ કથા આપતા હોય તો લઈ જાઓ." દેવતાઓએ પરીક્ષિતને પૂછતાં તેમણે જવાબ આપ્યો, "તમે આના બદલામાં મને શું આપશો?" દેવતાઓએ કહ્યું, "આ કથા, ભાગવતના શ્લોક અમને આપી દો, અમે તમને અમૄત આપીશું, તમને તો અમૄત જ જોઈએ ને ! સાત દિવસ બાદ આપને તક્ષક ડંખ મારવાનો અને તેનાથી તમારું મૄત્યુ થવાનું છે. અમે તમને સ્વર્ગનું અમૄત આપીએ છીએ, આપ અમૄત લઈ લો, કથા અમને આપી દો." શુકદેવજી હસવા લાગ્યા. પરીક્ષિતે ખૂબ સારો જવાબ આપ્યો, " અરે, દેવતાઓ ! તમે મને અમૃત તો આપી દેશો, અને બની શકે કે હું અમર પણ થઈ જાઉં પણ નિર્ભય નહીં થઈ શકું." ખૂબ જ મોટો તફાવત છે, અમર અને નિર્ભય થવામાં. "દેવતાઓ તમે તો દરરોજ ડરતા રહો છો, જ્યારે કોઈ દૈત્ય પાછળ પડી જાય તો ભાગતા રહો છો. તમે બધા અમર છો, પણ નિર્ભય નથી. આ ભાગવત જ મને નિર્ભય કરશે, મને અમર નથી થવું." એટલે જ જેઓ ભાગવત વાંચે છે તેઓ નિર્ભય થઈ જાય છે.

  • ભાગવતનો મૂળ મંત્ર છે 'હાસ્ય'
આ સંસારમાં સૌથી મોટી તકલીફ કઈ વાતની છે? ભયની. કેટલાક પ્રકારના ભય - માતૄભય, પિતૄભય, દ્વવ્યભય, ઘરનો ભય, બહારનો ભય, કેટલાય પ્રકારનો ભય છે. ભાગવત આપણને નિર્ભય કરે છે. શુકદેવ હસી પડ્યા હતા એવી ભાગવતમાં ચર્ચા છે. શુકદેવને હસવું આવતાં દેવતાઓ વાતો કરવા માંડ્યા. પથ્થર આપી મણિ ખરીદી રહ્યાહતા દેવતાઓ. દેવતાઓ કહેતા હતા કે, "સુધા લઈ લો અને કથા આપી દો." સુધા અને કથામાં કોઈ તાલમેલ જ નથી. ક્યાં અમૄત અને ક્યાં કથા, આ દિવ્ય કથા છે. શુકદેવ કહે છે ધન્ય તો પરીક્ષિત છે, તેમણે ખૂબ જ સારો નિર્ણય કર્યો છે. એક પંક્તિ આવતાં શુકદેવ હસી પડ્યા, ભાગવત કથા પ્રારંભ થઈ રહી છે અને ભાગવતનો વક્તા હસતો હતો. મોટો સંદેશ આપણને આપ્યો છે. આપણે ભણી ચૂક્યા છીએ સત, ચિત્ત અને આનંદ. આનંદની વૄત્તિ આપણી અંદર ભાગવત દ્વારા જશે. શુકદેવજીએ હસતાં હસતાં ઘોષણા કરી કે ભાગવત સાંભળતી વખતે તેને જીવનમાં પણ ઉતારો અને જીવનમાં ઉતાર્યા બાદ ભાગવતથી હસતા રહેવાનો સંદેશ પણ લો. ભાગવત કહે છે, "થોડુંક હસો." ભાગવતના સિદ્ધાંતનું પાલન કરવું પડશે. શુકદેવજી કહે છે, " થોડુંક હસો." બીજી બાજું ક્યારેય પણ કોઈની આળસની તપાસ કરવી હોય તો તેની ઊંઘની તપાસ કરો. જો તમને ઊંઘ વધું આવતી હોય તો ક્યાંક ને ક્યાંક આળસ છે. આમ આળસની પ્રતિનિધી ક્રિયા ઊંઘ છે, જ્યારે આનંદની પ્રતિનિધી ક્રિયા હાસ્ય છે. જો તમે હાસ્ય કરશો તો તમારામાં આનંદનો જન્મ શરૂ થશે. તેથી જ ભગવાને કહ્યું છે કે, "થોડુંક હસો."
  • જે ચિંતા ન કરે એજ વૈષ્ણવ છે
આ ભાગવત શાસ્ત્રના મહિમાનું વર્ણન અન્ય પુરાણોમાં ખૂબ જ આવે છે. આ કથાનું મહાત્મ્ય એક વાર સનદકુમારોએ નારદજીને સંભળાવ્યું હતું. મહાત્મ્યમાં એવું લખેલું છે કે, મોટા મોટા ઋષિ અને દેવતાઓ બ્રહ્મલોક છોડી વિશાલા ક્ષેત્રમાં આ કથા સાંભળવા માટે આવ્યા હતા. બદ્રિકા આશ્રમમાં સનદકુમાર પધાર્યા છે જેને લોકો બદ્રિકાશ્રમ કહે છે, એ જ આજે બદ્રીવિશાલ ક્ષેત્ર છે. વિશાલપુરીમાં જ્યાં સનદકુમાર રહેતા હતા, ત્યાં એક દિવસ નારદજી ફરતા ફરતા આવ્યા. ત્યાં સનકાદિ ૠષિઓ સાથે નારદજીની મુલાકાત થઈ. નારદજીનું મુખમંડલ ઉદાસ જોઈ સનકાદિએ તેમની ઉદાસીનું કારણ પૂછ્યું કે તમે ચિંતિત કેમ છો. "બ્રહ્મરાતો વિચાર યે વં તદા દેવાન્જનહાસ હ કથં બ્રહ્મન્દીનમુખઃ કુતાશ્ચિન્તાતુરો ભવાન્‌." આપ હરિદાસ છો, શ્રીકૄષ્ણના દાસ, ક્યારેય ન રહે ઉદાસ. જે ચિંતા ન કરે તે જ વૈષ્ણવ છે. તે તો પ્રભુનું ચિંતન કરે છે, ચિંતા નથી કરતા. ભક્ત અને તે ઉદાસ રહે તે વિપરીત બાબત છે. "મેં અનેક સ્થળોનું પરિભ્રમણ કર્યું છે પણ મને શાંતિ નથી મળી." આવું નારદજી બોલવા લાગ્યા. નારદજીએ દુઃખી થઈને કહ્યું કે, આ જગતમાં સત્ય નથી રહ્યું. જગતમાં અસત્ય ખૂબ જ વધી ગયું છે. નારદજી કહે છે કે, "સંસારમાં મને ક્યાંય શાંતિ નથી મળી." આ રીતે કળિયુગના દોષ જોતાં જોતાં હું વૄદાવન પહોંચ્યો ત્યારે એક કૌતુક જોવા મળ્યું. એક વિચિત્ર બાબત - ત્યાં તરુણી પોતાના બે સુપ્તપ્રાય અચેતન જેવા પુત્રો સાથે બેઠી વિલાપ કરતી હતી. મેં જોયુ હતું કે, કળિયુગમાં સર્વત્ર ભ્રષ્ટાચાર વ્યાપ્ત છે. મારા મનમાં એ તરુણી પ્રત્યે સહાનુભૂતિ થઈ.
  • આચાર વિચાર શુદ્ધ હોય તો ભક્તિ થાય

નારદજી એ યુવતી પાસે ગયા અને વિલાપ કરવાનું કારણ પૂછ્યું. બીજાનાં કામ સિદ્ધ કરનાર સાધુ જ હોય. તે સ્ત્રીએ કહ્યું કે, તે ભક્તિ છે અને તેની પાસે અચેતન જેવા પડેલા આ બે પ્રાણી તેના પુત્રો છે. એકનું નામ જ્ઞાન અને બીજાનું નામ વૈરાગ્ય છે. એ સ્ત્રીએ જણાવ્યું કે, કળિયુગે આ બંનેને મૄતસમાન બનાવી દીધા છે. હું ભક્તિ દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં મારું પાલન થયું, મહારાષ્ટ્રમાં યૌવન ખીલ્યું અને ગુજરાત પહોંચતાં હું વૄદ્ધ થઈ ગઈ. ભક્તિએ કહ્યું, જ્યારથી હું વૄંદાવનમાં ાઅવી છું ત્યારથી મારું યૌવન પાછું ફર્યું છે. પરંતુ મારા પુત્રોની દશા દયનીય થઈ ગઈ છે. આ આશ્ચર્યની વાત જણાય છે કે એક સ્થળે વૄદ્ધ માતા તો તરૂણી બની જાય છે અને તરૂણ પુત્રો મૄતપ્રાય થઈ જાય છે. આ વાતથી ભક્તિ ખૂબ જ ચિંતિત હતી. આચાર વિચાર શુદ્ધ હોય તો જ ભક્તિ થઈ શકે છે. વિચારોની સાથે સાથે આચાર પણ શુદ્ધ હોવા જોઈએ.કર્ણાટકમાં આજે પણ આચાર શુદ્ધિ જોવા મળે છે. ભગવાન વ્યાસજીને કર્ણાટક પ્રત્યે કોઈ પક્ષપાત ન હતો. ભક્તિ વિશે તેમણે જે સાચું હતું તે જ વ્યક્ત કર્યું. ભક્તિ કહે છે, હું ગુજરાતમાં જીર્ણ થઈ ગઈ છું. દેવલોકવાસી ડોંગરેજી મહારાજ કહેતા હતા કે, "ધનનો દાસ પ્રભુનો દાસ ન બની શકે." ગુજરાત કાંચનનું લોભી થઈ ગયું છે.

  • કળિયુગમાં જ્ઞાન અને વૈરાગ્ય ઘટે છે

ભક્તિનાં નવ અંગ હોય છે. જેમાં પ્રથમ છે શ્રવણ. માત્ર કથા સાંભળવાથી ભક્તિ પૂરી નથી થતી. જે સાંભળ્યું છે તેનું મનન પણ કરવું પડશે. શ્રવણ ભક્તિ છિન્ન ભિન્ન થઈ રહી છે, કેમ કે મનન નથી થતું. કીર્તન ભક્તિ બીજી છે. જ્યારથી કીર્તનમાં પણ કીર્તન અને કાંચનનો લોભ આવી ગયો છે ત્યારથી જ કીર્તન ભક્તિ ભ્રષ્ટ થઈ ગઈ છે. વંદન, જે ત્રીજી ભક્તિ છે, તે અભિમાનના કારણે જતી રહી છે. મનની અંદર જ્યાં સુધી અહમનો ભાવ રહેશે, ત્યાં સુધી ભક્તિની વૄદ્ધિ નહીં થાય. દેવ પૂજાની જગાએ દેહ પૂજા વધી ગઈ છે. "ભો ભો સાધે ક્ષણં તિષ્ઠ મગિન તામપિ નાશય, દર્શનં તવ લોકસ્ય સર્વથાપ્પ હટં પરમં."મહાત્માજી થોડી વાર રોકાઈ મારી ચિંતા તો દૂર કરો. આપનું દર્શન તમામ પાપોને નષ્ટ કરનાર છે. ચોથી ભક્તિ અર્ચન છે. ભક્તિના બે બાળક છે, જ્ઞાન અને વૈરાગ્ય. ભક્તિનું સન્માન જ્ઞાન અને વૈરાગ્ય સાથે કરો. જ્ઞાન અને વૈરાગ્ય જ્યારે મૂર્ચ્છિત થાય છે ત્યારે ભક્તિ રડે છે. કળિયુગમાં જ્ઞાન અને વૈરાગ્ય ઘટે છે, વધતા નથી. નારદજીએ જ્ઞાન અને વૈરાગ્યને જગાડવાના અનેક પ્રયત્નો કર્યા, વેદોનાં અનેક પારાયણ કર્યાં, ત્યારે પણ વૈરાગ્યની મૂર્ચ્છા ગઈ નહીં. ઉપનિષદના પઠનથી આપણા હ્નદયમાં જ્ઞાન અને વૈરાગ્ય જાગે છે, તેમ છતાં તેઓ ફરીથી મૂર્ચ્છિત થઈ જાય છે. સ્મશાન ભૂમિમાં જ્યારે ચિતા સળગે છે ત્યારે તેને જોઈ અનેક લોકોને વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય છે, પરંતુ ઘરે પાછા ફર્યા બાદ એ વૈરાગ્ય ત્યાં જ છૂટી જાય છે. કામ સુખ ભોગવ્યા બાદ વૈરાગ્ય ઉત્પન્ન થાય ચે પરંતુ ફરીથી તે જાગી જાય છે.


  • ભક્તિનો પ્રચાર કરવા થોડું સત્કર્મ કરો

નારદજી ચિંતામાં હતા કે જ્ઞાન અને વૈરાગ્યની મૂર્છા દૂર થતી નથી. એજ સમયે આકાશવાણી થઈ કે તમારા પ્રયાસો ઉત્તમ છે. જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિનો પ્રચાર કરવા માટે તમે થોડાં સત્કર્મ કરો. નારદજી કહે છે કે, મેં જે દેશમાં જન્મ લીધો છે તે દેશ માટે જો ઉપયોગી બની શકું તો મારું જીવન ધન્ય છે. નારદજીએ પૂછ્યું કે, તમે જણાવો હું શું સત્કર્મ કરું? ત્યારે સનકાદિ મુનિએ કહ્યું, પર દુઃખથી જો તમે દુઃખી છો તો તમારી ભાવના દિવ્ય છે. આ જ સંતનું ચરિત્ર છે. ભક્તિનો પ્રચાર કરવાની તમારી ઈચ્છા છે તો તમે ભાગવત યજ્ઞનું પારાયણ કરો, તમારી ઈચ્છા પૂર્ણ થશે. તમે ભાગવત જ્ઞાન યજ્ઞ કરો અને ભાગવતનો પ્રચાર કરો. તમે જ તો વ્યાસજીનું દુઃખ દૂર કરતાં ભાગવત રચવાનો ઉપદેશ આપ્યો હતો. જો કે ભક્તિ પ્રચારનો એક બીજો માર્ગ છે સદૈવ હસતા રહો. આજથી ભાગવતજીનો પ્રથમ સ્કંધ પ્રારંભ થાય છે. આમામ ૧૯ અધ્યાય છે. નૈમિષારણ્યમાં શૌનકાદિએ સૂતજીને સન્માન આપી કહ્યું - કથા કહો. સૂતજીએ સર્વ પ્રથમ શુકદેવ, નારદજી, સરસ્વતી અને વ્યાસજીને પ્રણામ કર્યા. વ્યાસજીએ મંગલાચારણથી પ્રથમ સ્કંધ પ્રારંભ કર્યો -

જન્માદ્યાસ્ય યતો અન્વયાદિત રત;શ્વાર્થેશ વભિજ્ઞ સ્વરાટ

તેને બ્રહ્મ હદા ચ આદિકવયે મુહ્યન્તિ યત સૂરયઃ

તેજોવારિમૄદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો અમૄશા ધાન્યા

સ્વેન સદા નિરસ્ત કુહકં સત્યં પરં ધીમહિ.

  • ધ્યાનની પરિપકવ અવસ્થા સમાધિ છે
કથામાં બેસતા પહેલાં પણ મંગલાચરણ કરવામાં આવે છે. વંદન અને સ્મરણ કરવાથી મંગલાચરણ થાય. ક્રિયામાં અમંગળતા કામના કારણે આવે છે. મનુષ્ય જ્યાં સુધી સકામ છે ત્યાં સુધી તેનું મંગળ થતું નથી. મનુષ્યનું પોતાનું અમંગળ કામ જ વિઘ્નકર્તા હોય છે, બીજા કોઈનું નહીં. પ્રત્યેક કાર્યની શરૂઆત મંગળાચરણથી કરવી જોઈએ. ભાગવતમાં ત્રણ મંગળાચરણ છે. પ્રથમ સ્કંધમાં વ્યાસદેવજીનું, દ્વિતીય સ્કંધમાં શુકદેવજીનું અને સમાપ્તિ પર સૂતજીનું. પ્રભાતના સમયે, મધ્યાહ્‌નના સમયે અને રાત્રે સૂતા પહેલાં પણ મંગલાચરણ કરવું જોઈએ. આ ત્રણેય સમયે શરીરને ઊર્જાની જરુર પડે છે. વ્યાસજીએ ધ્યાનની ચર્ચા કરતા પહેલાં કહ્યું કે, એક જ સ્વરૂપનું વારંવાર ચિંતન કરો. મનને પ્રભુના સ્વરૂપમાં સ્થિર કરવું જોઈએ. એક જ સ્વરૂપનું વારંવાર ચિંતન કરવાથી મન એકાગ્ર થાય ચે. ધ્યાનનો અર્થ છે માનસદર્શન. ધ્યાન કરતી વખતે સંસારના વિષયો દેખાય છે. આ વિષયો મનમાં ન આવે તે માટે ધ્યાન કરતી વખતે પરમાત્માના નામનું વારંવાર ચિંતન કરવું જોઈએ. આનાથી મન સ્થિર થાય છે. આની સાથે જ શ્વાસ પર પણ નિયંત્રણ હોવું જોઈએ. ઊંચા અવાજે કીર્તન કરવાથી પણ વિષયોમાંથી ધ્યાન હટે છે. કીર્તન કરવાથીસંસારનું વિસ્મરણ થાય છે. ફક્ત દાન કે સ્નાન કરવાથી મન શુદ્ધ નથી થતું. ધ્યાનની પરિપકવ અવસ્થા સમાધિ છે. ભગવાન પ્રત્યે ધ્યાન નહીં લગાવો તો સંસારનું ધ્યાન થતું રહેશે. મંગલાચરણમાં વ્યાસજી લખે છે, "સત્યંપરંધિમહિ" અર્થાત્‌ સત્ય સ્વરૂપ પરમાત્માનું આપણે ધ્યાન કરીએ છીએ. આમાં સાચું જ લખ્યું છે, "કૄષ્ણં પરં ધિમહી" નથી લખ્યું. આમાં કોઈ વિશેષની ચર્ચા નથી પણ સત્યને જ પરમાત્મા કહેવામાં આવ્યું છે. જે ધર્મમાં કોઈ કપટ નથી એ નિષ્કપટ ચર્ચા જ ભાગવતનો મુખ્ય વિષય છે.
  • ભોગની ઇચ્છા થાય ત્યાં ભક્તિ ન થાય

ભાગવતનો મુખ્ય વિષય છે નિષ્કામ ભક્તિ. જ્યાં ભોગની ઇચ્છા થાય ત્યાં ભક્તિ ન થઈ શકે. ભગવાન માટે ભક્તિ કરવી જોઈએ. ભક્તિનું ફળ ભગવાન હોવા જોઈએ, સંસારના સુખો નહીં. માંગવાથી પ્રેમની ધારા તૂટી જાય છે. તેથી જ કૄષ્ણએ કહ્યું છે કે, જે આનંદ મને ગોકુળમાં ગોપીઓથી મળ્યો તે દ્વારકામાં નથી મળ્યો. ગોપીઓનો પ્રેમ નિષ્કામ છે. ભગવાનનો જે આશ્રય લે છે તે નિષ્કામ બની જાય છે. શૌનકજીએ પૂછ્યું, "વ્યાસજીએ ભાગવતની રચના કયા ઉદેશ્યથી કરી અને તેનો પ્રચાર કઈ રીતે કર્યો, એ કથા સંભળાવો." વ્યાસજીએ આ કથા શુકદેવજીને સંભળાવી હતી, કેમ કે શુકદેવજી સુપાત્ર છે. શુકદેવજી માત્ર બ્રહ્મજ્ઞાની જ નથી પરંતુ તેઓ બ્રહ્મદ્રષ્ટિ પણ ધરાવે છે. શુકદેવજીની અભેદ્ય દ્રષ્ટિ સિદ્ધ થઈ ગઈ છે. તેમને એ ખ્યાલ નથી રહેતો કે આ સ્ત્રી છે કે પુરુષ. તેઓ નિષ્કામ છે, આ ભેદથી મુક્ત છે.

એક પ્રસંગ છે.

રાજા જનકના દરબારમાં એક સમયે શુકદેવજી અને નારદજી પધાર્યા. શુકદેવજી બ્રહ્મચારી અને જ્ઞાની છે. નારદજી પણ જ્ઞાની છે અને ભક્તિ માર્ગના આચાર્ય પણ છે. બંને મહાપુરૂષ છે, પણ બંનેમાં શ્રેષ્ઠ કોણ? રાજા જનક સમાધાન ન શોધી શક્યા. પરીક્ષા લીધા વિના કઈ રીતે નિર્ણય થાય, તેથી રાજા જનકની રાણી સુનયનાએ નિર્ણય કર્યો કે હું આ બંનેની પરીક્ષા લઈશ. સુનયનાએ બંનેને પોતાના ઘરે બોલાવ્યા અને એક હીંચકા પર બેસાડી દીધા. ત્યાર બાદ રાણી સુનયનાજી શૄંગાર કરીને આવ્યાં અને બંને વચ્ચે હીંચકા પર બેસી ગયાં. નારદજીને થોડો સંકોચ થયો કે હું તો બાળ બ્રહ્મચારી છું, સ્ત્રી સ્પર્શ થઈ રહ્યો છે, ક્યાંક મારા મનમાં વિકાર ન આવી જાય. આવા વિચાર સાથે તેઓ દૂર ખસી ગયા.

  • દેહભાવથી મુક્ત થયા બાદ જ પરમાત્મા મળે
બીજી બાજું શુકદેવજી જે રીતે બેઠા હતા એ જ રીતે બેસી રહ્યા. તેમને એ ભાન પણ ન રહ્યું કે કોઈ આવીને બેઠું છે. તેમને સ્ત્રી અને પુરુષનું ભાન જ નથી. તેથી તેઓ દૂર પણ ન ગયા. તેથી રાણી સુનયનાએ નિર્ણય કર્યો કે, શુકદેવજી જ શ્રેષ્ઠ છે. તેમને તો નારીત્વ અને પુરુષત્વનું પણ ભાન નથી. દેહભાવથી મુક્ત થયા બાદ જ પરમાત્મા મળે છે. આવા પુરુષને ભાગવત વાંચવાની પણ જરુર નથી. તો પછી ભાગવત વાંચવા કેમ ગયા. શુકદેવજી ભિક્ષાવૄત્તિ માટે પણ બહાર જતા તો પણ તેઓ ગૌ દોહનકાળ અર્થાત ૬ મિનિટથી વધું કયાંય રોકાતા ન હતા. ત્યારે તેમણે સાત દિવસ સુધી બેસીને આ કથા પરીક્ષિતનેકઈ રીતે સંભળાવી? રાજા પરીક્ષિત ભગવાનના પ્રેમી ભક્ત હતા, તેમ છતાં તેમને શ્રાપ કેમ લાગ્યો? આ કથા અમને કહો, શૌનકાદિએ સૂતજીને કહ્યું. ઋષિમુનિઓમાં સૂતજીનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. એક સમયની વાત છે, નૈમિષારણ્ય તીર્થમાં ૮૮ હજાર ઋષિમુનિઓ એકત્ર થયા. સૂતજીને પણ સભામાં આમંત્રિત કરવામાં આવ્યા. સભામાં વિચારણા ચાલી રહી હતી કે, કળિયુગમાં મનુષ્યની ઉંમર ઓછી થવાની સાથે તે રોગ, શોક સહિતની વ્યાધિઓથી પીડિત રહે છે. તેથી તે આળસુ અને મંદબુદ્ધિનો પણ થઈ જાય. આના કારણે માણસથી વેદ, શાસ્ત્રોનું અધ્યયન અને તે મુજબ યજ્ઞકર્મોની આશા ઓછી હોય છે. ત્યારે તેનો ઉદ્ધાર કઈ રીતે થાય? લોકોપકારી ઋષિ મુનિઓએ આ સભામાં ગહન ચર્ચા વિચારણા કરી. તમામનું મંતવ્ય હતું કે, આ કળિયુગી જીવના ઉદ્ધાર માટે શ્રી કૄષ્ણની લીલાઓનું વર્ણન જ એક માત્ર ઉપાય છે.
  • ભગવાન પ્રત્યે પ્રેમ વધારવા કથા સાંભળો

સૂતજી મહારાજને આગ્રહ કરવામાં આવ્યો કે, તેઓ ભગવાનના અવતારોનું વર્ણન કરે. શ્રી કૄષ્ણચરિત્રનું ગાન કરે. સૂતજી તેમના આગ્રહને સ્વીકારી શ્રીમદ્‌ભગવત પુરાણની કથા શરૂ કરી. ૠષિઓએ સૂતજીને છ પ્રશ્નો પૂછ્યા હતા.

૧ શાસ્ત્રોનું તત્વ શું છે?

૨ નારાયણ થઈ શ્રી કૄષ્ણ દેવકીના પુત્ર કઈ રીતે છે?

૩ ભગવાનના કયા કયા ગુણ છે?

૪ ભગવાનના અવતાર અને લીલાઓ કઈ કઈ છે?

૫ નરરૂપ ધારણ કરી શ્રી કૄષ્ણ અને બલરામનું ચરિત્ર કેવું હતું?

૬ જ્યારે શ્રી કૄષ્ણ સ્વર્ગમાં ગયા ત્યારે ધર્મ કોની શરણમાં હતો?

સૂતજી ૠષિઓના પ્રશ્નો સાંભળી ખૂબ જ ખુશ થયા. તેમણે શાસ્ત્રોનાં તત્વોથી માહિતગાર કર્યા. જે પ્રશ્નો પૂછાયા એ તમામના જવાબ આપ્યા. વર્ણાશ્રમ ધર્મ મુજબ માણસ જે કર્મ કરે છે, તેનું લક્ષ્ય ભગવાન વિષ્ણુની પ્રસન્નતાને પ્રપ્ત કરવાનો છે. ભગવાન પોતાના ભક્તોને સુખ આપવા માટે અનેક લીલાઓ પણ કરે છે અને તેમના અવતારમાં રૂપ પણ ધારણ કરે છે. સૂતજીએ ભગવાન વિષ્ણુના વિરાટ સ્વરૂપ અને ચોવીસ અવતારોનું વિસ્તૄત વર્ણન કર્યું. તેમણે કહ્યું કે, લોક સૄષ્ટિની ઈચ્છાથી ભગવાન વિષ્ણુએ સર્વપ્રથમ સોળ કળાઓથી પરિપૂર્ણ પુરૂષના રૂપમાં અવતાર ધારણ કર્યો. સૄષ્ટિની રચના પર વિચાર કરવા માટે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં જઈ યોગનિન્દ્રામાં ઊંઘી ગયા, ત્યારે તેમની નાભિમાંથી પ્રજાપતિ બ્રહ્માજી ઉત્પન્ન થયા અને તેમણે બૄહદ વિશ્વની રચના કરી. ભગવાન પ્રત્યે પ્રેમ વધારવો હોય તો ભગવાનના અવતારોની કથા સાંભળવી જોઈએ.
  • બ્રહ્મચર્ય વિના મન સ્થિર રહેતું નથી
ભગવાન ધર્મની સ્થાપના અને જીવનો ઉદ્ધાર કરવા માટે અવતાર ધારણ કરે છે. ભગવાનનો અવતાર મંદિરમાં નહીં, પરંતુ ઘરમાં જ થવો જોઈએ અને એ ઘર માનવ શરીર જ છે. ભાગવતમાં મુખ્યત્વે શ્રીકૄષ્ણ કથા છે, પરંતુ આ કથા અંતિમ સ્કંધોમાં આવે છે. પ્રથમ અવતાર સનદકુમારોનો છે. સનક, સનન્દન, સનાતન અને સનતકુમાર, આ ચારે બ્રહ્મચર્યના પ્રતીક છે. તમામ ધર્મોમાં બ્રહ્મચર્ય પહેલાં આવે છે. બ્રહ્મચર્ય વિના મન સ્થિર રહેતું નથી, તેથી જ પ્રથમ પગલું બ્રહ્મચર્યનું આવે છે. બીજો અવતાર વરાહનો આવે છે. વરાહ એટલે શ્રેષ્ઠ દિવસ. લોભ સત્કર્મમાં વિઘ્ન ઉત્પન્ન કરે છે. તેથી લોભને સંતોષથી નાશ કરવો જોઈએ. વરાહનો અવતાર સંતોષનો અવતાર છે. આ અવતાર રસાતાલમાં ગયેલી પૄથ્વીને પરત લાવવા માટે થયો હતો. ત્રીજો અવતાર નારદજીનો છે. આ ભક્તિનો અવતાર છે. બ્રહ્મચર્યનું પાલન કરી પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ માનવાથી નારદ અર્થાત્‌ ભક્તિ મળશે. ચોથો અવતાર નરનારાયણનો છે. આમાં ૠષિ બની તપસ્યા કરવામાં આવી. ભક્તિ મળે તો તેનાથી ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. ભક્તિથી ભગવાન મળે છે. જો કે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય વગર ન હોવી જોઈએ. પાંચમો અવતાર કપિલ દેવનો છે. આ અવતાર જ્ઞાન અને વૈરાગ્યનો છે. આને જીવનમાં ઉતારો તો જ્ઞાન અને વૈરાગ્યની સાથે ભક્તિ પણ અવશ્ય આવશે અને એવી ભક્તિ જે હંમેશાં સ્થિર રહેશે.
  • જીવોના ઉદ્ધાર માટે ભગવાનના અવતારો
છઠ્ઠો અવતાર દત્તાત્રેયજીનો છે. આગળ જણાવેલ પાંચ ગુણ બ્રહ્મચર્ય, સંતોષ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય આપણા અંતરમાં આવશે તો આપણે ગુણાતિત બનીશું. આ અવતારો બ્રાહ્મણો માટે છે. સાતમો અવતાર યજ્ઞનો છે. આમાં પ્રજાપતિ રૂચિ તથા આકૂતિના પુત્ર સ્વંભૂ મનવન્તરની રક્ષા કરી અને અમૄત લઈ સમુદ્રમાંથી પ્રગટ થયા. આઠમો અવતાર ઋષભદેવજીનો છે. આમાં રાજા નાભિ અને મેરૂદેવીના પુત્ર, પરહંસોનો માર્ગ તમામ આશ્રમવાસીઓને બતાવ્યો. નવમો અવતાર પૄથુ રાજાનો છે. આમાં પૄથ્વી પર સમસ્ત ઔષધિયોની મુલાકાત લીધી. દસમો અવતાર મત્યનારાયણનો છે. જ્યારે પૄથ્વી ચાક્ષુષ મનવન્તરમાં ડૂબી રહી હતી, ત્યારે પૄથ્વી રૂપી નૌકામાં બેસીને આગળના મનવન્તરના અધિપતિ વૈવસ્ત મનુની રક્ષા કરી. આ ચાર અવતાર ક્ષત્રિયો માટે છે. ધર્મનો આદર્શ બતાવવા માટે અગિયારમો અવતાર કુર્મનો છે. બારમો અવતાર ધન્વંતરિનો છે. તેરમો અવતાર મોહિની નારાયણનો છે, જેમાં ભગવાન દૈત્યોને મોહિત કરી દેવતાઓને અંમૄતપાન કરાવે છે. આ અવતારો વૈશ્યો માટે છે. ચૌદમો અવતાર નૄસિંહ સ્વામીનો છે. આ અવતાર પુષ્ટિનો અવતાર છે. ભક્ત પ્રહલાદ પર કૄપા કરવા માટે આ અવતાર થયો. પંદરમો અવતાર વામનનો છે જે પૂર્ણ નિષ્કામ છે. જેની ઉપર ભક્તિની નીતિનું છત્ર છે, જેણે ધર્મનું કવચ ધારણ કર્યું છે, જેને ભગવાન પણ ન મારી શક્યા એવા બલિ રાજા માટે આ વામન અવતાર થયો હતો. પરમાત્મા સૌથી મોટા છે છતાં તેઓ બલિ રાજા આગળ વામન અર્થાત્‌ નાના બની જાય છે. આજ ભક્તની જીત છે.
  • જીવોના ઉદ્ધાર માટે ભગવાનના અવતારો

સોળમો અવતાર પરશુરામનો છે. આ અવતાર આવેશનો છે. આમાં ભગવાને એકવીસ વાર ક્ષત્રિયોનો સંહાર કર્યો હતો. સત્તરમો અવતાર નારાયણનો જ્ઞાન અવતાર છે. અઢારમો અવતાર ભગવાન રામજીનો છે. આમાં ભગવાન મર્યાદા પુરુષોત્તમ છે. ઓગણીસમો અવતાર શ્રીકૄષ્ણનો છે. રામજી મર્યાદાનું પાલન કરશે તો શ્રીકૄષ્ણ કૄપા કરશે. આ બંને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના અવતાર છે. બાકીના બધા અંશાવતાર છે. પૂર્ણ અવતાર અને અંશાવતારમાં ભેદ છે, અર્થાત્‌ અલ્પકાલ માટે અલ્પ જીવોના ઉદ્ધાર માટે જે અવતાર થાય છે તે અંશાવતાર કહેવાય છે. અનંતકાલ માટે તથા અનંત જીવોના કલ્યાણ માટે જે અવતાર થાય છે તે પૂર્ણાવતાર કહેવાય છે. ભાગવતમાં કથા તો શ્રીકૄષ્ણની વાંચવામાં આવશે. પરંતુ ક્રમશઃ અન્ય અવતારોની કથા પણ સાંભળીશું. વીસમો અવતાર બલરામનો હતો. એકવીસમો અવતાર બુદ્ધનો હતો. કળિયુગ આવ્યા બાદ દેવતાવિરોધી દૈત્યોને મોહિત કરવા માટે કલ્કિ અવતાર થશે. બાવીસમો અવતાર હરિનો હતો, જેમણે ગજેન્દ્રને ગૄહમાંથી મુક્ત કરાવ્યો. ત્રેવીસમો અવતાર હયગ્રીવનો છે. ચોવીસમો અવતાર કાર્તિકનો થયો. આ રીતે ચોવીસ અવતારો છે. અવતારોની સંખ્યા અને ક્રમ વિશે વિદ્ધાનોનાં અલગ અલગ મંતવ્ય છે.

હવે વ્યાસજીના દુઃખી થવાનો પ્રસંગ કથામાં આવે છે, જે મહાત્મ્ય આપણે સાંભળી ગયા. નારદજીને જ્યારે એવું લાગ્યું કે હજી પણ વ્યાસજીના મનમાં તેમની વાત જામતી નથી ત્યારે તેમણે ભક્તિ, મહિમા અને જરૂરિયાતના પ્રમાણમાં પોતાના પૂર્વ જન્મની કથા સંભળાવી.
  • ત્રણેય લોકમાં વિચરણ કરતા નારદજી
તેમણે કહ્યું કે, પૂર્વ જન્મમાં તેઓ એક દાસીના પુત્ર હતા. ૠષિમુનિઓથી ભાગવતના ચરિત્ર સાંભળી તેમના મનમાં એટલો બધો અનુરાગ ઉત્પન્ન થયો કે તેમને કોઈ પણ પ્રકારનો દેહબોધ ન રહ્યો. તેઓ ભગવાનના ધ્યાનમાં જ લીન રહેવા લાગ્યા. તેઓ ભક્ત હતા પરંતુ માતા પ્રત્યેનો પોતાનો મોહ છોડી શક્યા નહીં. નારદજી કહે છે કે, ભગવાનની એવી કૃપા થઈ કે માતાને એક રાતે સાપે ડંખ દીધો અને તેઓ મૄત્યુ પામ્યા. આ રીતે સરળતાથી બંધનથી મુક્ત થઈ ગયા. નારદજી ઘરેથી નીકળી ગાઢ જંગલમાં જઈ સમાધિમાં લીન થઈ ગયા. એ જ અવસ્થામાં તેમને ભગવાન વિષ્ણુનાં દર્શન થયાં. આંખમાંથી આંસુ નીકળી પડ્યાં. ભગવાન જ્યારે અંતર્ધ્યાન થયા ત્યારે નારદજી વિચલિત થઈ ગયા. તેમણે ખૂબ જ પ્રયત્ન કર્યો પણ તેમને દર્શન ન થયા. તેમની વ્યાકુળતા જોઈ ભગવાને તેમને નિરંતર સાધુની સેવા કરવાનો ઉપદેશ આપ્યો અને આશ્વાસન આપ્યું કે, હવે પછીના જન્મમાં તેઓ સિદ્ધ યોગી બનશે. અચાનક એક દિવસે વીજળી પડતાં તેમનું ભૌતિક શરીર નષ્ટ થઈ ગયું. ભગવાનની એવી કૄપા થઈ કે અંતિમ શ્વાસની સાથે જ નારદજીનો આત્મા ભગવાનમાં પ્રવેશી ગયો. સહસ્ત્ર યુગો બાદ તેઓ મરિચી વગેરે ૠષિઓ સાથે ઉત્પન્ન થયા. ભગવાન વિષ્ણુની કૄપાથી નારદજી અખંડ બ્રહ્મચર્ય ધારણ કરવાવાળા અને ત્રણેય લોકમાં સ્વચ્છંદ વિચરણ કરવાના અધિકારી બન્યા. નારદજી સતત વીણા લઈ હરિ ગુણગાન કરતા રહે છે. તેઓ હંમેશાં પ્રસન્ન રહે છે.
  • સંત સ્વયં તીર્થ સ્વરૂપ હોય છે

નારદજી વ્યાસજીને ભક્તિ પૂર્વક ગ્રંથ લખવાનો આગ્રહ કરી રહ્યા છે. નારદજી દાસી પુત્ર હતા. સાધુ સંતોની સેવાએ તેમનું જીવન સુધારી દીધું. સંત સ્વયં તીર્થ સ્વરૂપ હોય છે. પારસમણિ લોખંડને સોનું બનાવે છે પરંતુ લોખંડને પોતાના જેવું નથી બનાવતું, પરંતુ સંત પોતાના સંસર્ગમાં આવનાર તમામને પોતાના જેવા બનાવી દે છે. "સંત કરે આપુ સમાના". મનુષ્ય દેવ થવા માટે બનાવવામાં આવ્યા છે અને તેમની પાસે આવી શક્યતા છે. મનુષ્યને દેવ થવા માટે ચાર ગુણોની જરૂર હોય છે; સંયમ, સદાચાર, સ્નેહ અને સેવા.આ ચારેય ગુણો સતસંગ વગર નથી આવતા. સતસંગનું ફળ ભાગવતમાં બતાવવામાં આવ્યું છે. નારદજીએ પૂર્વ ચરિત્ર સંભળાવ્યું - સંત પોતાના જીવન વિશે બતાવી આપણું જીવન બદલી નાખે છે. ભગવાં કપડાં પહેરી લેવાથી સંત નથી બની જવાતું. કપડાં બદલવાની નહીં પણ પરંતુ પોતાનું હ્નદય બદલવાની જરૂર છે. મનના ગુલામ ન બનો પરંતુ મનને ગુલામ બનાવો. પ્રથમ સ્કંધ અધિકાર લીલાનો છે. શ્રીમદ્‌ ભાગવતનો જ્ઞાન આપવાનો અધિકારી કોણ છે? આ પ્રથમ સ્કંધમાં જણાવવામાં આવ્યું છે. પ્રથમ સ્કંધમાં ત્રણ પ્રકરણ આવે છે - ઉત્તમાધિકારી, મધ્યાધિકારી અને કનિષ્ઠાધિકારી. શુકદેવજી અને પરીક્ષિતજી ઉત્તમ વક્તા અને શ્રોતા છે. નારદજી અને વ્યાસજી મધ્યમ શ્રોતા અને વક્તા છે તેમજ સૂતજી અને શૌનકજી કનિષ્ઠ વક્તા અને શ્રોતા છે. શુકદેવજી જન્મથી જ નિર્વિકારી છે. જે પુત્રે જન્મ સમયે જ પિતાને કહ્યું કે, "તમે મારા પિતા નથી અને હું તમારો પુત્ર નથી".

  • જો ભય લાગે તો ભગવાનને યાદ કરો
વ્યાસજીએ વિચાર કર્યો કે, તેમને કઈ રીતે ઘરે બોલાવવામાં આવે. તેમને કઈ રીતે કથા સંભળાવવામાં આવે? તેઓ તો જંગલમાં જતા રહ્યા છે. હું તેમને કથા સંભળાવીશ ત્યારે જ તેઓ પ્રચાર કરી શકશે. તેથી વ્યાસજીએ પોતાના શિષ્યોને કહ્યું કે, તેઓ જંગલમાં જાય અને જો તેમને પશુઓનો ભય લાગે તો તેઓ ભગવાનના શ્લોકનો પાઠ કરે. વ્યાસજીએ આ વિચાર સાથે શિષ્યોને કહ્યું કે, શુકદેવજી જે જંગલમાં સમાધિમાં બેઠા હોય ત્યાં તમે જાઓ. તેઓ સંભળે એ રીતે આ બે શ્લોકોનું ઉચ્ચારણ કરજો. શિષ્યો જંગલમાં પહોંચી ગયા. શુકદેવજીને બેશ્લોક સંભળાવ્યા. આ પ્રસંગ દર્શાવે છે કે, માતા-પિતા પોતાના બાળકોની ઈચ્છા જાણે, પરિવાર સાથે જોડે અને તેમને લક્ષ્ય સુધી પહોંચાડે. શ્રી કૄષ્ણ ગોપ બાળકો સાથે વૄંદાવનમાં પ્રવેશી રહ્યા છે. આ લીલાના બે શ્લોક શિષ્યોએ સંભળાવ્યા. શુકદેવજી આમતેમ જોવા લાગ્યા. શુકદેવજીએ પૂછ્યું કે, આ શ્લોક કોણ બોલી રહ્યું છે? વ્યાસજીના શિષ્યોનાં દર્શન થયાં. શુકદેવજીએ પૂછ્યું કે, તમે લોકો કોણ છો?, આ શ્લોક ક્યાંથી લાવ્યા? શિષ્યોએ જણાવ્યું કે, આવા તો અનેક શ્લોક ભાગવત પુરાણમાં છે, જેની રચના આપના પિતાજીએ કરી છે. અઢાર હજાર શ્લોક છે. શુકદેવજી વિચારવા લાગ્યા, વ્યાસજી મારા પિતા છે. હું તેમનો ઉત્તરાધિકારી છું. હું પિતા પાસે જઈ આ પુરાણ સાંભળીશ. હવે શુકદેવજીને ભાગવત શાસ્ત્ર સાંભળવાની ઈચ્છા થઈ. સૂતજી વર્ણન કરે છે - ત્યારબાદ આ કથા શુકદેવજીએ રાજા પરીક્ષિતને સંભળાવી. હવે હું તમને સંભળાવી રહ્યો છું. વ્યાસજીએ શુકદેવજીને સંભળાવી.

  • આતુરતા વગર ઈશ્વરનાં દર્શન થતાં નથી

શુકદેવજીએ રાજા પરીક્ષિતને આ કથા સંભળાવી અને સૂતજી શૌનકાદિ ઋષિને સંભળાવી રહ્યા છે. સૂતજી બોલ્યા : સાંભળો, હવે હું તમને રાજા પરીક્ષિતના જન્મ, કર્મ અને મોક્ષની કથા તેમજ પાંડવોના સ્વર્ગારોહણની કથા સંભળાવીશ. પાંચ પ્રકારની શુદ્ધિ બતાવવા માટે પંચાધ્યાયી કથા શરું કરું છું. પિતૄશુદ્ધિ, માતૄશુદ્ધિ, વંશશુદ્ધિ, અન્નશુદ્ધિ અને આત્મશુદ્ધિ. જેમનામાં આ પાંચ શુદ્ધિઓ હોય છે તેમનામાં જ પ્રભ્રુ દર્શનની આતુરતા જોવા મળે છે. આતુરતા વગર ઈશ્વરનાં દર્શન નથી થતાં. રાજા પરીક્ષિતમાં આ પાંચ શુદ્ધિઓ હતી અને આ જ વસ્તુ બતાવવા માટે આગળની કથા કહેવામાં આવી રહી છે. હવે ભાગવતના પ્રથમ સ્કંધમાં મહાભારત શરુ થાય છે. આપણે કઈ રીતે રહેવું જોઈએ એ આપણે મહાભારતથી સમજવાનું છે. આપણે કઈ રીતે રહેવું એ મહાભારત બતાવશે. મહાભારતના પ્રસંગોના માધ્યમથી આપણે દાંપત્યના સંયમને જોઈશું. દાંપત્યનું પ્રથમ સૂત્ર છે સંયમ. હવે સૂતજી સાંભળવાનું શરૂ કરી રહ્યા છે. મહાભારત ભાગવતમાં પ્રવેશી રહી છે, કેમ કે ભાગવત મહાભારત પછી લખવામાં આવી હતી. વ્યાસજી મહાભારતના લેખક હતા. મહાભારત અદ્‌ભૂત ગ્રંથ છે. ભાગવત મહાભારતથી શરૂ થશે અને કૄષ્ણના સ્વધામ ગમન પર સમાપ્ત થશે. ખૂબ સાવધાની પૂર્વક ભાગવતની શરૂઆતમાં મહાભારત સંભળાવવામાં આવી. જીવનમાં ભૂલ થવાથી તેના કેવાં પરિણામો આવે છે તે આપણે જાણી લઈએ તે માટે આ મહાભારત સંભળાવવામાં આવી. મહાભારત દર્શાવે છે કે, જો જીવનની શરૂઆત સહેજ પણ વિકૄત અને વિચલિત થઈ જાય તો તેની અસર અંત પર પડે છે.
  • ઇન્દ્રિયો નષ્ટ થતાં શરીર નષ્ટ થઇ જશે
મહાભારત પૂર્ણ થઈ ગયું છે. કૌરવો પરાજિત થઇ ગયા અને પાંડવો જીતી ગયા છે. ૧૮ અક્ષોણી સેનાઓએ યુદ્ધ કર્યું હતું. પરંતુ કહે છે કે, જ્યારે મહાભારત સમાપ્ત થયું ત્યારે માત્ર ૮ લોકો જ બચ્યા હતા. પાંચ પાંડવ અને ત્રણ કૌરવ પક્ષના - કૄતવર્મા, કૄપાચાર્ય અને અશ્વસ્થામા. બાકીના તમામ માર્યા ગયા હતા, અર્થાત્‌ કે યુદ્ધ કેટલું ભયાનક હશે? દુર્યોધન યુદ્ધ છોડી એક સરોવરના નાના કુંડમાં છુપાઈ ગયો હતો. પાંડવો તેને મારવા માટે શોધી રહ્યા હતા. ભીમે પ્રતિજ્ઞા લીધી હતી કે, હું તેની જાંઘ તોડી દઇશ. દુર્યોધનની જાંઘ તોડી દેવામાં આવી. તે મરવા જેવો થઈ ગયો હતો. જે દુર્યોધન હસ્તિનાપુરનો રાજા હતો, જેણે શ્રીકૄષ્ણને પડકાર ફેંક્યો હતો કે સોયની અણી જેટલી ધરતી પણ હું નહીં આપ્યું, યુદ્ધ કરો યુદ્ધ. કહેવાય છે કે જ્યારે દુર્યોધન ચાલતો હતો ત્યારે તેના માર્ગમાં હીરા, માણેક અને મોતી પાથરવામાં આવતા હતા. લખો દાસ દાસીઓ તેની આગળ પાછળ રહેતા હતા. એ દુર્યોધન પોતાના અંતિમ સમયમાં કાદવથી ભરેલા એક સરોવરમાં પડ્યો હતો. ગિધ અને કૂતરાઓ તેને ચૂંથી રહ્યા હતાં. આ જીવનનો અંત છે. મહાભારત કહે છે કે, યાદ રાખો આ ઇન્દ્રિયો જ્યારે નષ્ટ થશે ત્યારે આ શરીર કુરૂક્ષેત્રની જેમ નષ્ટ થઇ જશે.
  • પોતાના શરીરને સાચવીને રાખો

જે લોકો ખૂબ જ શાનથી માથું ઊંચું કરી ચાલતા હતા તેઓ વૄદ્ધાવસ્થામાં બે ડગલાં પણ ચાલી શકતા નથી. તેથી આપણા કુરુક્ષેત્રને (શરીરને) સાચવીને રાખો. દુર્યોધનનો પરમ મિત્ર તેમજ કૌરવ અને પાંડવોના ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અશ્વસ્થામાએ જ્યારે પોતાના મિત્ર દુર્યોધનની આવી દશા જોઈ ત્યારે તેણે કહ્યું કે, આજે તમારી આ દશા જોઈ મને સારું નથી લાગતું. તમે મને આદેશ કરો, હું શું કરી શકું છું? ત્યારે દુર્યોધને કહ્યું કે, હું તને આજે અંતિમ દિવસનો સેનાપતિ બનાવું છું. ત્યારે અશ્વસ્થામાએ સોંગંધ લેતાં કહ્યું કે, પાંડવોને મારી નાખો. તે નીકળી પડ્યો પણ પાંડવોને મારી શક્યો નહીં કેમ કે શ્રીકૄષ્ણે તેમને સુરક્ષિત કર્યા હતા, પરંતું પાંડવોના પાંચ પુત્રો જે દ્રૌપદીથી જન્મ્યા હતા તેઓ અને દ્રૌપદીનો ભાઈ ધ્રષ્ટદ્યુમ્ન ઊંઘી રહ્યા હતા તેમને અશ્વસ્થામાએ મારી નાખ્યા. જેથી ચારે બાજું હાહાકાર મચી ગયો, પાંડવો રડવા લાગ્યા, અમારા પુત્રો માર્યા ગયા. દ્રૌપદી ખુબ જ દુઃખી થઈ ગઈ. પાંચ યુવાન પુત્રો માર્યા ગયા હોય તે માતાની શું દશા થાય? દ્રૌપદી રડી રહી હતી, ત્યારે પાંડવોએ સોંગંધ લીધા અને અશ્વસ્થામાને પકડી લાવ્યા. જેવો અશ્વસ્થામા આવ્યો, અર્જુન અને ભીમે કહ્યું, દ્રૌપદી આદેશ કરો, શું કરીએ આનું? અત્યારે જ તમારી સામે આને સમાપ્ત કરી દઈએ. આણે આપણા પાંચ પુત્રોને મારી નાખ્યા છે, પરંતુ દ્રૌપદીએ કહ્યું કે, - આ મારી ગુરુમાતાનો પુત્ર છે. હું જાણું છું કે, જેનો પુત્ર ચાલ્યો જાય છે તેની માતાને કેટલું દુઃખ થાય છે. મારા તો પાંચ પુત્રો માર્યા ગયા છે. આને મારી નાખવમાં આવશે તો જે દુઃખ મને થઈ રહ્યું છે એ જ દુઃખ મારી ગુરુમાતાને થશે. તેથી આને છોડી દો.

  • ભગવાન ભક્તોનું ધ્યાન રાખે છે
ભીમે કહ્યું, તું આ શું કરી રહી છે? થોડા સમય પહેલાં તો કહેતી હતી કે, મારા પાંચ પુત્રોના હત્યારાને મારી સામે લાવો, હું તેને દંડ આપીશ અને હવે તું તેને મુક્ત કરી રહી છે. શ્રીકૄષ્ણ દ્રૌપદીને ખૂબ જ સારી રીતે જાણતા હતા, તે તેમની સખી હતી, તેમની બહેન હતી. શ્રીકૄષ્ણે કહ્યું, આ ખૂબ મહાન છે, તે આજનું નથી વિચારતી, પરંતુ આવતી કાલનું વિચારે છે. તેણે કહ્યું છે કે, આને છોડી દો, પરંતુ દંડ આપવામાં આવશે અને તેનો મણિ કાઢી લેવામાં આવી. બીજી બાજું જતાં જતાં અશ્વસ્થામાએ ઉત્તરાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્ર છોડી દીધું. હવે આપણે ભાગવતમાં મહાભારતના પ્રસંગોની ચર્ચા કરી રહ્યા છીએ. ઉત્તરા અભિમન્યુની પત્ની હતી. શ્રી કૄષ્ણ ઉત્તરાના મામા સસરા હતા. ઉત્તરા ગર્ભવતી હતી અને જેવું અશ્વસ્થામાએ તેન ગર્ભ પર બ્રહ્માસ્ત્ર છોડ્યું કે ચારે બાજુ ત્રાહીમામ થઈ ગયું. બીજી બાજુ કૄષ્ણજી વિચારી રહ્યા હતા કે, હવે મારે પરત દ્વારકા જવાનું છે, કૌરવ - પાંડવ યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે. શ્રીકૄષ્ણ જેવા જવા લાગ્યા, તેમણે જોયું ઉત્તરા દોડતી આવી રહી હતી. તેણે કહ્યું, "તમે ક્યાં જઈ રહ્યા છો? અશ્વસ્થામાએ મારા ગર્ભ પર બ્રહ્માસ્ત્ર છોડી દીધું છે. મારુ સંતાન સમાપ્ત થઈ જશે, મારી રક્ષા કરો". મહાભારતમાં એવો પ્રસંગ છે કે, ઉત્તરાને મૄત પુત્ર પ્રાપ્ત થયો હતો. ત્યારે શ્રીકૄષ્ણને બોલાવવામાં આવ્યા અને શ્રીકૄષ્ણે કહ્યું કે, જો મેં જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું હોય, પૂણ્ય કર્યા હોય તો હું સંકલ્પ લઉં છું કે, આ સંતાન જીવિત થઈ જાય અને એ બાળક જીવિત થઈ ગયો. જો કે, ભાગવત કંઈક જુદું જ કહે છે. ભાગવતમાં બતાવ્યા પ્રમાણે શ્રીકૄષ્ણે કહ્યું કે, - તું ચિંતા ન કર અને શ્રીકૄષ્ણ ઉત્તરાના ગર્ભમાં પેવેશ કરી ગયા.
  • ભગવાને પરીક્ષિતના ગર્ભની રક્ષા કરી હતી

શ્રી કૄષ્ણે ઉત્તરાના ગર્ભમાં જઈ બ્રહ્માસ્ત્રને શાંત કરી બાળકની રક્ષા કરી. તેથી જ્યારે આ બાળકનો જન્મ થયો ત્યારે તેણે કહ્યું, ગર્ભમાં મેં કોઈ ચતુર્ભુજ આકાર જોયો હતો. તે દરેક વ્યક્તિનું પરીક્ષણ કરવા લાગ્યો. તેથી તેનું નામ પરીક્ષિત રાખવામાં આવ્યું. ભગવાને પરીક્ષિતની ગર્ભમાં રક્ષા કરી હતી. ભગવાન ભક્તોની રક્ષા કરવા માટે હ્મદયમાં અને ઉદરમાં પણ આવે છે. પરીક્ષિતને બચાવવા માટે શ્રી કૄષ્ણ ઉત્તરાના ગર્ભમાં જતા રહ્યા. બીજી બાજુ દેવકીના ગર્ભમાં પ્રભુ ગયા ન હતાં. પરંતુ દેવકીને એવો આભાસ કરાવ્યો હતો કે તેઓ ગર્ભમાં આવી ગયા છે. જો કે જ્યારે જરુરિયાત ઈભી થઈ ત્યારે ભક્તની રક્ષા કરવા માટે પરમાત્મા ઉત્તરાના ગર્ભમાં જતા રહ્યા. ત્યારબાદ ભગવાને કહ્યું, હવે હું દ્વારકા જઈ રહ્યો છું. પોતાના રથ પર બેસી જેવા શ્રી કૄષ્ણ જવા લાગ્યા તેમની ફોઈ અને પાંચ પાંડવની માતાએ તેમનો રથ પકડી લીધો. ફોઈ આજે ભત્રીજાને અટકાવી રહ્યાં હતાં. શ્રી કૄષ્ણ રથ ઉપરથી નીચે ઉતર્યા. દરરોજ શ્રી કૄષ્ણ ફોઈને પહેલાં પ્રણામ કરતા હતા. પરંતુ આજે જેવા શ્રી કૄષ્ણ નીચે ઉતર્યા કુંતીએ તેમને પ્રણામ કર્યા. કૄષ્ણ બોલ્યા, ફોઈ આ તમે શું કરી રહ્યા છો? હું તમારો ભત્રીજો છું. કુંતીએ કહ્યું કે હું તો તને ત્યારથી ઓળખું છું જ્યારે તું માખણની ચોરી કરતો હતો, વાંસળી વગાડતો હતો, ગાયો ચરાવતો હતો. ત્યારબાદ તે કંસનું વધ કર્યું. હવે સાંભળ, તું ભગવાન છે અને અમે ભક્ત. ત્યારબાદ કુંતીએ શ્રી કૄષ્ણ સાથે ખૂબ સારી સારી વાતો કરી.

  • વિપરીત સંજોગોમાં પરમાત્મા યાદ આવે છે

ભાગવતમાં ફોઈ અને ભત્રીજાના સંબંધોને અદ્‌ભુત રીતે દર્શાવવામાં આવ્યા છે. ભાગવત એક પારિવારિક ગ્રંથ છે. એક એક સંબંધો અંગે ભાગવતમાં વિસ્તૄત માહિતી આપવામાં આવી છે. ફોઈને જ્યારે ભત્રીજા કે ભત્રીજી જુએ છે ત્યારે તેમાં પિતાનું અડધું રૂપ દેખાય છે, પરંતુ તે એક મહિલા છે. તેમાં સખતી પણ છે, પ્રેમ પણ છે અને વાત્સલ્ય પણ છે, મમતા છે તો પિતાનો ભય પણ છે. તે કહે છે આજે તું ભગવાન છે, તું આજે મને વરદાન આપીને જા. હું જાણું છું કે જીવન સમાપ્ત થવા જઈ રહ્યું છે. હું અને તું જીવનમાં ક્યારેય નહીં મળીએ. આજે એક વરદાન આપ. કુંતીએ શ્રી કૄષ્ણ પાસે જે વરદાન માગ્યું તે દુનિયામાં ક્યારેય કોઈએ માગ્યું નથી. આ મૌલિક અને વિચિત્ર વરદાન હતું. કુંતીએ કહ્યું કે, મેં સાંભળ્યું છે કે, માણસ સુખી હોય ત્યારે ભગવાનને ભૂલી જાય છે, તેથી હે કૄષ્ણ તું એક કામ કર, જીવનભર માટે દુઃખ આપતો જા. દુઃખમાં તારી ખૂબ યાદ આવે છે. વિપરીત સંજોગોમાં પરમાત્મા યાદ આવે છે. જ્યારે અમે ખૂબ સુખી હોઈશું, અમને બધું જ મળતું રહેશે તો અમે તને ભૂલી જઈશું. તેથી તું કંઈક એવું કર જેથી એવું લાગ્યા કરે કે કંઈક અનુકૂળ નથી. અને જો અનુકૂળ થઈ જાય તો આળસ આવી જશે. તેથી મને થોડું દુઃખ આપીને જા. શ્રી કૄષ્ણે કહ્યું કે, શું વાત કરો છો ફોઈ. કુંતીએ કહ્યું કે, હા મને દુઃખ આપીને જા. એટલું દુઃખ આપજે કે તારી યાદ ક્યારેય ન ભૂલાય. મહત્વની વાત તને યાદ કરવાનું છે. બાકીનાં સુખ દુઃખ તો ભૂલી જઈશું પણ તને યાદ કરતા રહીશું.

  • દુઃખ સારું, જે હરિનું નામ યાદ કરાવે

આવું સુખ શું કામનું જે હરિનું નામ ભૂલાવી દે અને કૄપા તો દુઃખની છે જે હરિનું નામ યાદ કરાવે. તે વારંવાર માગણી કરે છે કે તું મને દુઃખ આપતો જા. શ્રી કૃષ્ણને આશ્ચર્ય થયું. પરંતુ તેમણે કહ્યુંકે, ચાલો આજે હું તમારી ઈચ્છા પુરી કરું છું. કુંતીએ કહ્યું કે, એક દિવસ વધું રોકાઈ જા. ફોઈ ભત્રીજાને રોકી રહી હતી. શ્રી કૄષ્ણે વિચાર્યું કે ચાલો રોકાઈ જઈએ. આટલા દિવસ રોકાયા હસ્તીનાપુરમાં, મહાભારત પણ પૂર્ણ થયું. દ્વારકા જવાનું હતું, કેમ કે આગળની લીલા કરવાની હતી. ભગવાન પરત આવ્યા. જેવા હસ્તીનાપુરના રાજભવન પરત ફર્યા, તમામને એવું લાગ્યું કે અમારા કારણે રોકાયા છે. ઉત્તરા કહે છે કે મારા કારણે રોકાયા. અર્જુન કહે છે કે મારા કારણે રોકાયા. કુંતી કહે છે કે મેં રોકી લીધા. ભગવાન પોતાના કક્ષમાં બેસી ધ્યાન લગાવી રહ્યા હતા. તમામને આજે એવું જ હતું કે, મેં રોકી લીધા છે, પરંતુ ભગવાન વિચારી રહ્યા હતા કે, હું જેના કારણે રોકાયો છું, તે આ લોકો જાણતા જ નથી. હું કોના માટે રોકાયો છું. ભગવાન આંખો બંધ કરી બેઠા હતા, ત્યારે જ યુધિષ્ઠિર આવ્યા. યુધિષ્ઠિર રાજા બનવાના હતા. પાંડવ મહાભારત જીતી ગયા હતા. યુધિષ્ઠિરે જોયું, ભગવાન આંખો બંધ કરીને બેઠા છે, તેમને પ્રણામ કર્યા. તેમને પૂછ્યું - ભગવાન આખી દુનિયા તમને યાદ કરે છે, તમારું ધ્યાન કરે છે, પરંતુ તમે કોનું ધ્યાન કરી રહ્યા છો? ભગવાને આંખ ખોલી કહ્યું, હું ભીષ્મનું ધ્યાન કરી રહ્યો છું. આ સાચું છે કે, આખી દુનિયા મારું ધ્યાન કરે છે, પરંતુ હું હંમેશાં ભક્તનું ધ્યાન કરું છું.


  • વૃદ્ધાવસ્થા એ જીવનનો અંતિમ કાળ છે
મને ભીષ્મની યાદ આવી રહી છે. તમે રાજગાદી પર બેસવાના છો યુધિષ્ઠિર. આવો ચાલો ભીષ્મ પાસે જઈએ. ભીષ્મ દેહનો ત્યાગ કરવાના છે. તેઓ શૈયા પર પડ્યા છે. સૂર્ય ઉત્તરાયણમાં આવવાની તૈયારીમાં છે. ભીષ્મ પાસે ઈચ્છા મૄત્યુનું વરદાન હતું. તેથી ભીષ્મે નિર્ણય કર્યો કે મહાભારત સમાપ્ત થયા પછી હું દેહ ત્યાગનો ત્યાગ કરીશ. શ્રી કૄષ્ણે કહ્યું, "ચાલો તેમની પાસે જઈએ, હું ત્યાં જવાનો છું, તમે પણ સાથે ચાલો. તેમની પાસેથી રાજધર્મનું જ્ઞાન મેળવો." જે ક્યારેક હસ્તીનાપુરના રક્ષક હતા, પરમ બ્રહ્મચારી, જેમનાથી બ્રહ્માંડ પણ ભયભીત હતું, એક એક રાજા તેમના ઈશારે ચાલતા હતા, એવા મહાન પરાક્રમી ભીષ્મ આજે શૈયા પર પડ્યા હતા. ભગવાનને જોઈ ભીષ્મ હાથ પણ ન ઉઠાવી શક્યા કેમ કે, તેમના હાથોમાં પણ તીર વાગ્યાં હતાં. ગરદન પણ ન ઝુકાવી શક્યા. ભીષ્મે કહ્યું, "વાસુદેવ તમે આવી ગયા. હું તમારી જ પ્રતીક્ષા કરી રહ્યો હતો. " ભગવાન કૃષ્ણને વાસુદેવ નામ ભીષ્મે આપ્યું હતું. તેમણે કહ્યું, વાસુદેવ આજે હું તમને નમન પણ નથી કરી શકતો." કેટલો લાચાર થઈ જાય છે વ્યક્તિ પોતાના અંતિમ દિવસોમાં. જે ક્યારેક મોટા મોટા શસ્ત્રો ઉઠાવતા હતા, એ હાથ આજે હાલી પણ શકતા નથી. આ વૄદ્ધાવસ્થા છે, આ જીવનનો અંતિમ કાળ છે, તમામને એક દિવસ આ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. ભગવાને કહ્યું, તમે આ જ રીતે રહો, કોઈ વાત નથી, પ્રણામ કરવાનો કષ્ટ ન કરો. મેં મારું વચન નિભાવ્યું છે. મેં તમને વચન આપ્યું હતું કે, હું તમારા અંતિમ સમયમાં તમારી પાસે આવીશ, તેથી હું આવી ગયો છું.
  • એક ઘટનાથી વ્યક્તિનું મૂલ્યાંકન ન થાય
મારું તમને એક નિવેદન છે કે, યુધિષ્ઠિર રાજા બનવાના છે. તેથી તમે એમને રાજધર્મનું જ્ઞાન આપો. જેવા ભીષ્મ રાજધર્મ વિશે બોલવાનું શરૂ કરે છે, એક અટ્‌હાસ્ય સંભળાય છે. લોકોએ જોયું તો દ્રૌપદી હસી રહી હતી. દ્રૌપદીએ કહ્યું, "પિતામહ, તમે કયા રાજધર્મની વાત કરો છો? આ રાજધર્મ અને ધર્મ એ વખતે ક્યાં હતું જ્યારે ભરચક સભામાં મને ખેંચીને લાવવામાં આવી હતી અને દુર્યોધનના આદેશથી મારું અપમાન કરવામાં આવ્યું હતું? તમે એ સભામાં મૌન હતા, ત્યારે તમારો ધર્મ ક્યાં હતો? દ્રૌપદીના શબ્દો સાંભળી ભીષ્મ મૌન થઈ ગયા. પરંતુ મોટા મોટા પ્રશ્નના જવાબ શ્રી કૄષ્ણ પાસે હોય છે. આજે ફરીથી શ્રી કૄષ્ણ બોલ્યા, દ્રૌપદી મારી વાત સાંભળો. મારી બહેન, હું જાણું છું કે તારું અપમાન થયું છે, જે ખુબ ઘૄણાસ્પદ હતું. ઈતિહાસ હંમેશાં આ ઘટના અંગે આંખો નમાવી લેશે, પરંતુ પાંચાલી એક વાત યાદ રાખજે, તે જે વ્યક્તિ પર આજે આરોપ મૂક્યા છે તે વ્યક્તિ જ એકમાત્ર ઘટનાનો સાક્ષી નથી. કોઈ એક ઘટના માટે કોઈ વ્યક્તિનું મૂલ્યાંકન ન કરવું જોઈએ. વ્યક્તિ ઘટનાઓનો સરવાળો હોય છે. જે ભીષ્મને તું કહે છે કે તેમનો રાજધર્મ ખંડિત થઈ ગયો છે.કોઈ પણ વ્યક્તિનું મૂલ્યાંકન આ રીતે ન કરવું જોઈએ.
  • જીવન ખંડિત કરનાર પરેશાન થાય છે
કોઈ એક પરિસ્થિતિમાં પતિત વ્યક્તિ બીજી પરિસ્થિતિમાં પૂણ્યાત્મા થઈ શકે છે. કોઈ એક પરિસ્થિતિમાં ખૂબ જ સારું કામ કરનાર વ્યક્તિ ક્યાંક નીચે પડી શકે છે. મોટી મોટી વ્યક્તિઓ ખંડિત થઈ જાય છે. વ્યક્તિ એક ઘટના છે. જીવન આખો સરવાળો છે તેને તોડીને ન જોઈ શકાય. જે લોકો જીવનને ખંડિત કરીને જોશે તેઓ પરેશાન થઈ જશે. આમને ઓળખો, પાંચાલી, તેઓ ભીષ્મ છે. પાંચાલી શ્રી કૄષ્ણની વાતો સાંભળી ચૂપ થઈ ગઈ, ત્યારે ભીષ્મે કહ્યું, શ્રી કૃષ્ણ ! હું રાજધર્મની શિક્ષા તો આપીશ, પણ હું તેમને એક પ્રશ્ન પૂછું છું. પહેલાં તમે જવાબ આપો. કૄષ્ણે કહ્યું, પૂછો અને ભીષ્મે એક સારો પ્રશ્ન કર્યો. શ્રી કૃષ્ણે જે જવાબ આપ્યો તે આપણા માટે ખૂબ કામનો છે. ભીષ્મે પ્રશ્ન કર્યો કે, મારું જીવન બ્રહ્મચારી તરીકે, યોદ્ધા તરીકે તેમજ રાજપુરુષ તરીકે નિષ્કલંક રહ્યું, મેં ક્યારેય કોઈ પાપ નથી કર્યું, અનુચિત વલણ ક્યારેય દાખવ્યું નથી, તેમ છતાં મને જીવનમાં આજે આવો દિવસ જોવાનો વારો આવ્યો છે. હું આ રીતે પડ્યો છું, મારા વંશનો વિનાશ થઈ ગયો. મારા વંશનું નામ લેનાર પણ કોઈ નથી રહ્યું. મારાથી શું પાપ થયું હતું કે આજે આ દિવસ જોવાનો વારો આવ્યો છે? મને આનો જવાબ આપો, વાસુદેવ. શ્રી કૄષ્ણે હસીને કહ્યું, ભીષ્મ, ગાંગેય તમે ભૂલી ગયા, તમે એક પાપ કર્યું હતું. ભીષ્મ બોલ્યા, મેં ક્યારેય કોઈ પાપ નથી કર્યું. શ્રી કૄષ્ણે કહ્યું, લોકોના પાપનો હિસાબ રાખવો જ ભગવાનનું કામ છે. લોકો હિસાબ નથી રાખતા, હું રાખું છું. હું તમને બતાવું છું, તમે કયું પાપ કર્યું હતું.
  • ભગવાન રાખે છે પાપનો હિસાબ
શ્રી કૄષ્ણ હસીને બોલ્યા, ભીષ્મ, ગાંગેય તમે ભૂલી ગયા કે તમે એક પાપ કર્યું હતું. ભીષ્મ બોલ્યા કે, મેં ક્યારેય કોઈ પાપ નથી કર્યું. શ્રી કૃષ્ણે કહ્યું કે, ભગવાનનું કામ જ લોકોના પાપનું હિસાબ રાખવાનું છે. લોકો હિસાબ નથી રાખતા, હું રાખું છું. હું બતાવું છે કે તમે શું પાપ કર્યું હતું. જુગારમાં હારેલી દ્રૌપદી હવે કૌરવોની સંપત્તિ થઈ ગઈ છે તેમ કહીને તેને રાજસભામાં લાવવામાં આવી હતી. યુધિષ્ઠિર પોતાનું બધું હારી ગયા હતા અને ત્યારબાદ પાંચાલીને દાવ પર લગાવી હતી. એ સમયે સભામાં દ્રૌપદીએ એક મૌલિક પ્રશ્ન કર્યો હતો. દ્રૌપદીએ કહ્યું હતું કે, પાંડવો હારી ગયા છે. રાજ હાર્યા અને છેવટે તેમણે મને દાવ પર લગાવી. ત્યારે હું પૂછું છું કે, જે રાજા, જે પતિ ખુદને હારી ચૂક્યો હોય તે બીજાને કઈ રીતે દાવ પર લગાવી શકે? તેનો અધિકાર સમાપ્ત થઈ ગયો હતો. હારેલી વ્યક્તિ ફરી કઈ રીતે દાવ લગાવી શકે છે? ત્યારે રાજસભાંમાં બે મત થઈ ગયા હતા. વિદુરે કહ્યું હતું કે, દ્રૌપદી સાચું બોલી રહી છે. તે સમયે દ્રૌપદીએ તમને જોઈને કહ્યું હતું કે, પિતામહ તમે આ કૂળના શીર્ષ પુરુષ છો, પૂજ્ય છો, તમે જ નિર્ણય કરો. શું કોઈ હારેલી વ્યક્તિ કોઈને દાવ પર લગાવી શકે ખરી? મને દુર્યોધન કઈ રીતે જીતી શકે છે? પરંતુ તે સમયે તમે આંખો નમાવી લીધી હતી. તમે કહ્યું હતું કે, હું દુર્યોધનનું અનાજ ખાઉં છું. દુર્યોધન રાજા છે, તેથી તેની વિરુદ્ધ બોલી નહીં શકું. તમે કહ્યું હતું કે, મેં સોંગંધ લીધા છે કે હું હસ્તીનાપુરની રાજગાદી સુરક્ષિત રાખીશ. મારી નિષ્ઠા કુરુવંશ સાથે જોડાયેલી છે અને ત્યારબાદ તમે ગરદનનીચે નમાવી દીધી હતી. તમે આજ પાપ કર્યું હતું.
  • જીવન સંતુલનનું નામ છે

શ્રી કૄષ્ણ ભીષ્મને કહી રહ્યા હતા કે, ભીષ્મ યાદ રાખો, જીવનમાં પોતાના સોગંધ, પોતાના સંકલ્પો, પોતાના નિર્ણયો, પોતાની પરંપરા, મૂલ્ય, સિદ્ધાંતોના પુનઃમૂલ્યાંકન કરતા રહેવું જોઈએ. ૫૦ વર્ષ પહેલાં તમે સોગંધ લીધા હતા કે, હું હસ્તિનાપુરની રાજગાદીની રક્ષા કરીશ. તે સમયે રાજગાદી પર ચિત્રાંગદ અને વિચિત્રવિર્ય હતા. રાજગાદી પર ૫૦ વર્ષ બાદ દુર્યોધન જેવો દુષ્ટ બેઠો ત્યારે પણ તમે પોતાના સોગંધ પર મક્કમ રહ્યા. પોતાના સોગંધ, પોતાના નિર્ણયો અને સંકલ્પનું મૂલ્યાંકન કરતા રહેવું જોઈએ. પુનઃમૂલ્યાંકન કરો, ત્યારે દેશ, કાળ અને પરિસ્થિતિ બદલાઈ જાય છે. શ્રી કૄષ્ણનો આ સંવાદ આપણા માટે પણ માર્ગદર્શક છે. ૧૦૦ વર્ષ કે ૫૦ વર્ષ કે ૨૫ વર્ષ પહેલાં આપણા ઘરની કોઈ પરંપરા જીવન કે વ્યવસ્થાની પરંપરાઓ હોય તો તેનું પુનઃમૂલ્યાંકન કરી તેને આવશ્યકતા મુજબ બદલવું જોઈએ. ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું કે, તમે હતા ત્યાંના ત્યાં જ રહ્યા. પોતાની પ્રતિજ્ઞા લઈ મક્કમ રહ્યા. પોતાના નિર્ણયોની પુષ્ટિ ભગવાન પાસે કરાવતા રહેવું જોઈએ. આ સિદ્ધાંતની વાત છે કે, આપણે જીવનમાં જે પણ નિર્ણય લઈએ તે ૨૫ વર્ષે, ૫૦ વર્ષે કે ૭૫ વર્ષની ઉંમરે કંઈક જુદું જ હશે. પરંતુ તેનું પુનઃમૂલ્યાકન કરો અને ભગવાનથી તેનું સમર્થન કરાવો. પાંડવો પોતાના તમામ નિર્ણયોની પુષ્ટિ ભગવાનથી કરાવતા રહ્યા અને તમારાથી આજ ભૂલ થઈ ગઈ. તમે પ્રતિજ્ઞાના નામે મક્કમ રહ્યા. શ્રી કૃષ્ણે કહ્યું, જીવન જડ નથી, જીવન સંતુલનનું નામ છે. જે લોકો જીવનને જડની જેમ જીવે છે તેઓ એક દિવસ ચોક્કસ પરેશાન થઈ જાય છે. જીવન સંતુલન હોય છે, પ્રેમ અને કર્મનું સંતુલન, તમામ પ્રકારનું સંતુલન.

  • વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો
શ્રી કૄષ્ણે કહ્યું, આટલો મોટો કુરુવંશ હતો. હું કેવી રીતે સંબંધો જાળવતો હતો એ હું જ જાણું છું. શ્રી કૃષ્ણ હસીને બોલ્યા, તમે હસ્તિનાપુરની ગાદીને સુરક્ષિત રાખી, પરંતુ આજુબાજુના વાતાવરણને તમે પરિવર્તિત ન કર્યું. આ તમારી મોટી ભૂલ હતી. તેમને એ ખબર હોવી જોઈએ કે વંશમાં પેઢી બદલાઈ રહી છે, કેટલાક ખોટા લોકો પ્રવેશી ગયા હતા તેમ છતાં તમે એ સોગંધ પર મક્કમ રહ્યા. દુર્યોધન ભ્રષ્ટ થયો એ તમારી ભૂલ હતી. ભીષ્મે આંખો નમાવી લીધી. ભગવાને ભીષ્મને જે સંદેશ આપ્યો એ આપણા માટે પણ મહત્વનો છે. ભીષ્મે કહ્યું, હું તમને પ્રણામ કરું છું અને તેમણે આભાર વ્યક્ત કર્યો. ત્યારબાદ તેમણે ધર્મરાજને ઉપદેશ આપ્યો. સ્ત્રીધર્મ, આપદ ધર્મ, રાજધર્મ, મોક્ષધર્મ વગેરે સમસ્યાઓનું મહાભારતના શાંતિ પર્વમાં વિસ્તારથી વર્ણન આવે છે. ત્યારબાદ વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠને ધર્મ તરીકે બતાવવામાં આવ્યો છે. હવે ભીષ્મ પ્રાણ ત્યાગવાની તૈયારીમાં છે. મહાભારતના યુદ્ધ દરમ્યાન ભીષ્મે શ્રી કૃષ્ણને વિનંતી કરી વચન માગ્યું હતું કે, જે દિવસે મારું મૄત્ય થાય એ સમયે તમે ચોક્કસ હાજર રહેજો. હવે શ્રી કૃષ્ણ ત્યાં હાજર હતા. તેમણે કહ્યું, ભીષ્મ હવે પ્રાણ ત્યાગો, આજે કૃષ્ણ અહીં ઊભા છે. એવું કહેવાય છે કે, કોઈનું મૃત્યુ થાય તો પાંચ લોકો અને ઘરવાળા રડે છે. કોઈ મોટી વ્યક્તિ હોય તો પચાસ લોકો રડે છે. કોઈ વધું મોટી વ્યક્તિ હોય તો આખું શહેર રડે છે. તેનાથી પણ મહાન વ્યક્તિ હોય તો સંપૂર્ણ રાષ્ટ્ર રડે છે, પરંતુ તમે વિચાર કરો, કેવું દિવ્ય મૃત્યુ હશે કે જેના મૃત્યુ વખતે ભગવાન પણ રડવા લાગ્યા. ભીષ્મનું આવું મૃત્યુ થયું હતું.
  • પરીક્ષિતને ગર્ભમાં જ ભગવાન દેખાયા

પ્રથમ સ્કંધમાં ભીષ્મના ચરિત્રનું વર્ણન ભાગવતના કથાકર કહી રહ્યા છે. ભીષ્મનું ગમન થયું. ભીષ્મને ભગવાને વિદાય આપી. ભગવાન શ્રી કૄષ્ણ મહાભારતે સ્માપ્ત કરવા જઈ રહ્યા છે. ભગવાને કહ્યું, મારો સમય સમાપ્ત થઈ ગયો. હવે મારે દ્વારકા જવું છે. ભગવાન દ્વારકા જવા લાગ્યા ત્યારે તેમણે પાંડવોને કહ્યું, હવે તમે લોકો તમારું જીવન શરું કરો. ભગવાન દ્વારકા ગયા, યદુ વંશનો નાશ થયો અને દ્વારકા ડૂબી ગઈ એવી પણ કથા છે. બારમા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા આવે છે. ઉત્તરાએ બાળકને જન્મ આપ્યો અને તે ચારે બાજું જોવા લાગ્યો. તેણે કહ્યું, માતાના ઉદરમાં મને ચતુર્ભુજ સ્વરુપનો જે પુરૂષ દેખાતો હતો તે ક્યાં છે? પરીક્ષિત ભાગ્યશાળી હતો કે તેને માતાના ગર્ભમાં જ ભગવાનના દર્શન થયા હતા. યુધિષ્ઠિરે બ્રાહ્મણોને પૂછ્યું કે, આ બાળક કેવો હશે? બ્રાહ્મણોએ કહ્યું કે, આમ તો તમામ ગ્રહ દિવ્ય હોય છે, પરંતુ મૄત્યુ સ્થાનમાં કંઈક ગરબડ છે. આનું મૃત્યુ સર્પ દંશથી થશે. આ સંભળી ધર્મરાજ યુધિષ્ઠિરને દુઃખ થયું કે મારા વંશનો પુત્ર સર્પ દંશથી મરશે અને સંસારની આ અદ્‌ભૂત અને દિવ્ય ઘટના બની જશે. જો કે બ્રાહ્મણોએ આશ્વાસન આપ્યું કે, કે કંઈ થશે, તેનાથી સદ્‌ગતિ મળશે. ચૌદમા અને પંદરમા અધ્યાયમાં પાંડવોના મોક્ષની કથા આવે છે. વિદુર મહાભારત યુદ્ધ દરમ્યાન હસ્તિનાપુર છોડી ગયા હતા.

  • ભગવાનની ઉપસ્થિતિમાં જ તાકાત છે
વિદુરને માહિતિ મળી કે તમામ કૌરવોનો વિનાશ થઈ ચૂક્યો છે અને ધર્મરાજ યુધિષ્ઠિર રાજસિંહાસન પર બેસી ગયા છે. ફક્ત તેમનો ભાઈ ધૃતરાષ્ટ્ર જ ધર્મરાજના ત્યાં મુઠ્ઠીભર અનાજ ખાવા માટે બચી ગયો છે. આ સાંભળી મધ્યરાત્રીએ વિદુરજી ધૄતરાષ્ટ્ર અને ગાંધારીને લઈ વનમાં સપ્ત સ્ત્રોત તીર્થ જતા રહ્યા. ભગવાને જતાં જતાં અર્જુનને પોતાના યદુવંશની સ્ત્રીઓ અને સંપત્તિ સોંપી દીધી અને કહ્યું કે, તમે એમને લઈ હસ્તિનાપુર જતા રહો, કેમ કે હવે રાક્ષસો આક્રમણ કરશે અને દ્વારકા ડૂબી જશે. અર્જુન તેમને લઈને આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં લુંટારુંઓએ હુમલો કર્યો અને અર્જુન હારી ગયો. અર્જુન પરાજિત થઈ ને આવ્યો જોઈ યુધિષ્ઠિરે પૂછ્યું, અર્જુન તું તો દ્વારકા ગયો હતો, ભગવાન શ્રી કૄષ્ણ અને તેમના સભ્યોને લેવા, ભગવાન ક્યાં છે? શું થયું, તારો ચહેરો ઉદાસ કેમ છે? જેના માટે અર્જુન ઓળખાતો હતો, એ તારા ચહેરાનું તેજ ક્યાં છે? અર્જુને કહ્યું અમે લુંટાઈ ગયા. ભગવાન જતા રહ્યા. તેઓ સ્વધામ જતા રહ્યા. જ્યારે હું સ્ત્રીઓને લઈને આવી આવી રહ્યો હતો ત્યારે લૂટારુંએ મને લુટી લીધો. હું ગાંડીવ ઊઠાવતો હતો ત્યારે મારું શસ્ત્ર ઉઠતું ન હતું.
  • ભગવાનને હંમેશાં જીવનના કેન્દ્રમાં રાખો
યુધિષ્ઠિરે કહ્યું કે, આજે મને સમજાઈ ગયું કે આપણે પાંડવો પાસે કોઈ તાકાત ન હતી, તાકાત તો તેમની હતી. તું તારા ગાંડીવથી મોટા મોટા યોદ્ધાઓને પરાજીત કરતો હતો અને લુંટારાઓથી તું પરજીત થઈ ગયો. તારા ગાંડીવમાં તાકાત ન હતી, તાકાત તો તેમની ઉપસ્થિતિમાં હતી. જીવનમાં પરમાત્માની ઉપસ્થિતિની જ તાકાત હોય છે. તેમના ગયા બાદ અમે બેકાર થઈ ગયા. તેથી ભગવાનને હંમેશાં કેન્દ્રમાં રાખો. સ્વર્ગારોહણ વખતે દ્રૌપદી સૌથી પહેલાં પડી ગઈ તેનું કારણ એ હતું કે, પાંચ પતિઓમાં અર્જુનને તે સૌથી વધું પ્રેમ કરતી હતી, ભેદભાવ રાખતી હતી. ત્યારબાદ સહદેવનું પતન થયું કેમ કે તેને જ્ઞાનનું અભિમાન હતું. નકુલના પતનનું કારણ તેને તેના સ્વરુપનું અભિમાન હતું. અર્જુનના પતનનું કારણ તેને તેના બળનું અભિમાન હતું. ભીમ વધારે ખાવાના કારણે પતનને પામ્યો. ત્યારબાદ એકલા યુધિષ્ઠિર સ્વર્ગમાં ગયા. ત્યાં તેમણે ભાઈઓ અને પત્નીને જોઈ અને તમામને મુક્તિ અપાવી.
  • ધર્મનાં ચાર ચરણ હોય છે
હવે પરીક્ષિત રાજ કરવા લાગ્યા. તેમણે ધર્મના આધારે પ્રજાની રક્ષા કરી. ત્રણ અશ્વમેઘ યજ્ઞ કર્યા. તેમના રાજમાં બધા જ ખુશ હતા. જન્મના સમયે જ્યોતિષીઓએ જે ગુણોનું વર્ણન કર્યું હતું, એ બધા જ તેમનામાં દેખાવા લાગ્યા. ઉચિત સમયે તેમણે ઉત્તરની કન્યા દરાવતી સાથે લગ્ન કર્યા, જેનાથી જનમેજય સહિત ચાર પુત્રો અવત્રર્યા. એક સમયે તેમણે એક નબળા બળદ અને ખૂબ જ કમજોર ગાયને રડતી જોઈ. ખરેખર એ બળદ ધર્મ હતો અને ગાય તરીકે પૃથ્વી હતી. પરીક્ષિતે જોયું કે, રાજાનું રુપ ધારણ કરી એક શુદ્ર સતત તેમની પર ચાબુકથી પ્રહાર કરી રહ્યો હતો. એ રાજાનું રૂપ ધારણ કરનાર બીજો કોઈ નહીં પણ કલિ હતો. રાજાથી આ અન્યાય સહન ન થયો. તેમને એ કલિનો હાથ પકડી લીધો અને પૂછ્યું કે, આ નબળાને કેમ સતાવી રહ્યો છે? પરીક્ષિતને ખબર ન હતી કે તે ધર્મ રૂપી બળદ અને કલિ રૂપી શુદ્ર છે. ત્યારે બળદે પોતાનો વાસ્તવિક પરિચય આપ્યો, ગાયે પોતાનો પરિચય આપ્યો. બળદ રૂપી ધર્મને એક જ પગ હતો, બાકીના ત્રણ પગ તૂટી ગયા હતા. ધર્મના ચાર ચરણ હોય છે - સત્ય, તપ, પવિત્રતા અને દાન. ગાય રુપી પૄથ્વીનું શરીર જર્જર, ફક્ત અસ્થિપિંજર બચ્યું હતું. ત્યારે રાજાથી તેમની આ દુર્દશા સહન ન થતાં તેમણે પ્રતિજ્ઞા કરતાં કહ્યું કે, તમે નિશ્ચિંત રહો, હું આ કલિયુગનો સર્વનાશ કરીને જ રહીશ. સતયુગમાં ધર્મના ચાર ચરણ હતા. ત્રેતાયુગમાં સત્ય જતું રહ્યું, દ્વાપરયુગમાં સત્ય અને તપ ન રહ્યાં અને કલિયુગમાં સત્ય અને તપની સાથે પવિત્રતા પણ જતી રહી. કલિયુગમાં ફક્ત દાન અને દયાના આધારે ધર્મ ટકી રહ્યો છે.
  • કલિયુગે રાજાથી અભયદાન માગી લીધું

રાજાની પ્રતિજ્ઞા જ્યારે કલિયુગે સાંભળી ત્યારે તે ભયભીત થઈ ગયો અને રાજાની શરણમાં ગયો. શરણાગત થયેલાને રાજા સન્માન આપતા હતા. તેથી કલિયુગે અભયદાન માગી લીધું અને ત્યારબાદ પોતાનો વાસ્તવિક પરિચય આપ્યો. ત્યારે પરીક્ષિતને ખૂબ ગુસ્સો આવ્યો, પરંતુ તેઓ આપેલું દાન પરત લઈ શકતા ન હતા. હવે પરીક્ષિતના હાથમાંથી વાત નીકળી ગઈ હતી. તેથી તેમણે કલિયુગને પોતાના રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો. બહાર જવાનો આદેશ સાંભળી કલિયુગે ખુબ ચતુરાઈ પૂર્વક કહ્યું કે, હું જ્યાં પણ રહીશ, સશસ્ત્ર રાજાને પોતાની સમક્ષ જ જોઈશ. તેથી ભયના કારણે હું કંઈ પણ નહીં કરી શકું, તેથી હું અભય કઈ રીતે થયો? તમે મને દેશમાંથી બહાર જવાનો આદેશ ન આપો. તેથી પરીક્ષિતને દયા આવી ગઈ. તેમણે કહ્યું, મદિરા, જુગાર, વ્યભિચાર અને હિંસા આ ચાર સ્થળોએ તમે રહી શકો છો. કલિયુગે ફરીથી વિનંતિ કરી કે, તેને વધું એક સ્થળ આપવામાં આવે. એ પાંચમું સ્થળ સ્વર્ણ હતું. રાજા પરીક્ષિતે તેને સ્વીકૃતિ આપી દીધી. સમય પસાર થતો ગયો, એક દિવસ પરીક્ષિતને ઇચ્છા થઈ કે ચાલો ઘરમાં જોઈએ કે દાદાએ મારા માટે શું શું રાખી મૂક્યું છે. પરીક્ષિતને એક પેટીમાંથી સ્વર્ણ મુકુટ મળ્યો. કંઈ પણ વિચાર્યા વગર રાજાએ એ મુકુટ પહેરી લીધો. આ મુકુટ જરાસંઘનો હતો. પાંડવોએ જ્યારે જરાસંઘનો વધ કર્યો હતો ત્યારે જરાસંઘના પુત્ર સહદેવે આ મુકુટ માગ્યો હતો કે મારા પિતાનો મુકુટ મને આપી દો. તેમ છતાં ભીમ બળ જબરી પૂર્વક આ મુકુટ લઈને આવતા રહ્યા હતા.

  • અનીતિથી કમાયેલું ધન દુઃખ આપે છે
બળજબરીથી લાવમાં આવેલ મુકુટ એ અનીતિનું ધન હતું. અનીતિથી કમાયેલું ધન, એ ધન કમાનાર તેમજ તેના વારસદારોને પણ દુઃખ આપે છે, તેથી જ આ મુકુટને પેટીમાં બંધ રાખવામાં અવ્યો હતો. પરીક્ષિતે મુકુટ પહેરી લીધો. અધાર્મિક વ્યક્તિનો આ મુકુટ અધર્મથી લાવવામાં આવ્યો હતો. તેથી તેના માધ્યમથી કલિએ પરીક્ષિતની બુદ્ધિમાં પ્રવેશ કરી લીધો. બીજી બાજું રાજાએ ધર્મના બાકીના ત્રણ પગ વ્યવસ્થિત કરી લીધા અને પૃથ્વીને પણ સાંત્વના આપી. પ્રભુની માયા વિચિત્ર છે. જે કલિયુગને રાજા પરીક્ષિત પોતાના રાજ્યમાં પણ રાખવા માગતા ન હતા, તે કલિયુગને રાજાના મુકુટમાં જ સ્થાન મળી ગયું. એક દિવસ પરીક્ષિત શિકાર ખેલવા ગયા. મૄગ પાછળ દોડતા દોડતા તેઓ ખૂબ જ થાકી ગયા, તરસ લાગતાં તેઓ શમીક ઋષિના આશ્રમમાં ગયા. શમીકજી ધ્યાનમગ્ન હતા. પરીક્ષિતે વિચાર્યું કે તેઓ મારી વાત નથી સાંભળતા. ભૂખ અને તરસના કારણે રાજાએ પોતાનો વિવેક ગુમાવી દીધો. તેમણે લાકડીથી એક મૃત સર્પને શમીક ઋષીના ગળામાં નાખી દીધો અને ત્યાંથી જતા રહ્યા. તેમ છતાં શમીક ૠષિની સમાધિ ભંગ ન થઈ. શમીક ઋષીના પુત્ર શ્રૄગી ત્યાં પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે, કોઈએ મૃત સર્પ તેમના પિતાના ગળામાં નાખી દીધો છે. તેઓ સમજી ગયા કે ચોક્કસ કોઈ રાજા અહીં આવ્યો છે. તેમને ખૂબ જ ગુસ્સો આવ્યો. તેઓ કૌશિકી નદી પર ગયા.
  • સુશાસન માટે દંડધારી શાસક જરૂરી
શમીક ઋષિન પુત્ર શૃગીએ આક્રોશ સાથે નદીના જળનું આચમન કર્યું અને સંકલ્પ લઈ જળ છોડતાં બોલ્યા કે, મારા સમાધિસ્થ પૂજ્ય પિતાના ગળામાં જે રાજાએ મૃતસર્પ નાખ્યો છે, આજથી ઠીક સાતમા દિવસે સર્પરાજ તક્ષક તેને પોતાના ડંખથી યમલોક પહોંચાડી દે. ત્યારબાદ તેઓ આશ્રમમાં પરત આવ્યા. જ્યાં પિતાના ગળામાં મૃતસર્પ જોઈને તેઓ રડવા લાગ્યા. તેથી પિતાનું ધ્યાન ભંગ થતાં તેમની સમાધિ છુટી ગઈ. તેઓ સમજી ગયા કે, કોઈએ મૃતસર્પ ગળામાં નાખી દીધો છે. શૄગીથી પૂછતાં તેમણે કહ્યું કે, જેણે તમાર ગળામાં સર્પ નાખો છે, તેને મેં શ્રાપ આપી દીધો છે. ઋષિએ ધ્યાન લગાવી જોયું અને સમજી ગયા કે રાજા પરીક્ષિત જ અહીં આવ્યા હશે અને અજાણતા જ તેમનાથી ભૂલ થઈ ગઈ. મારા પુત્રે આ નાનકડી ભૂલની આટલી મોટી સજા આપી દીધી, આ સારું ન થયું. જો રાજા પરીક્ષિત નહીં હોય તો પૃથ્વી પર અરાજકતા ફેલાઈ જશે. દંડધારી શાસક હોવાથી જ તપ, યજ્ઞ, સમાધિ વગેરે અનુષ્ઠાન સંપન્ન થઈ શકે છે. ઋષિપુત્રે શ્રાપ આપી દીધો છે હવે તેનું નિરાકરણ કઈ રીતે થાય? રાજાને જ્યારે શ્રાપ અંગે જ્ઞાન થયું ત્યારે તેમણે પ્રભુની આજ્ઞા માની તેને શિરોધાર્ય કરી રાજપાટ છોડી દીધું. તેમણે નક્કી કર્યું કે, જેટલા પણ દિવસ બાકી છે તેઓ ભગવાનની ભક્તિ કરશે. આ વિચાર સાથે તેઓ ગંગાના કિનારે જતા રહ્યા અને સંકલ્પ કર્યો કે, મૃત્યુ સુધી તેઓ ખાધા પીધા વગર તપસ્યા કરશે.
  • પાપને છુપાવો નહીં, પુણ્યને જાહેર ન કરો
ઋષુમુનિઓને જ્યારે આ સમાચારની જાણ થઈ તો તેઓ રાજા પાસે તેમના આશ્રમે પહોંચ્યા. જેમાં મુખ્ય હતા, અત્રી, વશિષ્ઠ, અવન અરિષ્ઠનેમી, અગીરા, પારાશર, વિશ્વામિત્ર, પરશુરામ, ભૃગુ, ભારદ્વાજ, ગૌતમ, પિપ્લાદ, મૈત્રેય, અગસ્ત્ય અને વેદ વ્યાસજી. નારદ પણ ત્યાં પહોંચી ગયા. જરા વિચારો કે આ કેવું અદ્‌ભુત દ્રશ્ય હશે? રાજા પાસે તમામ સંતો એકત્ર થઈ ગયા. રાજાએ પોતાની વાત એ તમામ ઋષિઓને જણાવી દીધી. સામાન્ય રીતે લોકો પોતાનું પાપ છુપાવે છે અને પુણ્યની વાતો બધાની સામે જાહેર કરે છે, પરંતુ રાજાએ પોતાનું પાપ જાહેર કરી દીધું. પાપને છુપાવો નહીં અને પૂણ્યને જાહેર ન કરો. સમાજ સામે પાપ સ્વીકારવાથી પાપ કરવાની ટેવ છૂટી જાય છે. રાજાએ તમામને પ્રણામ કર્યા અને કહ્યું કે, હવે હું મારું શેષ જીવન આ જ રીતે વ્યતિત કરીશ. તેથી તમામ ઋષિમુનિઓએ વિચાર કર્યો કે, જ્યાં સુધી તમે જીવિત રહેશો ત્યાં સુધી તેઓ બધા અહીં જ રોકાશે અને ધર્મોપદેશ આપશે. ઋષિઓએ રાજાને અલગ અલગ ઉપદેશ આપવા માંડ્યા. એ દરમ્યાન અચાનક શુકદેવજી પણ ત્યાં હાજર થઈ ગયા. તમામે તેમનું યોગ્ય સન્માન કર્યું અને તેમને યોગ્ય આસન પર બેસાડ્યા. રાજાએ સંક્ષેપમાં પોતાની કથા શુકદેવજી મહારાજને સંભળાવી અને કલ્યાણની ઈચ્છા વ્યક્ત કરી. રાજાએ કહ્યું કે, તેમનો ઉદ્ધાર થાય તેવો કોઈ ઉપાય બતાવો. જીવના કરણીકર્મનો જ ઉપદેશ આપો. એક મૄત્યુને ભેટનાર વ્યક્તિએ શું કરવું જોઈએ એ અંગે ઉપદેશ આપો.
  • નારાયણનું સ્મરણ કરો, જીવન ધન્ય થશે
રાજાનો પ્રશ્ન સાંભળી શુકદેવજી મૌન થઈ ગયા અને રાજાની ભાવનાઓ જાણી અને તેમને ઉપદેશ આપવાની શરુઆત કરી. આ પરિસ્થિતિને જોઈ પરીક્ષિત પોતાની જાતને ધન્ય ગણી. શુકદેવજીએ કહ્યું, જે સમય વ્યતિત થઈ ગયો, એને યાદ ન કરો, ભવિષ્ય અંગે વિચાર ન કરો અને ફક્ત વર્તમાનને જ સુધારો. તમારા જીવનના સાત દિવસ બાકી રહી ગયા છે. નારાયણનું સ્મરણ કરો. તમારું જીવન ચોક્કસ ધન્ય થઈ જશે અને આ રીતે વ્યાસજી પ્રથમ સ્કંધને સમાપ્ત કરે છે. આપણે પરીક્ષિતથી શીખવું જોઈએ કે સંકટ સમયે કઈ રીતે સંયમ રાખી જીવન જીવવું જોઈએ. પરીક્ષિત શાપિત થઈ ગયા એ કથા સાંભળી ગયા છીએ. જીવનમાં આપણે શું કરીએ છીએ? આપણે પાપને તો છુપાવીએ છીએ અને પુણ્યને જાહેર કરીએ છીએ. જ્યારે તેનાથી વિપરીત કરવું જોઈએ. પાપને જાહેર કરવું જોઈએ અને પુણ્યને છુપાવી રાખવું જોઈએ. પરીક્ષિતે સાધુ સંતોને પૂછ્યું જીવનના અંતિમ દિવસોમાં શું કરવું જોઈએ કે જેથી વ્યક્તિને મોક્ષ મળે અને જીવનનો મતલબ સમજાઈ જાય? સાધુ સંતોએ કહ્યું આ અમે નથી કરી શકતા, આ કામ શુકદેવજી કરી શકે તેમ છે. શુકદેવજીએ કહ્યું હું તમને સાત દિવસ સુધી કથા સંભળાવીશ તેને તમે ધ્યાનથી સાંભળજો.
  • જગત પર નહીં જગદીશ પર આધાર રાખો

શુકદેવજીએ કહ્યું તમારા જેવા રાજાના પણ તમામ પાસા પલટાઈ ગયા. તેથી આ સંસાર પર વધું આધાર રાખવો જોઈએ નહીં. શુકદેવજી કહી રહ્યા છે કે, આ સંસાર તમને વધારે કંઈજ નહીં આપે. વિશ્વ પર ટકશો તો કંઈ જ નહીં મળે, વિશ્વના રચનાર પર ટકશો તો ઘણું બધું મળશે. જગદીશ પર આધાર રાખો.

  • દુનિયા પર વધુ પડતો આધાર ન રાખો

આ જગત જ ચંચલા છે. આ દુનિયા જેને મળી છે તેને પણ કંઈ નથી મળ્યું અને જેને ન મળી, તે પણ દુઃખી થઈ ગયો છે.જીવનમાં નિષ્કામ કર્મ કઈ રીતે કરાય તે અંગે બીજા સ્કંધથી લઈ આઠમા સ્કંધ સુધી ગીતા આપણને શીખવાડે છે. ભાગવતના પ્રથમ સ્કંધમાં અધિકાર અંગે ચર્ચા છે. બીજો સ્કંધ સાધન પ્રધાન છે. દસ અધ્યાયમાં પરમાત્માની પ્રાપ્તિનાં સાધન બતાવ્યાં છે.

  • ધ્યાનના બે પ્રકાર છે

ધ્યાનના બે પ્રકાર છે; હ્નદયનું નિર્મલ હોવું અને મનન એટલે કે ચિંતન. આ સ્કંધના દસ અધ્યાયમાંથી પ્રથમ બેમાં ધ્યાનની ચર્ચા કરવામાં આવી છે. ત્યાર બાદના બે અધ્યાયમાં શ્રોતા અને વક્તાની શ્રદ્ધા અને બાકીના છ અધ્યાયમાં મનનું વર્ણન છે. આ સાધનો દ્વારા માણસ ભગવાનને પ્રાપ્ત કરી લે છે.

  • મનમાંથી આકાંક્ષાઓને મુક્ત કરો

જે આકાંક્ષાના પાત્રમાં આપણે સંસારના ઝેર ભોગવીએ છીએ, એ જ આકાંક્ષાના પાત્રમાં પરમાત્માને નાખીએ તો તે પણ કડવા થઈ જશે. તેથી આપણે આવી આકાંક્ષાઓને છોડવી પડશે.

  • ભગવાનની લીલાનું શ્રવણ વર્ણન કરો

આત્મ તત્વને ન જાણવાના કારણે પ્રાણી પ્રપંચમાં જ વ્યસ્ત રહે છે. માનવ જીવનનું મુખ્ય લક્ષ્ય અને સદા સર્વદા કરણીય કાર્ય ભગવાન શ્રી કૄષ્ણની લીલાઓનું શ્રવણ કીર્તન હોવું જોઈએ. શ્રીમદ્‌ ભાગવતમાં ભગવાન શ્રી કૄષ્ણની અદ્‌ભૂત લીલાનું વર્ણન છે. શ્રી મદ્‌ ભાગવત વેદ પુરાણની જેમ પઠનીય અને મનનીય અને વિચારણીય છે. પરીક્ષિત અધિકારી શિષ્ય હતા તેથી તેમને શુકદેવજી જેવા ગુરું મળ્યા. પરીક્ષિતમાં પાંચ પ્રકારની શુદ્ધિઓ હતી - માતૄશુદ્ધિ, પિતૄશુદ્ધિ, દ્રવ્યશુદ્ધિ, અન્નશુદ્ધિ અને આત્મશુદ્ધિ. બે ઘડીના સદ્‌વિચારથી પણ વ્યક્તિ પોતાનાં હિતો પૂર્ણ કરી શકે છે. બીજા સ્કંધથી આઠમા સ્કંધ સુધી ગીતા આપણને કઈ રીતે કર્મ કરવું તે કરવું જોઈએ એ બતાવશે.

  • મૄત્યુના સમયે માયા મોહનો ત્યાગ કરો
ગીતા નિષ્કામ કર્મ યોગની વાત કરે છે. મૃત્યુ જયારે નજીક હોય ત્યારે વ્યક્તિએ તમામ મોહ માયાનો ત્યાગ કરી ઓમકાર મંત્રનો જપ કરવો જોઈએ. મનની વિક્ષિપ્તતાના નિવારણનો ઉપાય ધારણા છે. ધારણા દ્વારા તમોગુણ નાશ પામે છે. ચિત્તની અનેક આકાંક્ષાઓ સાથે ભગવત પ્રાપ્તિની વધું એક આકાંક્ષા જોડી શકાય નહીં. સંસારમાં આપણી હજારો આકાંક્ષાઓ છે. પરમાત્મા એક હજાર એક આકાંક્ષા હોઈ શકે નહીં.
  • પરમાત્માની આકાંક્ષા જગાડો
સંત પુરુષો સમજાવે છે કે જ્યારે તમામ આકાંક્ષાઓ ખૂટી જાય છે ત્યારે પરમાત્માની આકાંક્ષાઓને જગાડો જેથી આપણી ભીતર પરમાત્માની એક જ ઈચ્છા રહે. જ્યારે આપણે નિરાકાંક્ષાથી ભરી જઈશું ત્યારે પરમાત્માના થઈ જઈશું અને ત્યારે કોઈ અવરોધ નહીં રહે. આવા સમયે આપણી ભીતર પ્રાર્થના શરૂ થાય છે, ભક્તિ ઉત્પન્ન થાય છે, ભાવ પેદા થાય છે, પ્રફુલ્લતા આવે છે.

ઘણી જગાએ સદર પ્રસિદ્ધ થયેલ લેખના તાત્વિક અર્થ જ - સારાંશ જ - લખ્યા છે.
  • પત્ની ધર્મના આચરણ માટે છે

શાસ્ત્રમાં પત્નીને કામ પત્ની નહીં પણ ધર્મ પત્ની કહેવામાં આવે છે. સ્ત્રીનો સંગ એ કામ સંગ નહીં પણ સત્સંગ છે. પત્ની ધર્મના આચરણ માટે છે. જો પતિ પત્ની પવિત્ર જીવન જીવશે તો તેમને ત્યાં ભગવાન પણ જન્મ લેવાની ઇચ્છા રાખશે. ભગવાન દામ્પત્યને પ્રસાદ માને છે.

  • જીવનને સાત્ત્વિક બનાવવું જોઈએ

કપિલ મુનિ જ્ઞાનના અવતાર છે. કપિલ બ્રહ્મજ્ઞાનના સ્વરૂપ છે.

કંદર્પનો અર્થ થાય છે ઈન્દ્રિયોનું દમન કરનાર, જિતેન્દ્રિય. શરીરમાં સત્વગુણની વૃત્તિ હોય તો જ તે જ જ્ઞાન
પ્રદર્શિત થાય છે. તેથી જીવનને સાત્ત્વિક બનાવવું જોઈએ.

  • સત્કર્મને જ યજ્ઞ કહેવાય

લાભથી લોભ અને લોભથી પાપ વધે છે. હિરણ્યાક્ષનો અર્થ છે સંગ્રહ વૃત્તિ અને હિરણ્યકશિપુનો અર્થ છે ભોગ વૃત્તિ.


  • ક્રોધને મારવો ખૂબ જ મુશ્કેલ છે

ક્રોધ કામાનુજ છે, કામનો નાનો ભાઈ છે. ખૂબ જ સાવધાન થઈને કામને તો મારી શકાય છે પણ ક્રોધને મારવો મુશ્કેલ છે. જ્ઞાની પુરુષનું પતન કામથી નહીં પરંતુ ક્રોધથી થાય છે.

યોગનાં આઠ અંગ છે જે વૈકુંઠનાં આઠ દ્વાર છે, યમ, નિયમ આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધાન અને સમાધિ. આ આઠ દરવાજા પસાર કર્યા પછી જ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે.
  • દાંપત્ય જીવનનું પ્રથમ સૂત્ર સંયમ છે
દાંપત્યનાં સાત સૂતર છે, જેમાં પહેલું સૂત્ર સંયમ છે.

  • ભાગવત મનભેદ અને મતભેદ દૂર કરે છે
દામ્પત્ય જીવનનું પ્રથમ સૂત્ર સંયમ છે. આ સંયમ કામની સાથે સાથે ક્રોધ ઉપર પણ સંયમ રાખે છે. ભાગવત વૈષ્ણવોનું પરમ ધન છે, ઉપનિષદોનું તિલક છે, જ્ઞાનીઓનું ચિંતન છે, સંતોનું મનન છે, ભક્તોનું વંદન છે અને ભારતની ધડકન છે. આ ગ્રંથ મનભેદ અને મતભેદ એક સાથે દૂર કરે છે. શુકદેવજી પરીક્ષિતને કથા સંભળાવે છે, શૂતજી શૌનકાદિ ઋષિઓને કથા સંભળાવે છે અને મૈત્રેયીજી વિદુરજીને કથા સંભળાવે છે. મહાભારત આપણને રહેવાનું શીખવાડે છે, ગીતા કામ કરવાનું શીખવાડે છે, રામાયણ જીવવાનું શીખવાડે છે અને ભાગવત મરવાનું શીખવાડે છે.

  • પ્રેમયોગ
તમારી પાસે ધ્યાનયોગ હોય, જ્ઞાનયોગ હોય, કર્મયોગ હોય, ભક્તિયોગ હોય, પણ જો તમારી પાસે પ્રેમયોગ નહીં હોય તો બધું બેકાર છે.
  • અર્થની પ્રાપ્તિ પાંચ પ્રકારથી થાય છે

અર્થની પ્રાપ્તિ નીચે પ્રમાણેના પાંચ પ્રકારથી થાય છે.

માતાપિતાના આશીર્વાદથી

ગુરુની કૄપાથી

પોતાના સાહસ અને પરિશ્રમથી

પોતાના પ્રારબ્ધથી

પ્રભુની કૄપાથી



Sunday, November 8, 2009

રામ કથા, માનસ ભીમાશંકર

પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને માનસ ભીમાશંકરને કેદ્ર બિન્દુ રાખી રામ કથાનું વિજ્ઞાનના માધ્યમ દ્રારા જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ કથા શ્રવણ દ્વારા મારી સમજમાં આવેલ સૂત્રો અહીં લખતાં આનંદ અનુભવું છું. આ પ્રયાસમાં જો કોઈ ક્ષતિ હોય તો તે મારી સમજનો અભાવ ગણી ક્ષમ્ય ગણવા પ્રાર્થના. પૂજ્ય મોરારી બાપુની પણ અત્રે માનસિક પ્રાર્થના સહ ક્ષમા યાચું છું કે અહી પ્રસ્તુત આપના વિચારોમાં જો કોઈ ક્ષતિ હોય અથવા તેનો સંદર્ભ બદલાઈ જતો હોય તો તે મારી સમજનો અભાવ છે. કદાચ હું આપના વિચારોને અને તેના સંદર્ભને સમજવા યોગ્ય ન પણ હોઉં. આ એક પ્રસાદી છે જેને મેં વહેંચવા નમ્ર પ્રયાસ કર્યો છે.

રામ કથા ( પ્રવક્તા - પૂજ્ય મોરારી બાપુ)

માનસ ભીમાશંકર

અંબે ગામ, જિ- પુના, મહારાષ્ટ્ર

તારીખ ૨૪ ઑક્ટોબર ૨૦૦૯ થી તારીખ ૦૧ નવેમ્બર ૨૦૦૯

મુખ્ય ચોપાઈ

સદ્‌ગુરૂ ગ્યાન બિરાગ જોગ કે l

બિબુધ બૈદ ભવ ભીમ રોગ કે ll

.................................................................(બાલકાંડ ૩૧)

જપહુ જાઈ સંકર સત નામા l

હોઇહિ હ્નદયં તુરત બિશ્રામા ll

.................................................................(બાલકાંડ ૧૩૭)

અર્થ : એ જ્ઞાન, વૈરાગ્ય અને યોગ માટે સદ્‌ગુરૂ છે; જન્મ મરણના મહારોગ માટે દેવોના વૈદ્ય અશ્વિનીકુમાર છે.

ભગવાન કહે છે કે તમે હવે જઈને શિવજીનાં સો નામનો જપ કરો. આથી તમને હ્નદયમાં તરત શાંતિ થશે.

તારીખ ૨૪ ઑક્ટોબર ૨૦૦૯, શનિવાર

જીવ અપરાધ કે શિવ અપરાધ જાણે કે અજાણે થાય તો તેના નિવારણ માટે શંકરનાં ૧૦૦ નામ જપવાથી વિશ્રામ મળશે.

શંકર શબ્દ વર્ણમય - ધ્વનીમય છે. વર્ણ એટલે અક્ષર.

શબ્દનો અર્થ હોય.

અર્થથી ધ્વનીની મહિમા વધારે છે.

ઓમકાર શબ્દ નથી પણ ધ્વની છે.

ઘી ને નારાયણ સ્વરૂપ માનવામાં આવે છે.

વસ્તુ ખોવાઈ જાય તેનો વાંધો નથી પણ વરસો (વર્ષો) ખોવાઈ જાય તેનો વાંધો છે.

રામચરિત માનસના બાલકાંડનો નિરંતર પાઠ કરવાથી વ્યક્તિની નિર્દોષતામાં વધારો થાય છે, અયોધ્યાકાંડનો નિરંતર પાઠ કરવાથી વ્યક્તિ સહનશીલ બને છે, સહનશીલતામાં વધારો થાય; અરણ્યકાંડનો પાઠ કરવાથી ઉપાસના, પારાયણ કરવાની વૄત્તિ અને વૈરાગ્યમાં દ્રઢતા વધે, વૈરાગ્ય દ્રઢ થાય; કિષ્કિન્ધાકાંડનો નિરંતર પાઠ કરવાથી મૈત્રીમાં દ્રઢતા આવે, સુંદરકાંડનો નિરંતર પાઠ કરવાથી - પારાયણ કરવાથી હરિનામનો અનુભવ થવા લાગે, હરિનામનો પ્રતાપ અનુભવાય, નામમાં નિષ્ઠા વધે; લંકાકાંડના પારાયણથી સંઘર્ષ વચ્ચે બુધ્ધત્વ પ્રાપ્ત થાય; ઉત્તરકાંડનો નિરંતર પાઠ કરવાથી વિશાલ મનવાળા બનાય, ઉદારતા વધે.

ગુરૂનો પરિચય


ઘણા લોકો દેહજીવી હોય છે. દેહજીવી લોકો પોતાનું જ વિચારે, બીજાનું ન વિચારે.

ઘણા લોકો મનજીવી હોય છે. મનજીવી લોકો માટે દેહ ગૌણ બની જાય છે.

ઘણા લોકો બુધ્ધિજીવી હોય છે જે વિવેકથી શુભ અશુભ વિચારે, બીજાનો પરિચય પ્રાપ્ત કરે.

ઘણા લોકો પ્રેમજીવી હોય છે જે પ્રેમમાં ડૂબી જાય છે અને તેવા લોકો માટે બુધ્ધિ પણ ગૌણ બની જાય છે.

સદ્‌ગુરૂ કદીય દેહજીવી ન હોય.

આત્માનો પોષાક દેહ છે.

સદ્‌ગુરૂ મનજીવી ન હોય, તે કોઈની ઈર્ષા ન કરે.

ભક્તિ માર્ગનો ગુરૂ પ્રેમજીવી હોય અને જ્ઞાન માર્ગનો ગુરૂ આત્મજીવી હોય.

જો કે ઘણા ગુરૂ પ્રેમજીવી પણ હોય અને આત્મજીવી પણ હોય.

તારીખ ૨૫ ઑક્ટોબર ૨૦૦૯, રવિવાર

રામ કથા સ્વયં સદ્‍૬ગુરૂ છે, વૈદ્ય છે.

શિવ પરમ સદ્‍ગુરૂ છે.

રામ ચરિત માનસમાં ૭૫ વાર સંકર શબ્દ આવે છે.

ભયાનક રોગોનો વૈદ્ય સદ્‌ગુરૂ છે.

રામ ચરિતમાનસમાં ભીમ શબ્દ ૩ વાર આવે છે.

ભીમ રૂપ એટલે ભયાનક રૂપ.

શંકર ભયાનક છે અને દયાનક પણ છે.

સદ્‍ગુરૂ સમસ્ત વસ્તુંઓનું સમન્વીત રૂપ છે. જેનામાં બધું જ છે તે સદ્‌ગુરૂ છે. પણ આવો સદ્‌ગુરૂ પોતે તો એવું વિચારે છે કે પોતાનામાં કંઈજ નથી.

"દિખાવા સબકો આતા હૈ, મહોબત કૌન કરતા હૈ?" ........... મજબુર સાહેબ

"આપ ચાહે તો ઈન હાથોંકી તલાસી લે લે

મેરે હાથોંમેં લકીરોકે સિવા કુછ ભી નહીં હૈ" ......... રાજેશ રેડી

"જિન્દગી તુને લહું લેકે દીયા કુછ ભી નહીં

તેરે દામનમેં મેરે વાસતે ક્યા કુછ ભી નહીં ?"

સદ્‌ગુરૂમાં પૂર્ણતા હોય અને શૂન્યતા પણ હોય.

સદ્‌ગુરૂ બનવાનો મનોરથ સારો નથી. સદ્‍ગુરૂને ઓળખો તેટલું જ પુરતું છે.

સાહિબ સૌનો છે સરવાળો. ..... નવનિત વડગામા

જે માણસને તીર્થ માને છે તે સદ્‌ગુરૂ છે.

આપણે કોઈનો આશ્રય કરીએ, કોઈના આશ્રિત બનીએ એટલે આપણામાં પરાધીનતા આવે, આપણે પરાધીન બની જઈએ. પણ જો આપણે સદ્‌ગુરૂના આશ્રિત બનીએ તો પરાધીનતા ન આવે.

પ્રકૄતિ હકારાત્મક છે જ્યારે સંસ્કૄતિ નકારાત્મક છે.

વિશ્વાસ સ્વાભિક આવે જ્યારે શ્રધ્ધાનો જન્મ થાય. શંકર વિશ્વાસ છે જે સ્વાભાવિક આવે જ્યારે પાર્વતી શ્રધ્ધા છે જેનો જન્મ થાય છે.

વિશ્વાસ હ્નદયનો સાહજિક ધર્મ છે.

ભીમ રૂપ

ઘણા લોકોનું રૂપ - આકૄતિ ભયાનક હોય છે.

શબ્દ સ્પર્શ કરે.

શબ્દ રૂપ નિર્માણ કરે.

શબ્દ રસ પેદા કરે. શબ્દ ૯ રસ પેદા કરી શકે.

શબ્દથી ગંધ આવે.

ઘણા મહાપુરૂષોનાં વચન તેની મહેંક પેદા કરે, મહેંક લાવે.

ભીમ કર્મ એટલે ભયાનક કર્મ.

તારીખ ૨૬-૧૦-૨૦૦૯, સોમવાર

સમાજમાં ઘણા કુંભકર્ણ હોય છે.

મહાભારતનો કર્ણ અને રામાયણનો કુંભકર્ણ અદભૂત પાત્ર છે.

કોઈ પણ કથા ગાનમાં કથાના પ્રસંગો કરતાં કથા દરમ્યાન થતો સતસંગ વધારે મહત્વનો છે.

તથ્ય અને સત્યના ટ્રેક ઉપર સાધના ચાલવી જોઈએ.

પ્રજ્ઞાચક્ષુ સ્વામી શરણાનંદજી મહારાજે સતસંગના ૩ આયામ - અર્થ વર્ણવ્યા છે.

સત સંગ એટલે સત ચિંતન. સત્યનું ચિંતન, સત્ય વિશેનો વિચાર એ સતસંગ છે. કોઈ પણ શુભ ચિંતન જે પરોપકારી હોય તે સતસંગ છે.

સત વિશેની ચર્ચા સતસંગ છે. સમૂહમાં થતી સત્ય વિશેની ચર્ચા સતસંગ છે.

રામનો અર્થ જ સમન્વય છે, રામનો અર્થ સેતુબંધ છે, એક બીજાને જોડવું છે.

સાચા માણસનો સંગ સતસંગ છે.

આચારની શક્તિ કરતાં વિચાર શક્તિ વધારે છે.

આધ્યાત્મ એકાંતનો વિષય છે, એકાન્તે સુખ માસ્યભમ્‌

ઈશ્વર બધામાં છે પણ આપણને તે પ્રત્યક્ષ દેખાતો નથી. તેથી લેખીથી દેખી સુધીની યાત્રા સતસંગ છે. (લેખી એટલે લખાણ અને દેખી એટલે પોતે અનુભવ કરવો, પ્રત્યક્ષ દર્શન કરવું)

જે સંગથી પરમાર્થ સધાય તે સતસંગ છે.

રામ ચરિતમાનસમાં શંકર કે જે સંસ્કૃત શબ્દ છે તે ૮ વાર આવે છે. આ ભગવાન શંકરની અષ્ટ મૂર્તિનો સંકેત છે.

પ્રભુની કઠોરતા પાછળ પણ તેની કરૂણા જ છે.

શંકરના ૮ રૂપો છે

શંકરનું વિશ્વાસ રૂપ

"ભવાનીશંકરૌ વન્દે શ્રધ્ધાવિશ્વાસરૂપિણૌ" ....... બાલકાંડ

શંકર વિશ્વાસ છે, ભવાની શ્રધ્ધા છે.

વિશ્વાસ બધામાં જ હોય, વિશ્વાસ પ્રગટ ન થાય. શંકર અજન્મા છે.

પાર્વતી જન્મ લે છે, પ્રગટ થાય છે; તેમ શ્રધ્ધા પ્રગટ થાય છે.

શંકર અને વિશ્વાસ સિક્કાની બે બાજુ છે.

વિશ્વાસનાં ૧૫ લક્ષણ છે.

નારદમુનિ હિમાલયના નિવાસે પાર્વતીના પતિના કેવા ગુણ છે તે વિશે ભવિષ્યવાણી દ્વારા કહે છે કે, (બાલકાંડ)

અગુન અમાન માતુ પિતુ હીના l

ઉદાસીન સબ સંસય છીના ll

જોગી જટિલ અકામ મન નગન અમંગલ બેષ l

વિશ્વાસમાં હિમાલય જેવી અચલતા હોય. પહાડની આવી અચલતા જ આપણને તેની પ્રદક્ષિણા કરવા પ્રેરે છે.

માળાના મેરૂને ન લાંઘાય.

હિમાલય વિશ્વાસનું પ્રતીક છે.

ગુરૂ ઈશ્વરથી મોટો છે પણ ઈશ્વર નથી. ગુરૂના લીધે ઈશ્વરને હટાવી ન દેવાય. ગુરૂ જરૂર મહાન છે પણ ગુરૂની મહિમાને આવી ઊંચાઈ આપવા છતાં ય ઈશ્વરને ન ભૂલાય.

વિશ્વાસનાં લક્ષણ

અગુણ - નિર્ગુણ

વિશ્વાસ ગુણ રહિત હોય. વ્યવહારમાં વિશ્વાસ તમો ગુણી હોય, પણ આવો તમો ગુણી વિશ્વાસ વિશ્રામ ન આપી શકે. ઘણા માણસોનો વિશ્વાસ રજો ગુણી હોય. માનવીની વૄત્તિ રજોગુણી હોય. સતો ગુણી વિશ્વાસ શાંત હોય.

અમાન

વિશ્વાસને કોઈ માનની જરુર ન હોય. વિશ્વાસ પોતે જ એક સર્વોત્તમ એવોર્ડ છે, તેને બીજાના માનની, બીજાના પ્રમાણ પત્રની, બીજાના સન્માનની જરુર નથી.

અજન્મા

વિશ્વાસ અજન્મા હોય. વિશ્વાસ પેદા ન થાય. વિશ્વાસને માતાપિતા નથી. જીવ એ શિવનો અંશ હોવાના નાતે તેનામાં (જીવમાં) વિશ્વાસનો અંશ હોય જ. જે જન્મે તે વધે અને અંતે નાશ પણ પામે. જે અજન્મા હોય તે વધે નહીં અને નાશ પણ ન પામે. વિશ્વાસ સદા એક સરખો જ હોય. વિશ્વાસ ન જન્મે, તેનામાં વધઘટ ન થાય અને તે નાશ પણ ન પામે.

ઉદાસીન

વિશ્વાસમાં રાગદ્વેષ ન હોય. વિશ્વાસ રગદ્વેષ રહિત હોય. જે વિશ્વાસુ હોય તે રાગદ્વેષ રહિત હોય. વિશ્વાસની એટલી ઊંચાઈ આવે કે જેથી રાગદ્વેષની છાયા જ સમાપ્ત થઈ જાય.

સંશય મુક્ત

વિશ્વાસની અવસ્થા કાયમ બધા જ પ્રકારના સંશયથી મુક્ત હોય.

જોગી - યોગી

વિશ્વાસ જોગી હોય (યોગી હોય) એટલે કે વિશ્વાસ વિયોગી ન હોય. વિશ્વાસુને કદી વિયોગ ન લાગે.

ભક્ત એ છે જે કદી પ્રભુથી વિભકત ન થાય. ..... પાંડુરંગદાદા

નિષ્કામ

વિશ્વાસને કોઈ કામના ન હોય. વિશ્વાસુ કામના રહિત હોય. વિશ્વાસ એટલે વિશેષ પ્રકારનો શ્વાસ.

નગ્ન - દિગંબર

વિશ્વાસમાં કંઈ છુપાવવા જેવું ન હોય. કપડું એ એક પ્રકારનો પટ છે જે કંઈક છુપાવવા માટે છે.

અમંગલ વેશ

વિશ્વાસને કોઈ વેશ ન હોય, તેને અમંગલ વેશ હોય, અવધુતી વેશ હોય. તે ગણવેશ રહિત હોય.

અમંગલ વેશ પણ આવો વેશ પરમ મંગલકારી છે.

૧૦

આરપાર

તારીખ ૨૭-૧૦-૨૦૦૯, મંગળવાર

ભીમ એટલે ભયાનક

ભયાનકતા ૨ પ્રકારની હોય. ૧ બહિર ભયાનકતા અને ૨ ભીતરની ભયાનકતા

પ્રભાવની ભયાનકતા હોય અને સ્વભાવની ભયાનકતા પણ હોય.

"આપ ચાહે તો ઈન હાથોંકી તસલ્લી લે લે;

મેરે હાથોંમેં લકીરોંકે સિવા કુછ ભી નહીં હૈ.

............................. રાજેશ રેડી

શંકરની ભયાનકતા તેના પ્રભાવની ભયાનકતા છે, તેની લીલા ક્ષેત્રની ભયાનકતા છે પણ આ ભયાનકતા તેના સ્વભાવની ભયાનકતા નથી.

મણસે તેની સહજતામાં વર્તવું જોઈએ. સહજતામાં દોષ હોય તો પણ તેનો વાંધો નથી.

રામ, કૄષ્ણ, શંકર વિ. સહજ છે.

જાગૄત મહાપુરૂષ સહજ હોય.

જેનામાં બધું જ છે તેમજ જેનામાં કંઈ જ નથી તે સદ્‌ગુરૂ છે, તે શંકર છે.

વેદ મંત્રનો શબ્દસહ અર્થ કરવો અઘરો છે.

મહાપુરૂષોનું ગદ્ય પણ પદ્ય જેવું લાગે.

જેને જે સાંભળવું હોય તે જ તે સાંભળે; તેને બીજું ન સંભળાય.


વિશ્વાસના બીજા ૫ લક્ષણ

વિશ્વાસ વિશાલ હોય, નિત નૂતન હોય, સદા કાળ સુંદર હોય, ત્રણ પ્રકારની હવા જેવો હોય અને સુશીતલ છાયા જેવો હોય. આ વિશ્વાસના બીજા ૫ લક્ષણ છે. આમ વિશ્વાસનાં પહેલાંના ૧૦ અને આ ૫ મળી કુલ ૧૫ લક્ષણ થાય.

૧૧

વિશાલ વિશ્વાસ

વિશ્વાસ વિશાળ હોય. વિશ્વાસ કદી સંકીર્ણ ન હોય. વિશાળ વિશ્વાસ એટલે મન - વિચાર, વચન અને કર્મંમાં વિશ્વાસ. જેનો વિશ્વાસ વિશાલ હોય તેના વિચારમાં વિશ્વાસ હોય, તેના વચનમાં વિશ્વાસ હોય અને તેના કર્મમાં વિશ્વાસ હોય. વિશાલ વિશ્વાસ ફક્ત વિચાર કે વચન કે કર્મ પૈકીના કોઈ એકમાં ન હોય પણ વિચાર, વચન અને કર્મ ત્રણેયમાં હોય.

જે વિશ્વાસ સદ્‌ગુરૂના મન ઉપર ( વિચાર ઉપર), સદ્‍ગુરૂના વચન ઉપર, સદ્‍ગુરૂના કર્મ ઉપર હોય તે વિશ્વાસ વિશાલ વિશ્વાસ છે. મન, વચન અને કર્મ ઉપરનો વિશ્વાસ ત્રીશાખીય વિશ્વાસ છે.

ખુદની કરૂણા આગળ ખુદા પણ મજબુર છે.

કર્મના દ્રશ્ય ફળ હોય અને અદ્રશ્ય ફળ પણ હોય.

૧૨

નિત નૂતન વિશ્વાસ

વિશ્વાસ નિત નવો હોવો જોઈએ. વિશ્વાસ કદી વાસી ન હોય. વડલો વિશ્વાસનું પ્રતીક છે. વડલાને પાનખરમાં પણ કૂંપળ ફૂંટે છે. વડલાને પાનખર ન આવે.

કથા વિશ્વાસના વડલા નીચે થવી જોઈએ. વિશ્વાસના વડ નીચે જો શ્રોતા અને વક્તા ન બેઠા હોય તો કથા સફળ ન થાય.

૧૩

સદા કાળ સુંદર

વિશ્વાસ સદાય સુંદર હોય. વિશ્વાસ ભૂતકાળમાં સુંદર હોય, વર્તમાન કાળમાં સુંદર હોય અને ભવિષ્ય કાળમાં પણ સુંદર જ હોય.

૧૪

ત્રિવિધ સમીર સુશીલ

વિશ્વાસ ત્રણ પ્રકારની હવા જેવો હોય. હવા મંદ, સુંગંધી અને શીતલ હોય તેમ વિશ્વાસ પણ મંદ હોય એટલે કે વિશ્વાસ ઉગ્ર ન હોય પણ વિનમ્ર હોય, વિશ્વાસ ખુશબુથી ભરેલો હોય એટલે કે વિશ્વાસ બદબુથી બરેલો ન હોય અને વિશ્વાસ શીતલ હોય એટલે કે વિશ્વાસ સુખ પ્રદ હોય.

ભગવાન વિષ્ણુ શેષ નાગના છત્ર નીચે સાગરમાં વિશ્રામ કરે છે અને તેમના પગ લક્ષ્મીજી કે જે વિભૂતિ છે તે દબાવે છે. જે શેષમાં વિશ્રામ કરે તેના પગ લક્ષ્મીજી દબાવે અને તેને વિષ્ણુ કહેવાય.

૧૫

સુશીતલ છાયા

વિશ્વાસની છાયા સુશીતલ હોય.

તારીખ ૨૮-૧૦-૨૦૦૯, બુધવાર

ભગવાન શંકર વિશ્વાસનું ઘનીભૂત સ્વરૂપ છે.

"ભવાનીશંકરૌ વન્દે શ્રદ્ધાવિશ્વારૂપિણૌ l

યાભ્યાં વિના ન પશ્યન્તિ સિધ્ધાઃ સ્વાન્તમ્‌શ્વરસ્થી ll

વંદે બોધમયં નિત્યં ગુરું શંકર રૂપિણમ્‌ l

યમાશ્રિતો હિ વક્રોડપિ ચંદ્રઃ સર્વત્ર વન્ધતે " ll

......................... બાલકાંડ

શંકર ગુરૂ રૂપ છે અથવા ગુરૂ રૂપ શંકર છે.

શંકર પરમ સદ્‌ગુરૂ છે.

શુધ્ધતાથી એટલે સાવધાન ચિત્તથી કથા શ્રવણ કરવાથી ઘણા રહસ્યો ખૂલે છે.

વક્તાની ચૈત્સિક અવસ્થા સાથે શ્રોતાના શુધ્ધ ચિત્તથી સંવાદ થાય તો શ્રવણ ભક્તિ થાય.

સમતા આધ્યાત્મમાં ઘણી વખત દૂર્ગુણ ગણાય. સમતા વ્યવહારિક જીવનમાં યોગ્ય છે.

આધ્યાત્મમાં પાત્રતાનું મહત્વ છે.

સાચો ગુરૂ પોતા માટે યોગ્ય પાત્રતા ધરાવતો શિષ્ય શોધે છે. ગુરૂને શોધવાની જરુર નથી પણ જો આપણામાં યોગ્યતા હશે તો ગુરૂ જ આપણને શોધી લેશે. સાચો ગુરૂ આવા શિષ્યની શોધમાં જ હોય છે.

વક્તા અને શ્રોતા વચ્ચે સુરનું મિલન થવું જોઈએ.

સુરમાં ગાનાર માટે બેસુરમાં ગાવું અઘરું છે.

શંકર રૂપ ગુરૂનાં લક્ષણ નીચે પ્રમાણે છે.

વિવેક

જેનામાં સમુદ્ર જેટલો બલ્કે સમુદ્રથી પણ વધારે વિવેક હોય તે ગુરૂ હોય.

ગુરૂ વિવેક સાગર જગ જાના

જે વિવેક સિન્ધુ હોય, કૄપાસિન્ધુ હોય તે ગુરૂ કહેવાય. ગુરૂ ગારુડી સિન્ધુ છે જે શિષ્યના વિકારોના ઝેરને ચૂસી લે છે (ગારુડી એટલે મંત્રથી સર્પનું ઝેર ઉતારનાર). ગુરૂનું એક રૂપ ગારુડી રૂપ છે જે શિષ્યના વિકારનું ઝેર હરી લે છે.

ગુરૂ ગોસાંઈ એટલે ઈન્દ્રીયો ઉપર વિવેક પૂર્ણ સમ્યકતા.

સમ્યક કામ નિંદાજનક નથી.

કામ કૄષ્ણનો બેટો છે.

કામ, ક્રોધ, લોભ સમ્યક રૂપમાં સ્વીકાર્ય છે, તેમાં અતિરેક ન થવો જોઈએ.

લોભ ઈચ્છાના રસ્તેથી આવે. ઈચ્છા થાય એટલે લોભ આવે.

કામનો રસ્તો નારી છે.

ક્રોધનો રસ્તો કર્કશ વાણી છે.

સંશય એ ભયંકર દૂર્ગુણ છે.

"પ્રભુ સમરથ સર્વજ્ઞ શિવ સકલ કલા ગુણ ધામ, જોગ વૈરાગ્ય પ્રણત કલ્પતરુ" એ ગુરૂની પરિભાષાનો દોહો છે.

૧ ગુરૂ પ્રભુ છે, ગુરૂ વિભુ છે, ગુરૂ શંભુ છે. પ્રભુ, વિભુ અને શંભુની ત્રિવેણી ગુરૂ છે.

પ્રભુ પ્રભુતાથી ભરપુર હોય

રુદ્રનો આશ્રય જ બધાથી મોટો રુદ્રાક્ષ છે.

વિભુ એટલે જે વ્યાપક છે તે. જે આકાશ સમાન વ્યાપક છે તે વિભુ છે.

વિભુ એક જ હોય; વિભુતિ અનેક હોય.

જે સ્વયંભુ છે તે શંભુ છે.

સમર્થ

સદ્‌ગુરૂ સમર્થ હોય.

સમર્થ એ છે જે બધું જ કરી શકે છે અને ધારે તો કંઈ જ ન કરે અને જો ઈચ્છે તો બધું કરેલું નષ્ટ કરી શકે.

સૂર્ય, ગંગા વિ. સમર્થ છે.

સંહારક

સદ્‌ગુરૂ સંહારક હોય.

સંહારક સદ્‌ગુરૂ આશ્રિતના કચરાનો, આશ્રિતના નકામા કચરાનો, દૂર્ગુણો વિ. નો સંહાર કરે છે.

વસ્તુ જ્યાં ખોવાઈ હોય ત્યાંથી જ જડે.

વચન ભંગનો નિયમ ગુરૂને લાગું ન પડે.

શિવ રૂપી ગુરૂ સર્વજ્ઞ હોય. આવા ગુરૂ બધું જ જાણે પણ બોલે કંઈ નહીં, જાણકારી કોઈને કહે નહીં.

આપણે નિર્દોષ ભાવે જ્યારે આશ્રય કરીએ ત્યારે આપણો આવો નિર્દોષ આશ્રય જેનો કરીએ તે આપણા માટે સર્વજ્ઞ બની જાય.

દા.ત. બાળક અને મા

સર્વજ્ઞ ગુરૂ પોતાના બધા આશ્રિતોને જાણે અને બધા આશ્રિતોને નિભાવે.

કલ્યાણકારી

શિવ રૂપી ગુરૂ કલ્યાણકારી હોય.

સકલ ગુણ ધામ

શિવરૂપી સદ્‌ગુરૂ સકલ ગુણ ધામ હોય, સકલ કલા ધામ હોય. જે સકલ કલા નિધાન હોય તે બધી કલા જાણે અને કલાનો આદર પણ કરે.

તમે જો નૄત્ય ન કરી શકો તો પણ નૄત્યનો આદર કરો.

ગુરૂમાં ૭૨ કલા હોય અને ૩૨ ગુણ હોય.

યોગ; જોગ

શિવરૂપી સદ્‌ગુરૂ યોગને જાણે. સદ્‍ગુરૂમાં એવો યોગ હોય જે બધાને જોડે, બધાનો સમન્વય કરે, કોઈનો નિષેધ ન કરે.

શંકરનું સેવન બધા કરે.

જ્ઞાન નિધી

સદ્‌ગુરૂનું જ્ઞાન અખંડ હોય. શિવ બોધમય છે અને તેનો બોધ કાયમ છે, અખંડ છે.

સદ્‌ગુરૂ કોઈનો વિરોધ ન કરે, કોઈની સાથે દુશ્મની ન કરે.

વૈરાગ્ય નિધી

સદ્‌ગુરૂ વૈરાગ્ય નિધી હોય. બધાની વચ્ચે રહી બધાથી મુક્ત રહેવું તેને વૈરાગ્ય કહેવાય.

શ્રેષ્ઠને પકડીએ એટલે નિષ્કૄષ્ઠ આપોઆપ છૂટી જાય.

પ્રણત કલ્પ્તરૂ

સદ્‍ગુરૂ પ્રણત કલ્પતરૂ સમાન હોય. તેનું નામ લેવાથી બધું જ કાર્ય થઈ જાય.

૧૦

વક્રને સ્વીકારે

સદ્‌ગુરૂ વક્રને પણ સ્વીકારે અને તેને માન મળે તેવા સ્થાને રાખે. ગુરૂ વક્રને પણ આશ્રિત બનાવી ઊચ્ચત્તમ આસને લઈ જાય અને વંદનીય વનાવે.

તારીખ ૨૯-૧૦-૨૦૦૯, ગુરૂવાર

સર્જક, પાલક, સંહારક એ ત્રણ તત્વ છે, ૩ પ્રવાહ છે, ત્રણ ધારા છે.

બ્રહ્મા સર્જક છે, વિષ્ણુ પાલક છે અને શંકર સંહારક છે.

ઉપરોક્ત ત્રણમાં શ્રેષ્ઠ કોણ ? આમ તો ત્રણે ય સમાન છે છતાંય તેમાં શ્રેષ્ઠ કોણ ગણાય?

તર્ક અસત્યને સિધ્ધ કરી શકે,સત્યને સિધ્ધ ન કરી શકે.

સત્યને પ્રમાણિત કરવાની શક્તિ તર્કમાં છે જ નહીં.

તર્ક તલવાર છે જે કાપવાનું જ કામ કરે, જોડી ન શકે.

બી વાવનાર સર્જક છે, તેને પાણી પાનાર પાલક છે. પણ મૂળ બી સાથેના નીંદામણને ન કાઢીએ તો બી ના છોડને ફળ નહીં આવે.

નીંદામણની સંહારક પ્રવૃત્તિમાં જ પાલકની પ્રવૄત્તિ અને સર્જકની પ્રવૄત્તિ ફળદાયી બને, ઉપયોગી થાય.

તેથી જ શંકરની સંહારક ધારા જ શ્રેષ્ઠ છે અને તેથી જ શંકરને મહાદેવ કહેવાય છે.

જ્યાં સુધી વિસર્જન ન થાય ત્યાં સુધી નવસર્જન ન થાય.

સંહારક જ રક્ષક હોય.

સર્જકમાં કામના હોય, સર્જકને તેની સર્જકની પ્રવૄત્તિ પાછળ કંઈક કામના હોય, ઈચ્છા હોય. પાલકને તેની પ્રવૄત્તિ પાછળ કંઈક લોભ હોય. જ્યારે સંહરકને તેની સંહારક પ્રવૄત્તિ પાછળ રક્ષકતા હોય.

શંકર વિશ્વાસ છે, શંકર ગુરૂ છે અને શંકર સંહારકના રૂપે રક્ષક છે.

શંકરની રહસ્યમય ગતિ વિધી જે જાણી લે તે તેના રક્ષકના રૂપને સમજી શકે, રક્ષકતા પામી શકે.

શંકરનું સંહારકપણું વિશ્વ માટે કલ્યાણકારક છે, જેનાથી અદભૂત ઘટના અકાર લે છે.

સલામતી કરનાર રક્ષક, ચોકીદાર જો સંહારક હોય તો જ તે રક્ષા કરી શકે.

ભક્તનું કર્મ ફળની આશા વિનાનું હોય છે. દા.ત. ભરતનું ફણા વિનાનું બાણ

જે રક્ષક હોય તેની પાસે જ રક્ષણની માગણી કરી શકાય.

રક્ષકનાં ૧૨ લક્ષણ છે. આ ૧૨ લક્ષણ અયોધ્યાકાંડના પ્રથમ શ્લોકમાં વર્ણવામાં આવ્યાં છે.

યસ્યાડઃકે ચ વિભાતિ ભૂધરસુતા દેવાપગા મસ્તકે

ભાલે બાલવિધુર્ગલે ચ ગરલં યસ્યોરપસિ વ્યાલરાટ્‌ l

સોડઃયં ભૂતિવિભૂષણઃ સુરવરઃ સર્વાધિપઃ સર્વદા

શર્વઃ સર્વગતઃ શિવઃ શશિનિભઃ શ્રીશંકરઃપાતુ મામ્‌ ll

................. અયોધ્યાકાંડ


જેની ગોદમાં હિમાલય પુત્રી પાર્વતીજી, મસ્તક ઉપર ગંગાજી, ભાલમાં બીજનો ચંદ્ર, કંઠમાં હળાહળ ઝેર અને વક્ષ સ્થલ ઉપર સર્પોના રાજા શેષનાગ સુશોભિત છે, જે ભસ્મથી વિભૂષિત છે, જે દેવતાઓમાં શ્રેષ્ઠ છે, જે સર્વેશ્વર છે, જે સંહારકર્તા છે, જે સર્વવ્યાપક છે, જે કલ્યાણરૂપ છે, જે ચંદ્રમા સમાન ધવલ વર્ણ છે, એવા શ્રી શંકર મારી કાયમ રક્ષા કરો.

આ ૧૨ લક્ષણ જ શંકરનાં ૧૨ જ્યોતિર્લિંગ છે.

યસ્યાંગે

પાર્વતી શંકરની ગોદમાં બેઠાં છે. પાર્વતી શ્રધ્ધા છે તેથી શ્રધ્ધાનું સ્થાન કોઈ શ્રેષ્ઠની ગોદમાં જ હોય. શંકર શ્રેષ્ઠ છે. તેથી જ પાર્વતી-શ્રધ્ધા શંકરની ગોદમાં બેઠા છે.

શ્રધ્ધા બુધ્ધિમાં પેદા થાય પણ રહે વિશ્વાસની ગોદમાં.

રક્ષકનું લક્ષણ એ છે કે તે જે શ્રધ્ધાને પોતાની ગોદમાં રાખે. ગોદમાં રાખવું એટલે ખૂબ સંભાળીને રાખવું. બાળક જેની ગોદમાં હોય તે તેની ખૂબ કાળજી રાખે, સંભાળીને રાખે.

ગાદીમાં રહેવાથી (ગાદી ઉપર બેસવાથી) અહંકાર આવે જ્યારે ગોદમાં રહેવાથી (ગોદમાં બેસવાથી) અહંકાર ન આવે પણ રક્ષણ મળે.

શિવમંદિરમાં જલાધારી ( થાળું) શક્તિ છે અને લિંગ સ્વયં શિવ છે. બ્રહ્મા અને વિષ્ણુનું વરદાન છે કે જ્યાં શિવ મંદિર હશે ત્યાં શિવ અને શક્તિ, લિંગ અને જળાધારીના સ્વરૂપે એક સાથે જ રહેશે. તેમને કોઈ અલગ નહીં કરી શકે. આમ શિવ શક્તિ એક સાથે જ હોય છે. આમ જ્યારે શિવ અને શક્તિ એક સાથે જ હોય તો જ તે રક્ષણ કરી શકે.

ગંગાને મસ્તક ઉપર રાખવી

શંકર ગંગાને તેમના શિર ઉપર જટામાં ધારણ કરે છે. ગંગા ભક્તિનું સ્વરૂપ છે. જે ભક્તિની ગંગાને શિર ઉપર રાખે, શિર ઉપર ધારણ કરે, જેનું મસ્તક ભક્તો પ્રેરીત હોય તે જ રક્ષા કરી શકે. જેના વિચાર ભક્તિમય છે, જેના વિચાર ફકત બુધ્ધિમય નથી તે જ રક્ષણ કરી શકે, તે જ રક્ષક બની શકે.

તારીખ ૩૦-૧૦-૨૦૦૯, શુક્રવાર

શંકર ભગવાન ભીમ રોગોના દેવ વૈદ્ય છે.

આવા દેવ વૈદ્ય શંકર તપાસ કરે છે પંણ ઔષધી બાબતમાં કંઈ કહેતા નથી. શંકર ભગવાન તપાસ કરે છે પણ દવા બીજા પાસે કરાવે છે. અને તે બીજી વ્યક્તિ વિષ્ણુ છે. આ વિષ્ણુ ઔષધી રૂપે ભગવાન શંકરના ૧૦૦ નામ જપવાની ઔષધી બતાવે છે, આપે છે.

સદ્‌ગુરૂ ગ્યાન બિરાગ જોગ કે l

બિબુધ બૈદ ભવ ભીમ રોગ કે ll

જપહુ જાઈ સંકર સત નામા l

હોઇહિ હ્નદયં તુરત બિશ્રામા ll

શંકર એટલે કલ્યાણ કરનાર, કલ્યાણકારી

શંકર નખ શીષ પરમ રમ્ય છે અને ભાવ ગમ્ય છે. પરમ રમ્ય એટલે બહું જ સુંદર. પરમ રમ્યનાં ૫ લક્ષણ છે.

રામચરિત માનસ એ કૈલાસનો ગ્રંથ છે અને તેનું વિમોચન અયોધ્યામાં થયું છે.

જ્યારે કામ શરીર ધર્મી બને ત્યારે વ્યક્તિનું પતન થાય.

જ્યારે કામ શ્રધ્ધા - ભક્તિનો આશ્રય છોડે ત્યારે પતન થાય.

જ્યારે કામ છૂપાય ત્યારે કામનું પતન થાય.

સૌંદર્ય દર્શન વાસના ગ્રસ્ત ન હોવું જોઈએ.

"નજર કરું ત્યાં નારાયણ

હાથ ધરું ત્યાં હરિ હર

પગ મુકું ત્યાં મારા પુરૂષોત્તમનું ઘર

હું એવા ઘરમાં ઠરી રે ! "

............. પુષ્પાબેન વ્યાસ

શંકર જ સુખની જન્મ ભૂમિ છે. ........ તુલસી

પવિત્ર આંખોએ કલાની કદર કરવી જોઈએ.

જે પ્રમ રમ્ય હોય તેનામાં નીચે પ્રમાણેનાં ૫ લક્ષણ હોવાં જોઈએ. આ ૫ પરમ રમ્યનાં લક્ષણ છે.

૧ શંખ

શંખ જેવા ગુણ ધરાવે તે પરમ રમ્ય હોય. શંખમાં લીસાપણું (smoothness) છે અને ચિકણાપણું છે. શંખ વિષ્ણુની શોભા વધારે છે.

૨ કુન્દ ફૂલ

જે કુન્દના જેવા કોમલ ગુણ ધરાવે તે પરમ રમ્ય હોય. (કુન્દ એટલે મોગરો)

૩ ચંદ્ર

જે ચંદ્ર જેવી પરમ શીતલતા આપે તે પરમ રમ્ય હોય.

૪ કપુર જેવા ગૌર

જે કપુર જેવા સફેદ - ગૌર હોય તે પરમ રમ્ય હોય.

૫ કપુર જેવી ગંધ

જે કપુર જેવી સુગંધ ધરાવે તે પરમ રમ્ય હોય.

શંકર રક્ષક છે અને આવા રક્ષકના ૧૨ લક્ષણ છે. જેનામાં આવાં લક્ષણ હોય તે રક્ષક બની શકે,રક્ષા કરી શકે.

શંકરે કામદેવનો નાશ કરી તેની પત્ની રતિને વરદાન આપ્યું છે કામ બધામાં વ્યાપ્ત રહેશે. આમ શંકરે કામનો નાશ કરી તેને પ્રસ્થાપિત કરી રક્ષણ કર્યું છે.

જેની ગોદમાં શ્રધ્ધા હોય તે રક્ષા કરી શકે.

જેના વિચાર ગંગા જેવા પવિત્ર હોય તે રક્ષા કરી શકે.

જે નાના માણસને પણ વંદનીય બનાવે તે રક્ષા કરી શકે. શંકર વક્ર ચંદ્રને મસ્તક ઉપર ધારણ કરી ચન્દ્રને વંદનીય બનાવે છે, ઉંચ્ચ સ્થાને બેસાડે છે.

બીજાના ભલા માટે જે ઝેર પી શકે તે રક્ષા કરી શકે.

જે છાતી ઉપર શેષને ધારણ કરી શકે તે રક્ષા કરી શકે. જે શેષને હ્નદયમાં રાખી શકે તે રક્ષા કરી શકે. જે શેષમાં રાજી થાય તે રક્ષા કરી શકે.

જે વિભૂતિ જેવો શ્રીંગાર કરી શકે તે રક્ષા કરી શકે.

જે સુર વર હોય, જે શ્રેષ્ઠ હોય તે રક્ષા કરી શકે. સુર વર એટલે મહાદેવ.

દેવો સ્વાર્થી છે જ્યારે મહાદેવ સ્વાર્થી નથી.

જે સર્વાધિપતિ હોય, સર્વેશ્વર હોય - જે બધાનો ઈશ્વર હોય તે રક્ષા કરી શકે.

જે શર્વ હોય, (શર્વ એટલે નાશ કરનાર) જે આશ્રિતની નકામી વસ્તુનો સંહાર કરી શકે તે રક્ષા કરી શકે.

૧૦

જે સર્વ ગત હોય, જે વ્યાપક હોય તે રક્ષા કરી શકે.

૧૧

જે કલ્યાણકારી હોય તે રક્ષા કરી શકે.

૧૨

જેની આભા ચંદ્ર જેવી ઉજ્જવલ અને સુંદર હોય તે રક્ષા કરી શકે.

સર્વદા રક્ષા કરવી એટલે કાયમ રક્ષા કરવી.

શંકરનું ચોથું રૂપ

શંકરનું ચોથું રુપ સર્વ પ્રિય રૂપ છે.

સંસારમાં બધાને પ્રિય બનવું મુશ્કેલ છે.

શંકર રામને પ્રિય છે અને રામ એટલે સમગ્ર જગત, સમગ્ર વ્યાપકતા.

જે બધાને પ્રિય હોય તેનાં લક્ષણ નીચે પ્રમાણે છે. જેનામાં આવાં લક્ષણ હોય તે સર્વ પ્રિય બની શકે.

જે ધર્મ રૂપી મૂળની જડ હોય તે સર્વ પ્રિય બની શકે.

દયા ધરમકા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન

જેના મૂળમાં સત્ય, પ્રેમ અને કરૂણા હોય તે સર્વ પ્રિય બની શકે. જેના મૂળમાં સત્ય હોય તે બધાને પ્રિય હોય.

ગાંધીજી દુશ્મનોને પણ પ્રિય હતા કારણ કે ગાંધીજીના મૂળમાં સત્ય હતું.

સત્યના આચરણ કરનારે બીજાનું સત્ય પણ સ્વીકારવું પડે.

મૂળની જડ જેમ છૂપાયેલી રહે છે તેમ સત્ય પણ જડની માફક છૂપાયેલું રહે.

સત્ય સત્ય જ છે, તેને કોઈ વિશેષણ લગાડવાની જરૂર નથી.

સત્યને જય વિજય સાથે લેવાદેવા નથી.

પાણી મૂળને પાવામાં આવે છે.

જે વિવેક પૂર્ણ હોય તે બધાને પ્રિય હોય.

શંકર પૂર્ણ હોવા છતાંય વિવેકથી આનંદિત કરે છે તેથી બધાને પ્રિય છે.

અવિવેકીના કાર્યમાં સહયોગ કરવાથી બીજાની આંખોમાંથી ઊતરી જવાય અને પછી ત્યાંથી ઊઠી પણ ન શકાય.

બીજાના વૈરાગ્યને વિકસીત કરવામાં પોતાની શક્તિ વાપરે તે બધાને પ્રિય હોય. જે વૈરાગ્યને વિકસીત કરવામાં સૂર્ય સમાન હોય તે બધાને પ્રિય હોય. જેમ સૂર્ય કમળને ખીલવે છે તેમ જે બીજાના કમળને ખીલવવા માટે સૂર્ય બને તે બધાને પ્રિય બને.

જે બીજાનાં પાપ દૂર કરી શકે, બીજાની બુરાઈ દૂર કરી શકે તે બધાને પ્રિય બની શકે. જે ત્રિવિધ તાપોનું શમન કરી શકે તે બધાને પ્રિય બની શકે.

દરેક સાધુને ભૂતકાળ હોય છે તેમ દરેક શેતાનને ભવિષ્યકાળ હોઈ શકે.

જે મોહને નષ્ટ કરી શકે તે બધાને પ્રિય બની શકે.

પવન સ્વયંભૂ છે.

જે પોતાની પાસે જે છે તેનો ઉપયોગ કરીને બીજાની સેવા કરે તે બધાને પ્રિય બની શકે.

પવનની માફક જે બીજાને શુધ્ધ કરી શકે તે બધાને પ્રિય બની શકે.

શંકરનું કૂળ - બ્રહ્મકૂળ ઉત્તમ કૂળ છે.

કલંક શમન રામ શિવને પ્રણામ કરે છે.

શંકર રામને પ્રિય છે.

તારીખ ૩૧-૧૧-૧૦૦૯

બધાને પ્રણામ કરવા, બધાને વંદન કરવા, બધાને નમન કરવા, બધાને દંડવત કરવા એવી ચાર પ્રકારની વિધી આપણે ત્યાં છે.

બધાને પ્રણામ બે હાથ જોડીને કરાય. આ પ્રણામ જ્ઞાન સૂચક છે. જ્યારે આપણામાં બોધ હોય કે બધામાં પ્રણ્યમ તત્વ છે અને હું તે પ્રણ્યમ તત્વને પ્રણામ કરું છું. આવું જ્ઞાન હોય એટલે આપણે બધાને પ્રણામ કરીએ છીએ.

"સિયરામ મય સબ જગ જાની કરહું પ્રણામ જોરી જુગ જાની"

સમગ્ર જગત બ્રહ્મમય છે તેથી હું હાથ જોડી પ્રણામ કરું છું. આ જ્ઞાન પરખ અવસ્થા છે.

વંદન બીજાના પગમાં કરાય. વંદન ભક્તિ સૂચક છે. વંદનમાં કાયમ ચરણની પ્રધાનતા હોય.

"ગઈ ભવાનિ ....

બંદઉં ગુરૂ પદ ...

પ્રણામ બધાને કરાય, ચરણ વંદના કોઈ એકને જ કરાય. જો આવું ન કરીએ તો આપણી ભક્તિ વ્યભિચારિણી ગણાય, ભક્તિ વ્યભિચારિણી થઈ જાય.

વ્યભિચારિણી ભક્તિ એટલે ડામાડોળ ભક્તિ. ભક્તિ એક નિષ્ઠ હોવી જોઈએ.

જેની ભક્તિ વ્યભિચારિણી નથી - જેની ભક્તિ ડામાડોળ નથી તેની વંદના અવ્યભિચારિણી હોય, તેની વંદના કોઈ એક પ્રત્યે જ હોય, એક નિષ્ઠ હોય. આવું જેને ગુરૂ જ્ઞાન થઈ ગયું હોય તે કરી શકે.

મહંમદ પયગંબર સાહેબ અવ્યભિચારિણી ભક્તિમાં માનતા હતા.

સૂફી સંત અવ્યભિચારિણી ભક્તિમાં માને.

સેકુલર મુરબ્બો - ગુણવંત શાહ નીચે પ્રમાણે જણાવે છે.

અવ્યભિચારિણી ભક્તોને પરમાત્મા સાથે ચાર પ્રકારે સંબંધ હોય.

૧ આવા બંદા ખુદા સાથે વતચીત કરે, ગુફતેગું કરે.

જે હરિને જાણી લે તે મરે નહીં.

કબીર, જાનાબાઈ, સમર્થ રામદાસ. તુલસી, મીરાં, નરસિંહ મહેતા વિ. મર્યા નથી.

ઘટના બને તો અહીં જ બને અને હમણાં જ બને. (Here and Now)

૨ બંદા પરમાત્માના રહસ્યો વિશે વિચારે.

પ્રેમી એક નવા હ્નદયનું પોતાના હ્નદયમાં નિર્માણ કરે.

આ અવ્યભિચારિણી ભક્તિ છે.

અવ્યભિચારિણી ભક્તિવાળાને દુનિયાના લોકો પાગલ ગણે છે.

પ્રેમ રોગી પાગલ જ હોય.

જેમણે પરમાત્માને પ્રેમ કર્યો હોય તે પ્રેમ બાહ્ય રીતે અંધ છે પણ ભિતરી રીતે બહું પ્રજ્ઞાવાન છે.

ભરત પ્રેમી છે.

રામ જ્ઞાન છે, કૄષ્ણ કર્મ છે અને હરિ ભક્તિ છે. રામ સત્ય છે, કૄષ્ણ પ્રેમ છે અને હરિ કરૂણા છે. તેથી "રામ કૄષ્ણ હરિ" એવી ધૂન બોલાય છે. આ બીજ મંત્ર છે.

ઘૂવડ કહે છે કે, " સૂર્ય છે જ નહીં, આખી દુનિયા આંધળી છે જેથી સૂર્યને પૂજે છે".

"મને શંકા પડે છે કે દિવાના શું દિવાના છે?

સમજદારીથી અળગા થઈ જવાના સૌ બહાના છે."

........................... જલન માત્રી

૩ બંદા ક્યારેક આત્મ ચિંતન કરે. જે વિચારે છે તેના વિશે ચિંતન કરે.

૪ બંદા દુનિયાદારીમાં જીવે અને દુનિયાના સંબંધો નિભાવે.

ઉપરોક્ત વિચારો શ્રી ગુણવંત શાહના પુસ્તકમાં છે.

દંડવત

દંદવત કરવા એતલે કોઈના ચરણોમાં સર્વ રૂપે શરણાગત થઈ જવું. આ પૂર્ણ શરણાગતિની સ્થિતિ છે. દંડવત કહેવાય નહીં પણ દંડવત પોતે કરવા પડે. જે દંડવત કરે તે પરતંત્ર બની જાય. દંડવત કરનાર જેને દંડવત કર્યા છે તેનો થઈ જાય, તેનો પરતંત્ર બની જાય. જેમ કોઈના પગ આગળ લાકડી મૂકે દેવામાં આવે તેમ દંડવત કરનાર લાકડી માફક પરતંત્ર બની જાય.

નમામિ - નમસ્કાર

જેનામાં પરમ વિશિષ્ટતા છે તેને નમામિ - નમસ્કાર કરાય. તેથી જ શંકરને નમામિ કરાય છે. જેની આંખો અને આત્મામાં બંનેમાં વિશિષ્ટતા દેખાય છે તેને નમસ્કાર કરાય.

શંકરનું રૂપ નમસ્કારીય રૂપ છે.

લંકાકાંડના મંગલાચરણના શ્લોકમાંનું શંકરનું સ્વરૂપ

શંખેન્દ્રાભમતીવસુન્દરતનું શાર્દૂલચર્મામ્બરં

કાલવ્યાલકરાલભૂષણધરં ગંગાશશાંકપ્રિયમ્‌ l

કાશીશં કલિક્લ્મષૌધશમનં કલ્યાણકલ્પદ્રુમં

નૌમીડઃયં ગિરિજાપતિં ગુણનિધિં કન્દર્પહં શંકરમ્‌ ll

શંખ અને ચંદ્રમા જેવી કાન્તિ સમાન અત્યંત સુંદર શરીરવાળા, વાઘના ચામડાને વસ્ત્ર તરીકે ધારણ કરવાવાળા, કાળરૂપ ભયાનક સર્પોનાં આભૂષણ ધારણ કરવાવાળા, ગંગા અને ચંદ્રમાના પ્રેમી, કાશીપતિ, કલિયુગના પાપોનો નાશ કરનાર, કલ્યાણના કલ્પવૄક્ષ સમાન, ગુણોના નિધાન અને કામદેવને ભસ્મીભૂત કરવાવાળા પાર્વતીના પતિ વંદનીય શ્રી શંકરને હું નમસ્કાર કરું છું.


સમુદ્ર મંથન વખતે નીકળેલ શંખ, કપ્લતરૂ, ચંદ્ર, ઝેર વિ. શંકર પાસે છે.

શંખ અને ચંદ્ર જેવું સૌંદર્ય શંકરનું છે.

શંકરનું આસન અને આવરણ એક જ છે (વ્યાઘ્રામ્બર).

પહેરવેશની પતિભા ઉપર અસર પડે.

વસ્ત્ર લજ્જાનું પ્રતીક છે.

શંકરનું વસ્ત્ર જે લજ્જાનું પણ પ્રતીક છે તે કદી ફાટે તેવું નથી છે, તેને કોઈ ચોરી ન જાય અને તેને ધોવાની પણ જરુર નથી.

શંકરનું આભૂષણ કાળ છે જેને કોઈ ચોરે જ નહીં.

ગંગા અને ચન્દ્ર શંકરને પ્રિય છે.

શંકરને પતિત પ્રિય છે. પતિત એટલે જેનું પતન થયેલું છે તે. ગંગા વિષ્ણુના અંગુઠામાંથી નીકળી નીચે પડે છે અને ચન્દ્ર વક્ર છે.

શંકરનું મૂળ નિવાસ સ્થાન કૈલાસ છે પણ તે વહિવટ કરવા કાશી આવે છે.

ભરેલો ડૂબે, ખાલી તરે.

શંકર કલીયુગનાં પાપનો નાશ કરનાર છે.

શંકર કલ્યાણના કલ્પતરૂ છે.

સત્‌ પુરૂષોના કૈવલ્યમૂર્તિ શંકર છે.

ખલને દંડિત કરી તેની (ખલની) ભલાઈ કરનાર શંકર છે.

તુલસી પોતાના કલ્યાણનો વિસ્તાર કરવાનું શંકરને કહે છે.

દરેકમાં ભલું કરવાની વૄત્તિ હોય છે. આવી વૄત્તિનો વિસ્તાર કરવાથી બીજાનું પણ ભલું કરવાની વૄત્તિ આવે.

બીજી બધી વસ્તુઓનો વિસ્તાર - વૄધ્ધિ કરવાની સાથે સાથે કલ્યાણ કરવાની વૄત્તિનો વિસ્તાર પણ જરૂરી છે. અને આ શંકર જ કરી શકે.

આપણી શુધ્ધિ શંકર જ કરી શકે.

શંકર કરૂણાવતાર છે, કરૂણાવાન છે.

શંકરનાં નેત્ર અસંગ, શુભ, કમલ જેવાં છે.

શુધ્ધિમાં આંખની મહતા છે, સિધ્ધિમાં પાંખની મહતા છે.

હું સક્ષમ નથી પણ અમક્ષ જરૂર છું.

પક્ષી પાસે ચાંચ છે પણ તે બીજામાં ચંચુપાત નથી કરતું અને પક્ષી પાસે પાંખ છે પણ પક્ષપાત નથી કરતું. અને માણસ પાસે ચાંચ નથી અને પાંખ પણ નથી છતાંય તે ચંચુપાત કરે છે અને પક્ષપાત કરે છે.

હરિની બહું જ કૄપા થાય તો જ નિર્વિકાર બની શકાય.

રામને વનવાસ મળે છે પણ વનને રામવાસ મળે છે.

તારીખ ૦૧-૧૧-૨૦૦૯, રવિવાર

કૄપાના સેતુ ઉપર જે ચાલે તે ડૂબે નહીં.

જાનકીના આવ્યા પછી લંકા શ્રીલંકા બને છે. ( પહેલાં લંકા હતી અને શ્રી સ્વરુપે જાનકી આવતાં લંકામાંથી શ્રીલંકા બને છે.)

યુધ્ધમાં છળકપટ પણ એક શસ્ત્ર છે.

રુદ્રાષ્ટ્રકમ્‌ માં શંકર શબ્દ ૮ મી વાર આવે છે.

શંકરનું ૮ મું રૂપ ભજનીય રૂપ છે.

ઘણા લોકો - તત્વો વંદનીય હોય.

ઘણા લોકો - તત્વો વર્ણનીય - કથનીય હોય.

ઘણા લોકો - તત્વો સરાહનીય હોય.

ઘણા લોકો - તત્વો પૂજનીય હોય.

ઘણા લોકો - તત્વો દર્શનીય હોય.

ઘણા લોકો - તત્વો મનનીય - એકાંતમાં વિચારવા લાયક હોય.

ઘણા લોકો - તત્વો સેવનીય - સેવા કરવા જેવા હોય.

ઘણા લોકો - તત્વો ગયનીય - ગાવા યોગ્ય હોય.

ઘણા લોકો અનુભવનીય હોય.

જે ભજનીય હોય તે વંદનીય હોય, વર્ણનીય - કથનીય હોય, સરાહનીય હોય, પૂજનીય હોય, દર્શનીય હોય, મનનીય - એકાંતમાં વિચારવા લાયક હોય, સેવનીય - સેવા કરવા જેવા હોય, ગયનીય ગાવા યોગ્ય હોય, અનુભવનીય હોય.

શંકર ભજનીય છે અને ભજન કરવાની પ્રેરણા પણ શંકર જ આપે છે.